EVM હેકિંગના મુદ્દે આજે સાંજે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના ઘરે વિરોધ પક્ષોની બેઠક યોજાશે. આ અંગે શરદ પવારે વિપક્ષી રાજકીય પક્ષોના નેતાઓને પત્ર લખ્યો છે. આ બેઠકમાં તમામ મુદ્દાઓ સાથે EVM હેકિંગની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવશે.
શરદ પવારે પત્રમાં લખ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે ઈવીએમ પર ઉઠેલા સવાલોના જવાબ આપવાનું વચન આપ્યું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિપક્ષી પાર્ટીઓ લોકસભા ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી કરાવવા પર ચર્ચા કરી શકે છે.
લોકશાહી હાઇજેકની મંજૂરી આપી શકે નહીં:
વિપક્ષી દળોને લખેલા પત્રમાં પવારે કહ્યું હતું કે, “ચિપ સાથેના કોઈપણ મશીનને હેક કરી શકાય છે અને આ બાબતને નકારી શકાય નહીં. શું આપણે લોકશાહીને આ રીતે હાઈજેક કરવાની મંજૂરી આપી શકીએ છીએ? જેઓ આ કરી રહ્યા છે, તેઓને આવું કરવાની મંજૂરી આપી શકાય? ચૂંટણી મુક્ત અને ન્યાયી છે, આપણે સાથે બેસીને IT પ્રોફેશનલ્સ અને ક્રિપ્ટોગ્રાફર્સનું શું કહેવું છે તે સાંભળવું જોઈએ.”
પત્રમાં પવારે લખ્યું છે કે CCE (ચૂંટણી પર નાગરિક પંચ)ના રિપોર્ટમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રોફેસરો, ક્રિપ્ટોગ્રાફર્સ અને નિવૃત્ત સરકારી અધિકારીઓના મંતવ્યો સામેલ છે.
બેઠકમાં અનેક વિપક્ષી દળો સામેલ થઈ શકે છે:
શરદ પવારે જણાવ્યું હતું કે હવે સામાન્ય માણસ પણ ઈવીએમમાં ગરબડની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આના પર ગંભીર ચર્ચા જરૂરી છે. એમ માનવામાં આવે છે કે શરદ પવારના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં ઘણા વિરોધ પક્ષોના નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે.
બીજી તરફ, લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી પાર્ટીઓની એકતા બતાવવા માટે પણ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણા રાજકીય પક્ષોએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે.
આ બેઠકમાં કયા પક્ષો ભાગ લેશે તે જોવું રહ્યું.