Homeપુરુષપુરુષની સેક્સ્યુઅલ ચોઈસ તેની સોશિયલ આઈડેન્ટિટી ન હોઈ શકે

પુરુષની સેક્સ્યુઅલ ચોઈસ તેની સોશિયલ આઈડેન્ટિટી ન હોઈ શકે

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ આવી રહ્યો છે ત્યારે ભારતમાં જે એક મુદ્દો અત્યંત લાઈટલી લેવાય છે એ વિશે ચર્ચા કરવી છે. એક સમય હતો જ્યારે એક સમાજ તરીકે સેક્સ્યુઅલ ચોઈસીસને આપણે અમુક ચોક્કસ સામાજિક અને વર્ષો સુધી કાયદાકીય ઢાંચામાં કેદ રાખી હતી, પરંતુ આ સદીના પહેલા દાયકાથી જ સેક્સ્યુઅલ ચોઈસ વિશે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ઘણું નક્કર કામ થયું છે, જેમાં અર્બન વિસ્તારોમાં જુદા જુદા પ્રકારની સેક્સ્યુઅલ ચોઈસ વિશેની સ્વિકૃતિ વિશેના કાર્યક્રમોથી લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો સુધીની સફર આપણે કરી, પરંતુ હજુ સેક્સ્યુઅલ ચોઈસ બાબતે સમાજમાં જે જાગૃતિ કે સ્વીકૃતિની જરૂર છે એ દિશામાં કામ થયું નથી.
સ્વીકૃતિનો આ અભાવ પુરુષો પર સીધી અસર કરે છે, જ્યાં હોમોસેક્સ્યુઅલ કે બાયસેક્સ્યુઅલ પુરુષને બાયલો કે નામર્દ કે હીજડો કહી દેવાય છે. કહી દેવાય એ તો ઠીક, તેની સાથે એવું વર્તન પણ કરાય છે અને તેની નામ અને તેની ઓળખની સાથે એક સોશિયલ ટેગ પણ લગાવી દેવામાં આવે છે, પરંતુ પુરુષની કે પછી સ્ત્રીની પણ સેક્સ્યુઅલ ચોઈસ એ તેની એકમાત્ર આઈડેન્ટિટી નથી. એ તેની ચોઈસ છે, જે ચોઈસ કદાચ આપણી ચોઈસ અથવા આપણે માની લીધેલી ચોઈસ સાથે મેળ ન પણ ખાતી હોય, પરંતુ એ એકમાત્ર કારણને લીધે આપણે ડિસ્ક્રિમિનેશનનો સહારો ન લઈ શકીએ.
અને આપણું ડિસ્ક્રિમિનેશન માત્ર કોઈનું નામ પાડવા પૂરતું કે કોઈને ચિડાવીને નીચા પાડવા પૂરતું જ થોડું સીમિત હોય છે? કોઈની ડિફરન્ટ સેક્સ્યુઅલ ચોઈસનો આપણે ઉપહાસ ત્યાં સુધી કરીએ છીએ કે એ ઉપહાસને કારણે કોઈકનું આખું જીવન પોતાની આઈડેન્ટિટીને છુપાવવામાં કે પોતે કોઈ બહુ મોટા ગુનેગાર છે એની ગિલ્ટમાં વીતી જાય છે. સાથોસાથ સામાજિક પ્રસંગોએ કે જાહેર સ્થળોએ તેમની સાથે જે ઓરમાયું વર્તન થાય એની તો વાત જ શું કરવી?
પરંતુ આપણે એ યાદ રાખવું પડશે કે પુરુષની કે પછી કોઈની પણ સેક્સ્યુઅલ ચોઈસ એ તેના વ્યક્તિસ્વાતંત્ર્યનો જ એક ભાગ છે, જેમાં તેને ફ્રીડમ ઑફ ચોઈસનો અધિકાર છે. આ તો ઠીક હવે તો આ તેનો બંધારણીય અને કાયદાકીય પણ અધિકાર છે. એટલે કોઈની સેક્સ્યુઅલ ચોઈસ
એ ક્યારેય આપણો વ્યક્તિગત કે સામાજિક પ્રશ્ર્ન ન હોઈ શકે. હા, જો એ ડિફરન્ટ ચોઈસ ધરાવતી વ્યક્તિ દ્વારા કોઈ શારીરિક કે માનસિક સતામણી થતી હોય તો એ ગુનો છે અને એવા સમયે સામેની વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ એનો વિચાર કર્યા વિના તેનો પ્રતિકાર કરીને કાયદાકીય પગલાં લેવાનાં થાય છે.
પણ આપણે પાછા સમાજ તરીકે એટલા કમઅક્કલ છીએ કે જ્યારે આપણી સાથે માનસિક કે શારીરિક સતામણી થાય છે ત્યારે આપણે ક્યાં તો એ સતામણીને આઈડેન્ટિફાય નથી કરી શકતા અથવા તો જાણીજોઈને એ અડપલાં અથવા અમુક ગંભીર એક્ટ્સ બાબતે આંખ આડા કાન કરી લઈએ છીએ અને જેઓ બિચારા કોઈને નડતા નથી અને કોઈને દાબદબાણમાં લાવ્યા વિના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પોતાની ચોઈસ મુજબના સેક્સને માણે છે એની આપણે પાછળ પડી જઈએ છીએ. ત્યાં સુધી કે પેલા માણસને એવું ફીલ થવા માંડે કે તે અત્યંત નકામો અને ગુનેગાર માણસ છે અને આ દુનિયામાં તેના અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી.
એટલે જ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ આવી રહ્યો છે ત્યારે આપણે સૌ આ મુદ્દા પર એકમત થઈએ કે પુરુષ અથવા સ્ત્રીની સેક્સ્યુઅલ ચોઈસ એ તેનો જન્મસિદ્ધ અને બંધારણીય અધિકાર છે. તેના એ અધિકારને આપણી પસંદ-નાપસંદના હિસાબે આપણે વ્યાખ્યાયિત ન કરીએ અને એ રીતે આપણી માન્યતાઓના પાંજરામાં કોઈના અસ્તિત્વને કેદ ન કરીએ.

RELATED ARTICLES

Most Popular