કવર સ્ટોરી – અભિમન્યુ મોદી
ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો. બંનેએ રાંધી ખીચડી અને પછી? પછી તો ચકો સોફા ઉપર લાંબો થઈને સૂઈ ગયો અને ચકીએ રસોડું સરખું કર્યું, વાસણ સાફ કર્યાં અને પછી બહારનાં કામ કરવાં પણ ગઈ. આધુનિક સમય પ્રમાણે ચકી વર્કિંગ વુમન હતી એટલે ઘરે બે પૈસા કમાઈને પણ લાવતી હતી. – આવી એક વાર્તા ફેમીનીસ્ટ કે સો કોલ્ડ ફેમીનીસ્ટે કહી. વાહવાહી, લાઈકો, કમેન્ટો, બધાનું ધ્યાન અને જાહેરમાં તાળીઓ પડાવવાનો એક સ્યોર શોટ રસ્તો એ છે કે અકારણ વિદ્રોહ કર્યા કરો. વિષય ન હોય તો પણ પાકિસ્તાનને ગાળો આપો એટલે ટોળામાં છવાઈ જશો. કારણ વિના મોદીવિરોધ કરો કે રાહુલને પપ્પુ કહ્યા કરો એટલે એક ચોક્કસ સમુદાય તો ખુશ થાય જ. એવું જ ફેઇક ફેમીનીસ્ટોનું છે. પુરુષોને કારણ વિના ભાંડવાના. ઓલ મેન આર ડોગ એવું બોલનારી માનુનીઓ કુતરાને કેમ વફાદાર પ્રાણી માને છે? પોતે ક્લીઅર જ નથી કે કોને શું કહેવું છે? સામે પક્ષે પુરુષો છે જે જાહેર મીડિયામાં સ્ટીરીયોટાઈપ થયા કરે છે પણ કઈ બોલતા નથી. રોદણા રડવાનો સમય સાચા પુરુષો પાસે હોતો નથી.
ઈમ્પિરિયસ બ્લ્યુની ટૂંકી જાહેરાતો બહુ પ્રખ્યાત છે. ‘મેન વીલ બી મેન’ – નું જાણે કેમ્પેઈન ચલાવ્યું હોય એવી જાહેરાતો. લીફ્ટમાં બે પુરુષોના મોટા પેટ દેખાતા હોય અને કોઈ એક સુંદર સ્ત્રી લીફ્ટમાં પ્રવેશે. એ સ્ત્રી લીફ્ટમાંથી બહાર નીકળે એટલે બન્ને શ્ર્વાસ છોડે અને બન્નેનું પેટ ફાંદમાં પરિવર્તિત થઇ જાય! સ્ત્રીને ઈમ્પ્રેસ કરવા માટે એકસાથે બે પુરુષો શ્ર્વાસ રોકીને બેઠા છે. પછી બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય કે ‘મેન વીલ બી મેન’. પતિદેવો એની પત્નીની મેરેજ એનિવર્સરી ભૂલી જાય, કોઈ પુરુષ કોઈ છોકરીને પ્રભાવિત કરવા માટે લાર્જર ધેન લાઈફ સરપ્રાઈઝ ગોઠવે, રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો એ સ્ત્રીને મદદ કરવા પુરુષ દોડે અને સ્ત્રી બીજા કોઈ પુરુષની ગાડીમાં બેસી જાય વગેરે વગેરે જાહેરાતો આ બ્રાન્ડની આવી છે. આ શોર્ટ વિડીયો રચનાત્મક હોય છે, નવીન હોય છે. પણ એક સ્ટીરીયોટાઈપ તો સેટ કરે જ છે કે બધા પુરુષો આવા જ હોય. બધા પુરુષો કોઈ સુંદર સ્ત્રીને વાહન પાસે ઊભેલી જુવે એટલે એને લાઈન મારવા માટે થઈને તેનું પંક્ચર કરવા માંડે. કોઈ પણ પુરુષ માનવતાની દૃષ્ટિએ મદદ ન કરે પણ ફક્ત તે સ્ત્રીને પટાવવા માટે થઈને ઉંધોચતો થાય. તકલીફમાં રહેલી કોઈ પણ સ્ત્રીનો ફાયદો ઉઠાવે એ પુરુષ. પોતાની વાઈફનો બર્થડે યાદ ન હોય પણ પડોશણનું બધું યાદ હોય એ પુરુષ.
એક બ્રાન્ડની વાત કરીએ. ડીઓ-પરફ્યુમની લગભગ કોઈ પણ બ્રાન્ડની વાત કરીએ. સ્ત્રીઓ અને પુરુષો બંનેને સેકસ્યુઅલાઈઝ કરવામાં આવે છે. આ જાહેરાતોએ જનમાનસમાં એવું ઠસાવી દીધું છે કે પુરુષ તેનાં કપડાં ઉપર ડીઓ એટલે જ લગાવશે કે તેને એકસાથે ઘણી બધી યુવતીઓને આકર્ષવી છે. ટૂંકમાં દરેક પુરુષની જિંદગીનું લક્ષ્ય એ જ છે કે ડીઓ લગાવો અને આખા શહેરની બધી સ્ત્રીઓને ચુંબકની જેમ ખેંચી લો. પુરુષને કોઈ કામધંધો હોતો નથી, એને ટેન્શન હોતું નથી, અદાણીના શેર તૂટે ત્યારે તેનું બ્લડપ્રેશર હાઈ થતું નથી, તેના ઘરે પ્રોબ્લેમ હોય તો એની ચિંતા તેને કામના સ્થળે સતાવતી નથી. પુરુષ શું કરે છે? તૈયાર થાય છે, ડીઓ લગાવે છે અને ઓફીસ જઈને કેટલી છોકરીઓ તેના તરફ ખેંચાતી ચાલી આવી એ સ્કોરબોર્ડમાં લખીને ઐય્યાશી કરે છે. શું દરેક પુરુષ આવો છે? કોઈ પુરુષ પોતાની સ્વચ્છતા માટે કે બેઝીક મેનરીઝમમાં માનીને સ્પ્રે લગાવતો જ નહિ હોય?
નવાઝુદ્દીન સિદ્દીકીની કેનવુડ વોશિંગ મશીનની જાહેરાત જોઈ છે? પાકિસ્તાની જાહેરાત છે એટલે કદાચ ન પણ જોઈ હોય. એમાં નવાઝ ભાઈ એના ત્રણ દોસ્તો પાસે શેખી મારે છે કે વાઈફ એટલે ઘર છોડીને ચાલી ગઈ છે કે તેનાથી એટીટ્યુડ સહન નથી થતો. હસબન્ડનો મગજ ગયો અને તેનાથી પત્ની ઉપર હાથ ઉપાડાઈ ગયો. તેણે તેની પત્નીની ‘ધુલાઈ’ કરી નાખી. ત્યાં એક દોસ્ત નવાઝને ડરાવવા અચાનક બોલે છે કે – સલામ આલેકુમ ભાભી. નવાઝ ડરી જાય છે, ઘાંઘો થઇ જાય છે અને તેનો ચહેરો ધોળી પૂણી જેવો થઇ જાય છે. પછી કેનવુડ વોશિંગ મશીનની જાહેરાત આવે અને વોઈસ ઓવરમાં આપણને સંભળાય કે ઐસી ધુલાઈ કો કૌન માનેગા? આ વલ્ગર નથી? પહેલી વાત તો એ કે ડોમેસ્ટિક વાયોલન્સની મજાક કઈ રીતે ઉડાવી શકાય? સ્ત્રીઓને પુરુષો મારે જ. પતિ એટલે તો કંથ અને નાથ. એને મારવાનો હક્ક છે. શરૂઆતમાં તો નવાઝના દોસ્તો એની વાત માની જ જાય છે ને?
એફઆઈઆર કરીને એક કોમેડી શો આવતો. તેમાં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલા તેના જુનિયર કોન્સ્ટેબલને સતત થપ્પડો મારતી રહેતી. વર્ષો સુધી આ શો ઓન-એર આવ્યો. ફની શો હતો. કવિતા કૌશિક સારી અદાકાર છે અને તેની ઇન્સ્ટા પ્રોફાઈલ તથા ટ્વિટર અકાઉન્ટ ઉપરથી એક સારા માણસ હશે એવું પણ જણાય છે. તે સિરિયલના સર્જકોનો સમાજમાં ખોટો મેસેજ પહોંચાડવાનો પણ કોઈ બદઈરાદો નહિ હોય. પણ પુરુષ સ્ત્રીને મારે કે સ્ત્રી પુરુષને મારે એ બન્ને વાત ખોટી નથી? આ તો કોમેડી શો હતો એટલે તેને હજુ બેનેફિટ ઓફ ડાઉટ આપી શકાય પણ તેના પાત્રાલેખનનો એક અર્થ એ પણ ખરો કે જુનિયર પોઝિશનમાં રહેલા પુરુષે થપ્પડો ખાવાની તૈયારી રાખવાની અને દેખાવડા પુરુષ સાથે એ જ લેડી પ્રેમથી વાત કરે!
‘લાયન્સ ગેટ’ પ્લેની જાહેરાત ખાસ જોવા જેવી છે. નેટફ્લીક્સ જેવું પ્લેટફોર્મ. એમાં એક બોયફ્રેન્ડ અને
ગર્લફ્રેન્ડ લાગતા (કે પછી ભાઈ-બહેન પણ હોઈ શકે!) એક છોકરો અને છોકરી વિચારે છે કે શું જોવું? પેલી છોકરી પહેલા વહાલ કરતી હોય એમ છોકરાના ગાલ ઉપર હાથ ફેરવે છે અને પછી ઉપરાછાપરી થપ્પડો મારે છે. આઠમી થપ્પડ પછી પેલો છોકરો સ્ટોપ એવું બોલે એટલે પેલી પાપા કી પરી છોકરી એવું કહે છે કે આપણે આઠમા ક્રમાંકે રહેલો શો જોઈશું! જાહેરાત પૂરી! આ શું નોનસેન્સ? આ જાહેરાતનું વિશ્લેષણ જવા દઈએ પણ જો આ જ જાહેરાતમાં જેન્ડરના રોલ રીવર્સ હોત તો? છોકરો છોકરીને થપ્પડ મારતો હોત તો? ઊહાપોહ મચ્યો હોત કે નહિ?
‘કાર્સ ૨૪’ ની જાહેરાતમાં બે લેડીઝ વાત કરે છે કે જેમ સાત દિવસમાં કાર વાપરીને તેને પરત કરવાની છૂટ છે એવું ફીચર હસબન્ડ સિલેક્ટ કરવા માટે પણ હોય તો? હવે આવી જ સરખામણી બે પુરુષોએ પત્ની શોધવા માટે કરી હોત તો? પણ પુરુષો ઉપર જોક છે એટલે કોઈ જ વિવાદ નહિ થાય. એવું કેમ? બંધારણ અને પ્રતિજ્ઞાપત્રમાં લખેલી નાગરીકોની સમાનતા આ છે?
આવા બીજા ઘણા ઉદાહરણો ફિલ્મોમાંથી, સિરિયલોમાંથી, સોશ્યલ મીડિયામાં ચાલેલા ટ્રેન્ડમાંથી લઇ શકાય. જેમાં પુરુષ – સ્ત્રી સમાનતા નથી હોતી. સ્ત્રીઓને સદીઓથી અન્યાય થતો આવ્યો છે એ વાત સત્ય છે. હજુ પણ સ્ત્રીઓને ‘બીજી જાતી’ ગણનારા માણસો, પરિવારો, સમાજો છે તે પણ હકીકત છે જ. યુગો સુધી સ્ત્રીઓનું શોષણ થયું છે. સ્ત્રીઓ ઉપર બહુ ગંદા અત્યાચાર થયા છે. સ્ત્રીઓને ગુલામ બનાવીને રાખનારા સમુદાયો હતા અને છે. રિતિરીવાજો, ધાર્મિક અનુષ્ઠાનો, પરંપરાઓ વગેરેમાં સ્ત્રીઓને અન્યાય થતો આવ્યો છે. પણ આ સમય એ બધું યાદ રાખવાનો નથી. સમય સતત બદલાય છે, દુનિયા આગળ વધે છે. ભવિષ્ય પુરુષ અને સ્ત્રીને સરખી રીતે ટ્રીટ કરવા ચાહે છે. અત્યારના બધા પુરુષો ખરાબ નથી. પુરુષોને આ દુનિયા પૂરતું પ્રેશર આપે છે. બધા જ પુરુષો હવસખોર કે ઈડિયટ નથી હોતા. તેઓ કંઈ ન બોલે એટલે બધાને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નથી. પુરુષોએ આટલો બધો સમય આપણી ઉપર અત્યાચાર કર્યો તો હવે સ્ત્રીઓનો વારો- આવી માનસિકતા આતંકવાદીઓની હોય, સારા માણસની નહિ.
પુરુષસત્તાક માનસિકતા પુરુષને પણ નડતી હોય છે. એને ખબર પણ નથી હોતી અને તે એનો શિકાર બની જતો હોય છે. સ્કૂલકાળથી અમુક સંજોગો છોકરાઓની મર્દાનગીની સાબિતી માંગતા હોય છે. મરદ હોવું એટલે મારફાડ હોવું નહિ – આ ક્ધસેપ્ટ જ મોટાભાગના લોકોના મનમાં ક્લીઅર નથી. મમ્મી-પપ્પાઓએ છોકરા અને છોકરીને પ્રોપર માર્ગદર્શન જ નથી આપ્યું કારણ કે તેઓને પણ મળ્યું નથી. હવે પુરુષો કે સ્ત્રીઓ કોઈને પણ જનરલાઈઝ કરીને તેની મશ્કરી ઉડાડવી એ આપણી સમાજશાંતિ ઉપરનો કાંકરીચાળો ગણાશે. ભૂલ હોય એને દંડો, પછી એ સ્ત્રી હોય કે પુરુષ તે મહત્ત્વનું નથી. પુરુષોનો આ દુનિયા બનાવવામાં મોટો ફાળો છે. સ્ત્રીઓનો ફાળો અપ્રતિમ હશે પણ પુરુષો પણ ધન્યવાદના હકદાર છે.