રાપરના નિલપરમાં બિહાર અને રાજસ્થાનથી આવતા ચરસ, ગાંજા, પોષડોડાનાં જથ્થાનું વેચાણ કરતો એક શખસ ઝડપાયો

આપણું ગુજરાત

₹ નવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ગાંધીધામમાં છકડામાં ૫૦ હજારનો ગાંજો લઇ જતા ત્રણ શખસને ઝડપી લેવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પાકિસ્તાન, ઈરાન જેવા અખાતી દેશમાંથી સરહદી કચ્છના સમુદ્રી માર્ગે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ કરોડોની કિંમતના માદક દ્રવ્યો ભારતમાં ઠાલવી રહ્યા છે ત્યારે સીમાવર્તી રાપર તાલુકાના નિલપર ગામના વાડી વિસ્તારમાં પૂર્વ કચ્છની સ્થાનિક ગુનાશોધક શાખાએ દરોડો પાડીને ચરસ, ગાંજો અને પોષડોડાનાં મોટા પ્રમાણના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પૂર્વ કચ્છ એલસીબીના પોલીસ ઈંસ્પેક્ટર એમ. એન. રાણાએ જણાવ્યું હતું કે, રાપરના નિલપર ગામના રાકાણી વાડી વિસ્તારમાં ખુબડી માતાજીનાં મંદિર પાસે રહેતા અરજણ કુંભા મકવાણા નામનો શખસ માદક પદાર્થોનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી તેના કબજામાંથી રૂ.૯.૭૬.૩૫૦ની કિંમતનું ૬૫.૯ કિલોગ્રામ ચરસ, રૂ.૨,૩૫,૮૭૦૨ની કિંમતનો ૨૩.૫૭૮ કિલોગ્રામ ગાંજો અને રૂ.૧૨૦૦ની કિંમતનો ૦.૪૦૦ કિલોગ્રામ પોષડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
માદક પદાર્થ બાબતે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેની પાસે રહેલો ચરસનો જથ્થો બિહાર રહેતું દંપતી કૃણાલ ઉર્ફે સુજાનસિંહ અને તેની પત્ની આપી જતા હતાં જ્યારે ગાંજાનો જથ્થો પડોશી રાજ્ય રાજસ્થાનના બાંસવાડામાં રહેતો રાજુ બાબા નામનો વ્યક્તિ આપી જતો હતો.
બીજી તરફ, કચ્છના પંચરંગી શહેર ગાંધીધામમાં નશીલા દ્રવ્યોનો ગેરકાયેદેસર કારોબાર અનેક વખત બહાર આવ્યો છે ત્યારે શુક્રવારની મધ્યરાત્રીના સ્થાનિક પોલીસે ૪૦૦ ક્વાર્ટર ચોકડી પાસે છકડામાં લઇ જતા ત્રણ શખસોને રૂ.૫૦ હજારની કિંમતના ગાંજા સાથે ઝડપી લીધા છે. એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ. બી. પટેલે ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે, ગાંજાની હેરાફેરી અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે શહેરના કાર્ગો એકતા નગરમાં રહેતા દિનેશ જીવણ પરમાર તેના છકડામાં રવિ મનસુખ દેવીપૂજક સાથે ગાંજાનો જથ્થો લઇને ડિલિવરી આપવા જઈ રહ્યા હતા ત્યારે પૂર્વ કચ્છ પોલીસવડાને જાણ કરાઇ હતી અને આદિપુર આસિસ્ટન્ટ ડાયરેક્ટર બોઇલર કચેરીને જાણ કરાઇ હતી. ત્યારબાદ એએસઆઇ ગોપાલ મહેશ્વરીએ ઇન્વેસ્ટિગેશન કીટ તૈયાર કરી ૪૦૦ ક્વાર્ટર્સ ચોકડી પાસે બાતમી મુજબનો છકડો આવતાં તેમાં રાખેલી બોરીની તલાશી લેતાં માદક પદાર્થ હોવાની શંકાથી એફએસએલ અધિકારી કે. એમ. તાવિયાને બોલાવી પરિક્ષણ કરાવતાં તેમણે આ પદાર્થ ગાંજો હોવાનું જણાવતાં રૂ.૫૦,૦૦૦ની કિંમતના ૫૦૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે દિનેશ જીવણભાઇ પરમાર, રવિ મનસુખભાઇ દેવીપૂજક અને રાજુભાઇ લક્ષ્મણભાઇ દેવીપૂજકની અટક કરી તેમના વિરુદ્ધ પીએસઆઇ એમ. બી. ઝાલાએ નાર્કોટીકસ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અઢી વર્ષથી કચ્છના સમુદ્રી કાંઠા પરથી બિનવારસુ ચરસના પડીકાં સતત મળી રહ્યા છે તેમજ કચ્છના બે મહત્ત્વના બંદરો પરથી તાજેતરમાં કરોડોની કિંમતનું ડ્રગ્સ મળ્યું હતું તે વચ્ચે પાકિસ્તાનની ભૂમિ સીમાની તદ્દન નજીકના રાપર તાલુકાના નિલપરથી અને કંડલા બંદરની હદમાં આવેલા ગાંધીધામમાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવતાં ભાતીગળ કચ્છ ડ્રગ માફિયાઓ માટે ગોલ્ડન ટ્રાયેન્ગલ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.