માણસે પોતાની પ્રતિભા પર ભરોસો રાખવો જોઈએ

ઉત્સવ

સુખનો પાસવર્ડ-આશુ પટેલ

ઓ. પી. નૈયરની પહેલી જ ફિલ્મના ગીતનું રેકોર્ડિંગ કયાર્ં વિના લતાજી બહાર નીકળી ગયાં એ પછી…

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગઈ સદીના વિખ્યાત સંગીતકાર ઓમકાર પ્રસાદ નૈયર (ઓ. પી. નૈયર)ના જીવનની એક વાત જાણવા જેવી છે.
ઓ. પી. નૈયરને ૧૯૫૨માં રિલીઝ થયેલી ‘આસમાન’ ફિલ્મમાં સંગીત આપવાની તક મળી હતી. એ ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા દલસુખ એન. પંચોલી હતા. એ ફિલ્મમાં દિલીપકુમારના નાના ભાઈ નસીર ખાન, શ્યામા વીણા, અનવર હુસેન મુખ્ય ભૂમિકામાં હતાં અને સહાયક ભૂમિકાઓમાં બદરી પ્રસાદ, ડેવિડ અબ્રાહમ અને આશા પારેખ, લલિતા પવાર તથા જગદીપ વગેરે હતાં (જગદીપે એ ફિલ્મમાં બાળકલાકાર તરીકે રોલ કર્યો હતો અને તેમને એ ફિલ્મમાં ક્રેડિટ મળી નહોતી).
ગુરુ દત્તની ભલામણને કારણે દલસુખ પંચોલીએ એ ફિલ્મમાં સંગીતકાર તરીકે ઓ. પી. નૈયરને તક આપી હતી. નૈયરની એ સૌ પ્રથમ ફિલ્મ હતી. એ ફિલ્મમાં ‘પિયા આન બસે મોરે નૈનન મેં’ ગીત લતા મંગેશકર પાસે ગવડાવવું એવો આગ્રહ નિર્માતા-દિગ્દર્શક દલસુખ પંચોલીએ કર્યો હતો એટલે ઓ. પી. નૈયરે લતા મંગેશકરને એ ગીત માટે કરારબદ્ધ કર્યાં હતાં. પરંતુ લતાજી એ ગીતનાં રેકોર્ડિંગ માટે સ્ટુડિયોમાં ગયાં ત્યારે એ ગીતની ધૂનને મુદ્દે લતાજી અને ઓ.પી. નૈયર વચ્ચે ઉગ્ર દલીલો થઈ ગઈ. લતાજી રોષે ભરાઈને એ ગીતનું રેકોર્ડિંગ કર્યા વિના જ સ્ટુડિયો છોડીને જતાં રહ્યાં.
એને કારણે ઓ.પી. નૈયરને પણ ખરાબ લાગી ગયું. તેમણે એ જ વખતે નક્કી કર્યું કે હું આજ પછી જે પણ ફિલ્મનું સંગીત આપીશ એમાં લતા મંગેશકર પાસે નહીં ગવડાવું.
એ સમયમાં લતા મંગેશકરની સામે પડવાની આખી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈની હિંમત નહોતી. અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગીતકારો માનતા હતા કે લતાજીનો હાથ તેમના પર ન હોય ત્યાં સુધી તેમને સફળતા મળી જ ન શકે. ત્યાં સુધીમાં લતાજીનું નામ એટલું મોટું થઈ ચૂક્યું હતું કે તેમનો રોષ વહોરી લેવાની તો કોઈ કલ્પના પણ કરી નહોતું શકતું, પરંતુ ઓ. પી. નૈયરે એ દિવસથી નક્કી કર્યું કે હવે હું લતા મંગેશકર સાથે એક પણ ગીત નહીં કરૂં.
બીજી બાજુ લતા મંગેશકરે પણ ઓ. પી. નૈયરના સંગીતમાં ક્યારેય ન ગાવાનું મન બનાવી લીધું હતું.
ઓ. પી. નૈયરે પછી એ વખતનાં અન્ય જાણીતાં ગાયિકા રાજકુમારી પાસે એ ગીત ગવડાવ્યું. એ ફિલ્મના અન્ય ચાર ગીતો ગીતા દત્ત પાસે ગવડાવ્યાં અને ત્રણ ગીતો સી. એચ. આત્મા પાસે ગવડાવ્યાં હતાં (એ ફિલ્મના તમામ ગીતો પ્રેમ ધવને લખ્યા હતા).
એ સમયમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બધા લોકો માનતા હતા કે ઓ.પી. નૈયરે લતા મંગેશકર સાથે સંબંધ બગાડીને પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો છે.
માંડ પહેલી ફિલ્મમાં સંગીત આપવાની તક મળી હોય એ સંગીતકાર લતાજી જેવાં ટોચ પર પહોંચી ગયેલાં ગાયિકા સાથે બોલવાનું બંધ કરી દે અને ઉપરથી એવું પણ નક્કી કરી લે કે આજ પછી હું લતા મંગેશકર પાસે નહીં ગવડાવું. એ જાણીને ઇન્ડસ્ટ્રીમાં બધા લોકો એવું કહેવા લાગ્યા હતા કે આ માણસ ગાંડો થઈ ગયો લાગે છે.
લતાજી અને ઓ. પી. નૈયરે એકબીજા પર પ્રતિબંધ મૂક્યો એને કારણે ઓ. પી. નૈયરે ઘણી કિંમત પણ ચૂકવવી પડી, પરંતુ તેમણે એ વાતની સહેજ પણ પરવા ન કરી. એ સમયમાં લતા મંગેશકરનાં બેન આશા ભોંસલેનું નામ એટલું મોટું નહોતું થયું અને તેઓ લતાજીની પ્રતિભા હેઠળ દબાયેલાં રહેતાં હતાં, પરંતુ ઓ. પી. નૈયરે તેમની પાસે એકથી એક ચડિયાતાં ગીતો ગવડાવ્યાં. ૧૯૫૮ સુધીમાં તો ઓ.પી. નૈયરનું નામ ખૂબ મોટું બની ગયું. અને એ વર્ષે તેમને દિલીપકુમારની ‘નયા દૌર’ ફિલ્મ માટે બેસ્ટ મ્યુઝિક ડિરેકટર તરીકે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. એ વખતે લતા મંગેશકર કેમ્પ તરફથી એવી પણ એક વાત બહાર આવી હતી કે ઓ. પી. નૈયરે ‘આસમાન’ની મુખ્ય અભિનેત્રીને બદલે સહાયક અભિનેત્રીનું ગીત લતા મંગેશકર પાસે ગવડાવવાનું નક્કી કર્યું એ વાતની ખબર પડી એટલે લતાજીએ તે ગીત ગાવાની ના પાડી દીધી હતી અને એને કારણે ઓ. પી. નૈયરે સોગંદ ખાઈ લીધા હતા કે હવે પછી લતા મંગેશકર પાસે એક પણ ગીત નહીં ગવડાવું.
ઓ. પી. નૈયરે લતા મંગેશકર પાસે એક પણ ગીત ગવડાવ્યાં વિના પોતાનું આગવું અને અત્યંત મજબૂત સ્થાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જમાવી દીધું હતું અને સતત બે દાયકાઓ સુધી કેટલાય સુપરહિટ ગીતો બનાવ્યા હતાં. અને તેમનું નામ ઈતિહાસમાં એ રીતે લખાઈ ગયું કે તેમણે લતા મંગેશકર પાસે એક પણ ગીત ગવડાવ્યાં વિના સંગીતકાર તરીકે અકલ્પ્ય સફળતા મેળવી હતી!
તેમનાં કેટલાક ગીતો ઓલ ટાઈમ ક્લાસિક ગીતોની યાદીમાં આવી ગયા છે. ‘યે હૈ રેશમી ઝુલ્ફો કા અંધેરા…’, ‘જાઈએ આપ કહાં જાયેગેં…,’ ‘મેરા નામ ચીન ચીન ચુ…’ જેવાં ગીતો થકી તેઓ પોતાનું નામ અમર કરી ગયા.
ઘણાં ક્ષેત્રોમાં સફળતા મેળવી ચૂકેલી વ્યક્તિઓ પોતાના ક્ષેત્રમાં આવતી નવી વ્યક્તિઓને દબાવવાની કોશિશ કરતી હોય છે અને નવી વ્યક્તિઓ દબાતી પણ હોય છે, સફળ વ્યક્તિઓ પાસેથી સર્ટિફિકેટ મેળવવા માટે તરસતી હોય છે. એ બંને પ્રકારની વ્યકતિઓએ ઓ.પી. નાયરના જીવનને યાદ કરવું જોઈએ.
ઓ. પી. નૈયરને સલામ કરવી જોઈએ કે તેમણે લતાજી જેવાં પાવરફુલ, શક્તિશાળી અને પ્રખ્યાત ગાયિકાને શરણે જવાને બદલે પોતાની રીતે આગવો ચીલો ચાતરવાનું નક્કી કર્યું. ઓ. પી. નૈયરને પોતાની પ્રતિભા પર ભરોસો હતો એટલે તેમણે લતાજી જેવાં ટોચનાં ગાયિકાની પણ પરવા કરી નહોતી.
માણસ પોતાની પ્રતિભામાં ભરોસો રાખીને મક્કમ મનોબળ સાથે આગળ વધે તો સફળતા મેળવી જ શકે છે એનો પુરાવો ઓ. પી. નૈયર આપી ગયા છે.
ઘણા માણસો કહેતા હોય છે કે ફલાણી વ્યક્તિ સામે આપણી શું ઓકાત, એ તો મહાન હસ્તી છે એની સામે આપણે મગતરાં સમાન કહેવાઈએ. અથવા ઘણા અડિયલ માણસો સફળતા મેળવવા મથી રહેલી વ્યક્તિઓની અન્ય વ્યક્તિઓ સાથે સરખામણી કરતા કહેતા હોય છે કે તેમની સામે તારી શું હેસિયત છે?
દોસ્તો, ઓકાત કે હેસિયત જેવું કશું નથી હોતું. માણસે પોતાની પ્રતિભામાં અને કુદરતમાં વિશ્ર્વાસ મૂકવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ કુદરતથી મોટી ન હોઈ શકે. પોતાની પ્રતિભા પર ભરોસો રાખનારા લોકોને કોઈના ઓશિયાળા બનવાની જરૂર પડતી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.