સુખનો પાસવર્ડ -આશુ પટેલ
એક જહાજ મધદરિયે પ્રવાસ કરી રહ્યું હતું. અચાનક એ જહાજ દરિયાઈ તોફાનમાં ફસાઈ ગયું. ઊંચાં ઊંચાં મોજાં ઉછળવાં લાગ્યાં અને જહાજ હાલકડોલક થવા લાગ્યું. જહાજમાં પ્રવાસ કરી રહેલા સેંકડો મુસાફરો મૃત્યુના ડરથી ચીસો પાડવા લાગ્યા. ઘણા પ્રવાસીઓ પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરવા લાગ્યા.
તોફાન શમવાને બદલે વધતું જતું હતું અને પ્રવાસીઓને લાગતું હતું કે હવે મૃત્યુ નિશ્ર્ચિત જ છે. ઘણા પ્રવાસીઓ મોટા અવાજે રડવા લાગ્યા, કેટલાક પ્રવાસીઓ ઊંચા અવાજે ઉપરવાળાને વિનંતી કરવા લાગ્યા કે “અમારા પર રહેમ કરો. અમને બચાવી લો.
એ વખતે જહાજનો કેપ્ટન એ બધા વચ્ચે જઈને ઊભો રહ્યો. તેણે માઈકની મદદથી પ્રવાસીઓને સંબોધન કર્યું. તેના ચહેરા પર પણ ચિંતાની લકીરો હતી, પણ મૃત્યુનો ખોફ નહોતો.
કેપ્ટને પ્રવાસીઓને કહ્યું, “હું કેટલાય દાયકાઓથી આ જહાજનું સુકાન સંભાળું છું અને હું આવા અનેક તોફાનોનો સાક્ષી છું. મારા જહાજે આવાં અનેક તોફાનો સામે ટક્કર ઝીલી છે. તમે સૌ ધીરજ રાખો. આ તોફાન પસાર થઈ જશે અને આપણે સૌ હેમખેમ રહીશું. જે તોફાન શરૂ થાય છે એનો ક્યારેક અંત પણ આવે જ છે.
જોકે તોફાનની ભયાનકતા જોઈને પ્રવાસીઓને કેપ્ટન પર વિશ્ર્વાસ ન બેઠો. તેમણે રીડિયારમણ અને રોકકળ ચાલુ રાખી.
થોડા સમય પછી તોફાન ઓછું થવા લાગ્યું એટલે પ્રવાસીઓને આશા બંધાઈ કે કદાચ આપણે બચી જઈશું. છેવટે થોડા કલાકો બાદ તોફાન સંપૂર્ણપણે શમી ગયું.
તોફાન શાંત પડી ગયું એટલે પ્રવાસીઓએ નિરાંત અનુભવી. જીવ બચી ગયા એની ખુશીમાં તેમણે નાચગાન શરૂ કર્યા અને ઘણા પ્રવાસીઓ શરાબ પીને ઝુમવા લાગ્યા.
આ બધો તાલ જોઈ રહેલા અનુભવી કેપ્ટને પ્રવાસીઓને કહ્યું, “તમે બધા આનંદ માણી રહ્યા છો એ સારી વાત છે, પણ એ ના ભૂલતા કે તોફાન ફરી આવી શકે છે!
આ બોધકથા કદાચ ઓશોના કોઈ પુસ્તકમાં વાંચી હતી. આ બોધકથા અત્યારે એટલા માટે યાદ આવી ગઈ કે અત્યારે કોરોનાના નવા વૅરિયન્ટનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે આપણે ભૂલી ગયા છીએ કે કોરોનાને કારણે આપણે કેટલા હેરાન થયા હતા અને ભારતમાં ફરી કોરોના ફેલાઈ શકે છે.
મોટાભાગના લોકો આફત આવી પડે ત્યારે તેઓ જાણે આભ ફાટી પડ્યું હોય અને મરી જવાના હોય એવી રોકકળ કરી મૂકે છે અને આફત ટળી જાય એટલે પાછા જાણે કશું બન્યું જ નથી અને ફરી પાછું કશું બનવાનું જ નથી એ રીતે જીવતા થઈ જાય છે. કોરોનાના કેસમાં પણ આવું જ બન્યું છે. કોરોનાને કારણે આપણા દેશ સહિત કેટલાય દેશોમાં લોકડાઉન આવી ગયું હતું. અબજો લોકોએ પોતાના ઘરોમાં જ પુરાઈ જવું પડ્યું હતું. એ વખતે કેટલાય દેશોના લોકો ઘરમાં બેઠાબેઠા સરકારને ગાળો દેતા હતા કે સરકાર કશું કરી રહી નથી. હવે જ્યારે ચીન સહિત કેટલાય દેશોમાં કોરોનાએ ઊથલો માર્યો છે અને તેના નવા વૅરિયેન્ટને આગમન ભારતમાં પણ થઈ ચૂક્યું છે ત્યારે આપણે જાણે કોરોનાનું અસ્તિત્વ જ નથી એવી રીતે જીવી રહ્યા છીએ!
સવાલ ખોફ હેઠળ જીવવાનો નથી, સવાલ ભયથી ફાટી પડવાનો પણ નથી, પણ સાવચેતી રાખવાનો છે. હજી પણ મેળાવડાઓમાં લોકો માસ્ક વિના ફરી રહ્યા છે.
આપણે ત્યાં ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારતમાં કોરોનાનો નવો વૅરિયન્ટ ફેલાવાની શક્યતા નથી. નિષ્ણાતોની એ ખાતરી લોકોને વધુ બેફિકર બનાવી રહી છે. તબીબી નિષ્ણાતોની એ ખાતરી અખબારો, ટીવી ચેનલ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી રહી છે અને સોશિયલ મીડિયા નામના હળદરના ગાંઠિયે ગાંધી બની બેઠેલા નમૂનાઓ પાનના ગલ્લે મોંમાં કાચી-પાંત્રીસનો માવો કે ગુટખા ભરાવીને જ્ઞાન વેરતા થઈ ગયા છે કે કોરોના આ વખતે ચીનમાં જ છે, આપણે કશી ચિંતા કરવાની જરૂર નથી!
યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ર્ન કર્યો હતો કે જીવનનું સૌથી મોટું આશ્ર્ચર્ય કયું છે? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે માણસ પોતાના સ્વજનને સ્મશાનમાં વળાવીને ઘરે પાછો આવ્યા પછી એ રીતે જીવતો થઈ જાય છે કે જાણે મૃત્યુનું અસ્તિત્વ જ નથી!
બસ એ જ રીતે જાણે કોવિડ-૧૯ કે કોરોના વાઇરસનું અસ્તિત્વ જ ન હોય એ રીતે મોટાભાગના લોકો જીવતા થઈ ગયા છે.
કોરોનાથી ડરવાનું નથી, પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે કોરોનાનો રોગ ફેલાયો હતો ત્યારે આપણે, આપણા સ્વજનો, પરિચિતો, મિત્રો, સગાંવહાલાં કે પાડોશીઓએ કેવી તકલીફો ભોગવવી પડી હતી. એ વખતે રેમડેસિવિર ઇન્જેક્શન્સ માટે બધા પાગલની જેમ દોડી રહ્યા હતા, સ્વજનને હોસ્પિટલમાં એડમિશન માટે કે ઑક્સિજન માટે આકાશપાતાળ એક કરી રહ્યા હતા. એ દિવસો સૌ ભૂલી ગયા છે અને જ્યારે કોરોના વાઇરસના નવા વેરિયન્ટનો ખતરો દુનિયા પર તોળાઈ રહ્યો છે ત્યારે કોઈ પ્રકારની સાવચેતી વિના જીવી રહ્યા છે.
આપણે ઈચ્છીએ કે ભારતમાં કોરોના ન ફેલાય, પણ વાસ્તવિકતા એ છે કે કોરોનાના નવા વૅરિયન્ટનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે. હવે તે ભયાવહ ઝડપે પ્રસરે નહીં એની થોડી જવાબદારી આપણી પણ છે.
સાર એ છે કે માણસે ડરીને ન જીવવું જોઈએ, પરંતુ સાવચેતી તો રાખવીજોઈએ.