કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક
સ્ત્રી અને પુરુષ જયારે માતા-પિતા બને, ત્યારે તેમના જીવનમાં મોટું પરિવર્તન આવે છે. કહેવાય છે કે સ્ત્રીમાં માતૃત્વના ગુણો જન્મજાત હોય છે. માતૃત્વ વિશે તો વિજ્ઞાન અને સાહિત્યમાં ખુબ લખાયું છે અને કહેવાયું છે. તેના ઉપર અસંખ્ય રસપ્રદ સંશોધનો પણ થયાં છે. પણ જયારે પુરુષની વાત આવે ત્યારે પિતા બનવાના કોઈ વિશેષ ગુણની ચર્ચા ભાગ્યે જ થતી હોય છે. તેમ છતાં, પિતા બનવું પણ એટલુંજ જવાબદારીભર્યું છે. એક વિખ્યાત વાક્ય છે કે ‘પિતા એ પુત્રનો પહેલો હીરો અને પુત્રીનો પહેલો પ્રેમ હોય છે.’ કહેવાનો આશય એ કે, પિતાએ પોતાના બાળક સામે એક આદર્શ પૂરો પાડવો પડે.
આજે ત્રીસ થી પચાસ કે તેની ઉપરના પુરુષો પોતાના બાળપણમાં તેમના જીવનમાં પિતાની ભૂમિકા વિશે વિચાર કરે તો શું દ્રશ્ય તાજું થાય? આખો દિવસ કામમાં મગ્ન, થોડા કઠોર, જેની સાથે વાત કરતા ડર લાગે અથવા તો આપણે કંઈક તોફાન કરીએ એટલે મમ્મી ડારો આપે કે, “તારા પપ્પાને આવવા દે એટલે તને ખબર પાડું! અર્થાત, પપ્પા એટલે આપણા ઉપર અનુશાસન રાખવાનું શસ્ત્ર. તેમાંય જો સંતાન દીકરો હોય તો એ પપ્પા સાથે છૂટથી બોલી પણ ન શકે. દીકરી તો હજી પરાણે ગળે પડે અને પિતા પણ દીકરી માટે જરા વધારે ઉદાર પણ હોય. ખરું ને?
પરંપરાગત દ્રષ્ટિએ તો પુરુષનું કામ આર્થિક ટેકો પૂરો પાડવાનું છે, જયારે સ્ત્રીનું કામ ઘર અને બાળકો સંભાળવાનું. પણ બદલાતા સમય સાથે સ્ત્રી અને પુરુષની પરિવારમાં ભૂમિકા પણ બહુમુખી થઇ છે. આજે એવો પ્રશ્ર્ન પુછાય છે કે એક સારો પુરુષ એક સારો પિતા બને તે માટે શું જરૂરી છે?
આજકાલ માતૃત્વની માફક પિતૃત્વ ઉપર પણ સવિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. કારણકે સમયની સાથે એ જણાયું છે કે સ્ત્રીનું બાળક સાથેનું જે જોડાણ હોય છે તેવું પુરુષનું, એક પિતા તરીકે નથી હોતું. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે ફિલાડેલ્ફિયામાં “નેશનલ ફાધરહૂડ ઇનિશિયેટિવના નામે રીતસર સારા પિતા બનવા માટે સંશોધન અને પુરાવા આધારિત કાર્યક્રમો આપતી એક સંસ્થા પણ છે. તે સંસ્થા આજકાલની શરૂ નથી થઇ, પરંતુ ૧૯૯૪થી કાર્યરત છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે દરેક બાળકને “જવાબદાર, પ્રતિબદ્ધ અને તેમની સાથે જોડાયેલ રહે તેવો પિતા મળે.
આમ તો એવું સાબિત કરવા માટે ઘણાં સંશોધનો છે કે માતા અને પિતા, બંને માન્ય કરે છે કે બાળકની સુખાકારી માટે પિતાની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, પરંતુ હકીકત એ છે કે લાખો પરિવારો દર વર્ષે માનવ સેવા સંસ્થાઓનો સંપર્ક કરે છે જે મુખ્યત્વે માતા-કેન્દ્રિત હોય છે. આ કાર્યક્રમોમાં ઘણીવાર હેતુપૂર્વક અને સક્રિય રીતે પિતા-સમાવેશક બનવા માટે જરૂરી નેતૃત્વ, ભંડોળ, સંસાધનો અને સ્ટાફની તાલીમનો અભાવ હોય છે.
‘નેશનલ ફાધરહુડ ઇનિશિયેટિવ’, માનવ સેવા સંસ્થાઓ અને સમુદાયોના સહયોગમાં પિતૃત્વની તાલીમ, પિતૃત્વ કાર્યક્રમ અભ્યાસક્રમ અને અન્ય શૈક્ષણિક સામગ્રીઓ માટે શક્તિ-આધારિત અભિગમ સાથે પુરુષોને મદદ કરવા માટે એવા કાર્યક્રમો આયોજિત કરે છે, જેમાં સામેલ પિતાની બાળકો અને પરિવારો પર જબરદસ્ત, હકારાત્મક અસર દેખાઈ આવી છે.
પિતાની બાળકો સાથે બધું સામેલગીરીથી દરેક સમુદાય લાભ મેળવી શકે છે. અને તેના કેટલાક સામાજિક લાભ નીચે પ્રમાણે છે.
ગુનાખોરીનો દર ઓછો થાય છે, કિશોરવયની ગર્ભાવસ્થા ટાળી શકાય છે, સુધારેલ શાળા વર્તન અને ગ્રેડ, કુટુંબની આત્મનિર્ભરતામાં વધારો.
એ પણ વિચાર માગી લે તેવી વાત છે કે શામાટે પિતૃત્વ ઉપર ચર્ચા, તાલીમ અને પ્રેરણા આપતી કોઈ સંસ્થાઓ મોટેભાગે નથી હોતી? અથવા એવા કોઈ સામાજિક આયોજન પણ આપણે ત્યાં જોવા નથી મળતા?
બાળકો, માતાઓ, પરિવારો અને સમુદાયોની સુખાકારીમાં પિતાની સામેલગીરીની હકારાત્મક અસર અંગે જાગૃતિનો અભાવ
સંસ્થાઓમાં પિતાઓને સામેલ કરતી અથવા તેમને સેવા આપતી નીતિઓનો સદંતર અભાવ
પિતૃત્વને ધ્યાનમાં રાખીને થતા કાર્યકરો, અભ્યાસો કે તાલીમ માટે ભંડોળનો અભાવ
પિતૃત્વની તાલીમ કે માર્ગદર્શન માટેના કાર્યક્રમો અને તેનાં સંસાધનોનો પણ અભાવ
જ્યાં પિતૃત્વ માટે સીધા માર્ગદર્શનની જરૂર હોય ત્યાં પુરુષ કર્મચારીઓનો અભાવ
સંસ્થાઓમાં પિતાઓને સામેલ કરવા અને તેમને સેવા આપવાની ક્ષમતાઓનો અભાવ.
યુ.એસ. સેન્સસ બ્યુરો અનુસાર, અમેરિકામાં ૧૮.૪ મિલિયન બાળકો, અર્થાત કે દર ૪ માંથી ૧ બાળક ઘરમાં જૈવિક, સાવકા અથવા દત્તક પિતા વિના જીવતું હોય છે. આ સંખ્યા ન્યૂ યોર્ક સિટીને બે વાર અથવા લોસ એન્જલસને ચાર વખત ભરે તેટલી છે! સંશોધન દર્શાવે છે કે પિતાની ગેરહાજરી બાળકોને અસંખ્ય રીતે અસર કરે છે, જ્યારે પિતાની હાજરી બાળકો અને માતા બંનેના જીવનમાં સકારાત્મક તફાવત લાવે છે.
સંશોધનમાં જણાયું છે કે પિતાની ગેરહાજરીમાં ઉછરેલું બાળક નીચે દર્શાવેલી રીતે અસરગ્રસ્ત હોઈ શકે છે
ગરીબીનું ચારગણું જોખમ, બિહેવિયરલ પ્રોબ્લેમ્સની વધુ શક્યતાઓ, શિશુ મૃત્યુ દરનું બેગણું વધુ જોખમ, જેલમાં જવાની શક્યતા વધુ, અપરાધ કરવાની શક્યતા વધુ, કિશોરાવસ્થામાં ગર્ભવતી બનવાની શક્યતા ૭ ગણી વધારે, બાળક સાથે દુર્વ્યવહાર અને ઉપેક્ષાની શક્યતા વધુ, બાળકના દુરુપયોગ, ડ્રગ્સ અને આલ્કોહોલના રવાડે ચઢવાની શક્યતાઓ વધુ, બાળકોમાં સ્થૂળતાની શક્યતા બેગણી વધુ, બાળકોના શાળા છોડવાની શક્યતા બેગણી વધુ.
તેની સામે પિતાની હાજરી અને બાળકના ઉછેરમાં તેમની સામેલગીરીની સકારાત્મક અસરો પણ સંશોધનોમાં નોંધાઈ છે. પિતાની સકારાત્મક હાજરીથી નીચેનાં જોખમો ઓછાં થાય છે.
બાળમૃત્યુ, જન્મ સમયે ઓછું વજન, ભાવનાત્મક અને બિહેવિયરલ પ્રોબ્લેમ્સ, ઉપેક્ષા અને દુરુપયોગ, ઈજા,
સ્થૂળતા, શાળાનું નબળું પ્રદર્શન, કિશોરાવસ્થામાં ગર્ભાવસ્થા, જુવેનાઈલ તરીકે જેલવાસ, દારૂ અને અન્ય પદાર્થોના દુરુપયોગ, ગુનાહિત પ્રવૃત્તિ, આત્મહત્યા.