વસતિવધારાને રોકવા કાયદો જ લાવવો પડે

ઉત્સવ

યોગી આદિત્યનાથે વસતિવધારાની ગંભીર સમસ્યાને રોકવા માટે પ્રયત્નો જરૂરી હોવાની વાત કરી ને તેમાં અછડતો જ ધાર્મિક અસંતુલનનો મુદ્દો છેડી દીધો તેમાં તો વસતિવધારાની ગંભીર સમસ્યા બાજુ પર રહી ગઈ ને ભળતી જ વાતો શરૂ થઈ ગઈ. હિંદુ ને મુસ્લિમના ભાગલા પાડીને બંને કોમના કહેવાતા આગેવાનો પોતાના રોટલા શેકવામાં પડી ગયા છે

ભાર્ગવ રાવલ

ભારતમાં કહેવાતા મોટા ભાગના આગેવાનોનો બૌદ્ધિક સ્તર સાવ નીચો છે અને માનસિકતા સાવ સંકુચિત છે. તેના કારણે અત્યંત ગંભીર કહેવાય એવા મુદ્દા અંગે દેશહિતમાં મનોમંથન કરવાના બદલે વાત ભળતી દિશામાં જ ફંટાઈ જાય. યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વસતિવધારાની ગંભીર સમસ્યાને રોકવા માટે પ્રયત્નો જરૂરી હોવાની વાત કરી ને તેમાં અછડતો જ ધાર્મિક અસંતુલનનો મુદ્દો છેડી દીધો તેમાં તો વસતિવધારાની ગંભીર સમસ્યા બાજુ પર રહી ગઈ ને ભળતી જ વાતો શરૂ થઈ ગઈ.
મુસ્લિમોના કહેવાતા મોવડીઓ એવું વાજું વગાડવા માંડ્યા છે કે દેશની વધતી વસતિ માટે ખાલી મુસ્લિમોને દોષ દઈ શકાય એમ નથી. સામે કહેવાતા હિંદુવાદી આગેવાનોએ ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડવા માંડી છે કે હિંદુઓએ વધારે છોકરા પેદા કરવા જોઈએ, નહીંતર મુસ્લિમોની વસતિ જે રીતે વધી રહી છે એ જોતાં ભવિષ્યમાં આ દેશ પર મુસ્લિમો હાવી થઈ જશે, આપણને ગુલામ બનાવી દેશે. આરએસએસના મોહન ભાગવત જેવા એકલદોકલ આગેવાને શાણપણ વાપરીને વધારે છોકરા પેદા કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિને જાનવરો જેવી ગણાવીને અલગ સૂર કાઢ્યો છે, બાકીના બધા એક જ રેકર્ડ વગાડી રહ્યા છે કે આ દેશમાં હિંદુ એકલા કુટુંબ નિયોજન અપનાવશે તો હિંદુઓ લઘુમતીમાં આવી જશે.
આ સૂર થોડા સમય પહેલાં બહુ ઉગ્રતાથી વ્યક્ત કરાયેલો. ઉત્તરાખંડના હરિદ્વારમાં અને પછી છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદોમાં ચર્ચાનો મુદ્દો જ એ હતો કે ૨૦૨૯માં ભારતના વડા પ્રધાનપદે એક મુસ્લિમ હશે?
આ ધર્મ સંસદોમાં સાધુ-સંતોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતમાં મુસ્લિમો વધી રહ્યા છે અને હિન્દુ વસતિ ઘટી રહી છે તે જોતાં સાત વર્ષમાં દેશના રસ્તા પર મુસ્લિમો સિવાય બીજું કોઈ દેખાશે જ નહીં. આ ધર્મ સંસદમાં હિંદુઓને મુસ્લિમો સામે હથિયારો ઉઠાવવાની હાકલો કરાઈ અને કેટલાક વક્તાઓએ તો મુસ્લિમોનો ખાતમો બોલાવવાની વાતો પણ કરી હતી. ધર્મના રક્ષણ માટે શ ઉઠાવવાની, કોઈ મુસલમાનને વડા પ્રધાન ન બનવા દેવાની અને મુસલમાનોની વસતિ ન વધવા દેવાની વાતો પણ થઈ.
આ મુદ્દો હજુ પૂરો ઠર્યો નથી ત્યાં યોગીએ વસતિવધારાનો મુદ્દો છેડી દીધો તેમાં ફરી એ જ વાતો શરૂ થઈ ગઈ છે. સામે મુસ્લિમ આગેવાનો પણ એ જ ભાષામાં વાત કરી રહ્યા છે તેથી આ દેશને સૌથી વધારે પરેશાન કરતી વસતિવધારાની સમસ્યાનો ઉકેલ લાવવા શું કરવું એ મુદ્દો તો બાજુ પર જ રહી ગયો છે. આ સમસ્યા ઉકેલવા માટે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે ત્યારે હિંદુ ને મુસ્લિમના ભાગલા પાડીને બંને કોમના કહેવાતા આગેવાનો પોતાના રોટલા શેકવામાં પડી ગયા છે.
આ આગેવાનો એક વાત સમજવા જ તૈયાર નથી કે ભારતમાં આઝાદી પછી બેફામ વસતિવધારો થયો છે અને હવે તેને રોકવામાં નહીં આવે તો આપણી હાલત શું થશે તેની કલ્પના પણ ન થઈ શકે.
ભારતમાં આઝાદી પછી માત્ર ૧૯૫૧-૬૦ના દાયકામાં વસતિવધારાનો દર ૨૦ ટકાથી ઓછો હતો. બાકીના છ દાયકામાં વસતિવધારાનો દર ૨૦ વર્ષથી વધારે જ રહ્યો છે.
ભારતની વસતિ ૧૮૨૦માં ૨૦ કરોડની આસપાસ હતી. આ વસતિ હાલનાં ભારત, પાકિસ્તાન અને બંગલાદેશ એ ત્રણ રાષ્ટ્રોની હતી. ૧૮૫૭ના વિપ્લવ પછી બ્રિટનની સરકારે ભારતનો વહીવટ પોતાના હસ્તક લીધો પછી ૧૮૮૧માં પહેલી વસતિગણતરી કરી ત્યારે વસતિ ૨૫ કરોડ હતી.
૧૯૦૧માં વસતિ ૪ કરોડ વધીને ૨૯ કરોડ અને ૧૯૧૧માં ૩૧.૫૦ કરોડ થઈ. ૧૯૩૧માં ૩૫ કરોડ અને ૧૯૪૧માં ૩૯ કરોડ થઈ.
ભારત ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થતાં પાકિસ્તાન અલગ થયું અને હાલનું ભારત અસ્તિત્વમાં આવ્યું. બ્રિટિશ ઈન્ડિયાની ૩૧ કરોડ વસતિમાંથી ૮ કરોડ લોકો પાકિસ્તાનમાં ગયા તેથી ભારતની વસતિ ૩૧ કરોડ રહી. આઝાદી પછી ૧૯૫૧માં પહેલી વસતિગણતરી થઈ ત્યારે વસતિ ૩૬ કરોડ હતી.
૧૯૬૧માં વસતિ ૮ કરોડ વધીને ૪૪ કરોડ થઈ. ૧૯૭૧માં ૧૧ કરોડ (૨૫ ટકા) વધીને ૫૫ કરોડ થઈ. ૧૯૮૧માં ૧૩ કરોડ (૨૪ ટકા) વધીને ૬૮ કરોડ થઈ. ૧૯૯૧માં ૧૭ કરોડ (૨૫ ટકા) વધીને ૮૫ કરોડ થઈ. ૨૦૦૧માં ૧૭ કરોડ (૨૦ ટકા) વધીને ૧૦૨ કરોડ થઈ અને ૨૦૧૧માં ૧૯ કરોડ વધીને ૧૨૧ કરોડ થઈ હતી.
આમ, ભારતમાં છેલ્લા દાયકાને બાદ કરતાં વસતિવધારાનો દર ૨૦ ટકાથી વધારે જ રહ્યો છે. દુનિયાના કોઈ દેશમાં આ હદે વસતિ નથી વધી. ભારતની વસતિ વધારવામાં મુસ્લિમોનું યોગદાન મોટું છે એ વાત પણ સાચી છે. આ વાત સાંભળીને મુસ્લિમ આગેવાનોને મરચાં લાગે છે, પણ આંકડા જોશો તો સમજાશે કે આ વાતમાં દમ છે.
મુસ્લિમોમાં વસતિવધારાનો દર દેશના વસતિવધારાના દરથી ઘણો ઊંચો છે એવું સરકાર દ્વારા કરાતા વસતિવધારાના આંકડા કહે છે. છેલ્લા બે દાયકાની વસતિગણતરીના આંકડા પર નજર નાખીએ તો પણ આ વાત સ્પષ્ટ થશે. ૧૯૯૧-૨૦૦૧ના દાયકામાં હિન્દુઓની વસતિ ૧૯.૯૨ ટકા વધી તો સામે મુસ્લિમોની વસતિ ૨૯.૫૨ ટકા વધી હતી. ૨૦૦૧-૨૦૧૧ના દાયકામાં હિન્દુઓનો વસતિવધારાનો દર ૧૮.૬૦ ટકા હતો. સામે મુસ્લિમોની વસતિવધારાનો દર ૨૪.૬૦ ટકા હતો.
આ ઊંચા વસતિવધારાના દરના કારણે દેશની વસતિમાં મુસ્લિમોનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૦૦૧માં દેશની વસતિમાં ૧૩.૪ ટકા મુસ્લિમો હતા. ૨૦૧૧માં આ પ્રમાણ વધીને ૧૪.૨ ટકા થયું. આ વખતે હજુ વસતિના આંકડા બહાર નથી પડ્યા, પણ અત્યારે એ પ્રમાણ વધારે ઊંચું ગયું હોય એ શક્ય છે. આ આંકડા જોયા પછી સ્પષ્ટ છે કે હિંદુ આગેવાનો ખોટા નથી. મુસ્લિમોએ વસતિવધારાની સમસ્યાના ઉકેલમાં પહેલ કરવી જોઈએ એ પણ સ્પષ્ટ છે, પણ કમનસીબે મુસ્લિમો વસતિવધારાને રોકવાની વાતમાં રસ બતાવતા જ નથી.
ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક વાતો થઈ ત્યારે ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે કહેલું કે ભારતમાં ૨૦ કરોડ મુસ્લિમો છે અને તેમને કોઈ રાતોરાત સાફ ન કરી શકે. અમે ૨૦ કરોડ ભારતના જ છીએ. અમારી પેઢીઓ અહીં પેદા થઈ અને ખતમ થઈ.
આ વાત સો ટકા સાચી છે, પણ કમનસીબે નસીરુદ્દીન જેવા લોકો પણ વસતિવધારા જેવી સમસ્યા વખતે ચૂપ થઈ જાય છે. આ દેશની સૌથી મોટી સમસ્યા મુસ્લિમોની પણ સમસ્યા છે ને તેના ઉકેલ માટે મુસ્લિમોએ ખરા દિલથી પ્રયત્ન કરવા જોઈએ એવું કહેવા પણ મુસ્લિમ આગેવાનો તૈયાર નથી.
મુસ્લિમો વસતિવધારાના દરને નીચો લાવવા પ્રયત્ન કરે તો દેશમાં મુસ્લિમોનું પ્રમાણ હિંદુઓથી વધી જશે એ વાતનો છેદ જ ઊડી જાય. તેના કારણે દેશમાં કટ્ટરવાદનો વધતો પ્રભાવ પણ અટકે. મુસ્લિમ આગેવાનો આ વાત પણ સમજતા નથી ને મુસ્લિમો સમજતા નથી તેથી હિંદુવાદીઓ પણ મુસ્લિમોની વસતિ વધી જશે એવી રેકર્ડ વગાડ્યા કરે છે. તેના કારણે વસતિવધારા જેવી મહાસમસ્યા હિંદુ વર્સીસ મુસ્લિમ મુદ્દો બનીને રહી ગઈ છે.
બંને કોમના કહેવાતા આગેવાનો સમજવાના નથી એ જોતાં કેન્દ્ર સરકારે જ ચાબુક ચલાવવી પડે ને વસતિવધારાને રોકવા કાયદો બનાવવો પડે. ભારતમાં ૧૧ રાજ્યો એવાં છે કે જ્યાં વસતિવધારાને રોકવા માટેના કાયદા અમલી છે.
આ કાયદાનો કડકાઈથી અમલ થતો નથી એ અલગ વાત છે. પંચાયતી શાસનવ્યવસ્થામાં બેથી વધારે બાળકો હોય તે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે તેવો કાયદો નરસિંહરાવની સરકારે ૧૯૯૩માં બનાવેલો.
મહારાષ્ટ્રમાં ૧૯૬૦માં બનેલા મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ એક્ટમાં જોગવાઈ છે કે બે કરતાં વધારે બાળકો હોય તેવી વ્યક્તિ સોસાયટીમાં સભ્ય કે હોદ્દેદાર ન બની શકે. આ તો રાજ્ય સ્તરે અમલી કાયદાની વાત કરી, પણ કેન્દ્ર સરકાર આવો કાયદો બનાવી શકે ને દેશભરમાં કડકાઈથી તેનો અમલ કરે તો વસતિવધારો ચોક્કસ ઘટે.
ઘણા એવી દલીલ કરે છે કે કેટલાં બાળકો પેદા કરવાં તેના પર નિયંત્રણના કાયદાથી મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે તેથી એવો કાયદો ન બનાવી શકાય. આ દલીલ ખોટી છે, કેમ કે સુપ્રીમ કોર્ટે પોતે વસતિવધારાને રોકવા માટેના કાયદાને મંજૂરી
આપી છે.
ઓડિશાના એક નેતાને ત્રણ બાળકો હોવાથી પંચાયતની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવાયા હતા. તેમણે આ મામલે લાંબી કાનૂની લડત લડી ને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર, ૨૦૧૮માં ચુકાદો આપ્યો કે વસતિવધારાને રોકવા બનાવાયેલો કાયદો મૂળભૂત અધિકારોનો ભંગ નથી કરતો. સુપ્રીમના ચુકાદા પરથી સ્પષ્ટ છે કે વસતિવધારો રોકવા માટે કાયદો બનાવી શકાય છે, કાયદાનો ભંગ કરે તેના અધિકારો છીનવી લેવામાં કે સજાની જોગવાઈ કરવામાં કશું ખોટું નથી.
ટૂંકમાં કાયદાથી વસતિવધારાને રોકી શકાય છે, પણ તેના માટે જરૂરી રાજકીય ઈચ્છાશક્તિ આપણી પાસે નથી. રાજકારણીઓ અતિ ઉત્સાહમાં આવીને એ દિશામાં પગલાં ભરી લે છે, પણ પછી પાણીમાં બેસી જાય છે. જેમના કારણે અત્યારે આ મુદ્દો ચર્ચામાં છે એ યોગી વસતિવધારાને રોકવા નીતિ લાવ્યા છે, પણ તેનો કડકાઈથી અમલ કરતા નથી.
વસતિવધારાને રોકવા માટે યોગી કરતાં પણ વધારે ગંભીર પ્રયત્ન કોંગ્રેસના કમલનાથે કરેલો. કમલનાથ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં તેમણે કુટુંબ નિયોજન કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ પુરુષ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સને ઓછામાં ઓછા એક પુરુષની નસબંદી કરાવવાનું લક્ષ્ય આપતો આદેશ બહાર પાડેલો.
આ આદેશના કારણે હોહા થઈ ગઈ. ભાજપે કમલનાથ પર કટોકટી કાળની જેમ સરમુખત્યારશાહી વલણ અપનાવીને ફરજિયાત નસબંદી કરાવવાના રસ્તે વળ્યા હોવાનો આક્ષેપ મૂકી દીધો હતો. આ બધું જોઈને કમલનાથ ગભરાઈ ગયા ને તેમણે ગુલાંટ લગાવી દીધી તેમાં સારો ઉદ્દેશ માર્યો ગયો.
હવે આ સ્થિતિ હોય ત્યાં વસતિવધારો કઈ રીતે રોકાય?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.