દિલ્હીના કાંઝાવાલા જેવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સામે આવ્યો છે. મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર એક મૃતદેહ કેટલાય કિલોમીટર સુધી કારમાં ફસાઈને ઢસડાતો રહ્યો. જ્યારે કાર ટોલ પ્લાઝા પર પહોંચી ત્યારે એક્સપ્રેસ વેના સુરક્ષાકર્મીઓએ કારની નીચે ફસાયેલી લાશને જોઈ. કારમાં ફસાયેલા મૃતદેહને લગભગ 11 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, કાર આગ્રાથી નોઈડા તરફ જઈ રહી હતી.
મળતી માહિતી મુજબ દિલ્હીનો રહેવાસી વીરેન્દ્ર કાર ચલાવી રહ્યો હતો. કાર ચાલકની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે સોમવારે રાત્રે ગાઢ ધુમ્મસ હોવાથી તેને સરખું દેખાતું ન હતું. કારની નીચે ફસાયેલા મૃતદેહની પણ તેને જાણ નહોતી.
મૃતકની ઓળખાણ કરવા માટે પોલીસ પૂછપરછ કરી રહી છે અને હાઈવે પરના સુરક્ષા કેમેરા તપાસી રહી છે.
આ પહેલા દિલ્હીના કાંઝાવાલામાં 1લી જાન્યુઆરીના રોજ બનેલા એક બનાવે દેશભરમાં ચર્ચા જગાવી હતી. નવા વર્ષની વહેલી સવારે એક કારે અંજલિ સિંહની સ્કૂટીને ટક્કર મારી હતી અને મૃતદેહને લગભગ 12 કિમી સુધી ખેંચી ગઈ હતી.