ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
રવિસાહેબના તેજસ્વી શિષ્ય લાલસાહેબના કવન વિશે બહુ ઓછી વિગતો મળતી હતી, પણ ડૉ. નિરંજન રાજયગુરુએ ભારે જહેમત ઉઠાવીને લાલસાહેબની બાવીશ ભજન રચનાઓની અધિકૃત પાઠ-વાચના સુલભ બનાવી. સાથે-સાથે લાલસાહેબની છંદ પ્રતિભાની પરિચાયક એવી છંદ મોતીદાસ, ચાંદરણા છંદ, રેખતા, સવૈયા અને છંદ જેવી પાંચ કૃતિઓ સંપાદિત કરી ઉપરાંત (૧) ચિંતામણિ, (ર) રૂઢ ચિંતામણિ, (૩) આત્મબોધ ચિંતામણિ જેવી ત્રણ સુદીર્ઘ દુહા-ચોપાઈબંધની રચનાઓ અને એવી જ દીર્ઘપદબંધની (૧) પ્રાણ સાંકળી-૧, (ર) પ્રાણ સાંકળી-ર (૩) પ્રાણ સાંકળી-૩ ત્રણ રચનાઓ મળીને કુલ બાર વિશિષ્ટ પદબંધની યોગ-સાધનાની વિગતોની પરિચાયક રચનાઓ સુલભ કરી આપી. બાવીશ ભજનોના તો અર્થઘટન પણ નોંધ્યા. નિરંજન રાજયગુરુનું લાલસાહેબના જીવન અને ક્વનને અધિકૃત રીતે આલેખતું પુસ્તક ‘રવિ-ભાણ સંપ્રદાયના સંત કવિ લાલસાહેબ: જીવન અને કવન’ તાજેતરના પ્રકાશનોમાં સંતસ્વાધ્યાયનો એમનો તેજસ્વી ઉપહાર ગણાશે.
લાલસાહેબની છંદપ્રતિભા શક્તિનો પરિચય રામચં ભગવાનની છાંદસ સ્તુતિમાંથી મળી રહે છે એનો એક અંશ અવલોકીએ
રામ રામ રામ રામ ભજ રે મન મેરા…
પિંડમેં બ્રહ્માંડ દેખ, શત શબ્દ શેરા
પ્રેમ જયોતિકા પ્રકાશ, ઝલમલ હૈ હીરા
અધર તખત અમરધામ, પહુંચે સંત પુરા
લાલદાસ ગગન મગન, શૂને શિખર ડેરા
રામ રામ રામ રામ ભજ રે મન મેરા…
લાલદાસ રામના ઉપાસક છે, પણ રામ અને કૃષ્ણમાં ભેદ રાખતા જણાતા નથી. સાધના-યોગ ઉપાસનાની ક્રિયામાં સાધકને જે ગુંજાર ધ્વનિ અમુક કક્ષ્ાાએ પહોંચે એટલે સંભળાય. એમાં બંસરીનો ધ્વનિ શ્રવણપાનની અનુભૂતિ પણ એક ભજનમાં અભિવ્યક્ત કરી છે, એ ભજન રચનાને આસ્વાદીએ
ઘનશ્યામ વ્હાલા તારી મોરલી લાગે પ્યારી… …ટેક
એ જી એમાં મોહી સુખમણ નારી,
મુરલી ધૂન સુન ઝબકીને જાગી, ખરી તો લાગી ખુમારી…
ઘનશ્યામ વ્હાલા! તારી મોરલી લાગે પ્યારી… …૧
અકલ કલા કોઈ વીરલા જ જાણે, ભેદ ભર્યા હે ભારી,
જીને ખોજયા તા કું ખબર મીલી હે, દરશન દેવ મુરારી…
ઘનશ્યામ વ્હાલા! તારી મોરલી લાગે પ્યારી… …ર
પૂરણ ભાગ જેણે પિયુ વર પામ્યા, રંગ ભર રાસ રમાડી,
લાલદાસ હે શરણ તમારી, દરશન દેજો દાડી દાડી…
ઘનશ્યામ વ્હાલા! તારી મોરલી લાગે પ્યારી… …૩
રવિસાહેબ શિષ્ય લાલસાહેબ યોગમાર્ગના-સાધનાના ઉપાસક હોવાની વિગતો એમની ભજનવાણીમાંથી મળી રહે છે. આ ભજન કંઈ કૃષ્ણ ભક્તિનું નથી. ઈડા, પિંગલા અને સુષ્ા્મણા નાડીના મિલનથી ત્રિવેણીમાં તાળા ઉઘડે અને જે અનાહત નાદ સંભળાય એમાં કક્ષ્ાાનું સાર ઘંટડી, ઝાલરી, ખંજરી, બંસરી નાદ સંભળાય. આવી અનુભૂતિની પ્રસન્નતાને અભિવ્યક્તિ અર્પતું આ ભજન છે. સુખુમણા નારી કે ઘનશ્યામ બંસરી તો સરફેજ સ્ટ્રકચર તરીકે અર્થ કરવાનો નથી પણ ટેક્ષ્ટનું એક ડીપ સ્ટ્રકચર હોય છે એ મુજબ ખુમારી – ખામોશીની અવસ્થિતિએ મુકામે પહોંચ્યાની વિગત એમણે અહીં કથી છે.
એટલે તો પછીની કડીમાં કહે છે કે – આ અકળ કળા તપ-સાધના તો કોઈ વીરલા અને ભેદને પામનારા જ જાણી શકે. જે આ માર્ગે ખોજ કરવા વળે છે એ સાધકને એના દર્શન, એની અનુભૂતિ અવશ્ય થાય છે.
સુષ્ા્મણાની જાગૃતિથી-મિલનથી પ્રાણની ઊર્ધ્વગતિ થાય અને પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિથી એ પરમતત્ત્વનો, બ્રહ્મનો ભેટો થાય છે એનો સાક્ષ્ાાત્કાર થાય છે. લાલદાસ ગુરુને શરણે ગયા અને રહ્યા એથી નિત્ય દર્શન-સાધના સિદ્ધિની અનુભૂતિનો સાક્ષ્ાાત્કાર સુલભ બન્યો. યોગસાધના, યોગિકક્રિયા અને એ સાધનાધારાને કારણે થતી અનુભૂતિનું ગાન કરી રહેલા લાલદાસ મને ભારે મોટા યોગી જણાયા છે. એના પરચાઓ, તપ-સાધના અને વિહારના પ્રસંગો સંત પરંપરાની મોટી અસ્ક્યામત છે. લાલસાહેબ-લાલદાસના નામ છાપની ભજન રચનાઓ ગુજરાતી જ્ઞાન ભક્તિધારાનો ધવલ ધારા પ્રવાહ છે. એનું આચમન કરાવવાનું બન્યું એની પ્રસન્નતા સાથે, જય રવિ-ભાણ.