અ હંગર આર્ટિસ્ટ: એ કળાકાર પ્રામાણિક હતો એટલે ભૂખ્યો હતો?

ઇન્ટરવલ

આનન-ફાનન-પાર્થ દવે

એક કળાકાર હતો. તેને ‘કળા સિવાય’ કશું જ નહોતું આવડતું! તેનું એક જ કામ હતું: ભૂખ્યા રહેવાનું! તે કળાકાર ભૂખ્યો પીંજરામાં પુરાઈ રહેતો – આ તેનું કામ. પણ આ કામ લોકપ્રિય હતું! લોકો તેને જોવા આવતા. લોકોને મજા પડતી એક એવા માણસને જોવાની જે છેલ્લા કેટલાય દિવસોથી ભૂખ્યો રહીને સુકાઈ ચૂક્યો છે, એકદમ પાતળો થઈ ચૂક્યો છે. જે કદાચ ક્રિપી લાગે છે. તે એટલો વિચિત્ર લાગતો હતો કે લોકો તેને જોઈને ડરી જતા! ગભરાઈ જતા. બાળકો તેની મજાક કરતા.
પણ તે કલાકારની એક ખાસ વાત હતી. તે પોતાનું ‘કામ’ બડી ઈમાનદારીથી કરતો! તેમ છતાંય લોકો તો તેને શંકાની નજરે જ જોતા! લોકો વિચારતા કે આ કળાકાર ચીટિંગ તો કરતો જ હશે! લોકોને વિશ્ર્વાસ જ નહોતો આવતો કે એક માણસ ૪૦ દિવસ સુધી ભૂખ્યો રહી શકે. કળાકારને આ વાતનો ગુસ્સો હતો.
કળાકારનો એક મેનેજર હતો. મેનેજર, કળાકારના ‘આ કામ’થી અઢળક પૈસા કમાણો! પીંજરામાં પડ્યો રહેતો આ ભૂખ્યો માણસ પોતાને કળાકાર માનતો હતો, સર્કસનું કોઈ જાનવર નહીં – આ વાત નવી ને રસપ્રદ હતીને! એટલે લોકો જોવા આવતા, પણ તે કળાકારનો આત્મા રડતો હતો. રાતના તો લોકો ટોર્ચ લઈને જોતા કે ક્યાંક આ એકલામાં ખાઈ તો નથી લેતોને!
તે કળાકારને એ વાતનું દુ:ખ હતું કે લોકોને તેની પ્રામાણિકતા ઉપર આટલો પણ વિશ્ર્વાસ નથી. તેનો મેનેજર તેને ૪૦ દિવસની અંદર કંઈક ખાવાનું આપી દેતો, કેમ કે તે માનતો કે માણસ ૪૦ દિવસ કરતાં વધારે ભૂખ્યો ન રહી શકે. રખેને જો આ કળાકાર મરી જાય તો તેની (મેનેજરની) આવક બંધ થઈ જાય! ૪૦ દિવસ થાય એ પહેલાં પીંજરામાંથી બહાર કાઢીને, એક ડોક્ટર કળાકારનું ચેક-અપ કરીને બે મહિલાઓની મદદ વડે ખવડાવતો. તે વખતે સારી એવી પબ્લિક હાજર રહેતી. કળાકારને તો નહોતું ખાવું, તેને પોતાની ભૂખ્યા રહેવાની લિમિટ વધારવી હતી, પણ આ મજબૂરી હતીને! મેનેજરની કમાણી હતી ને પબ્લિકને મનોરંજન હતું.
આમ ને આમ સમય પસાર થતો ગયો. ધીમે ધીમે આ ‘ભૂખ્યા કળાકાર’માંથી લોકોનો ઇન્ટરેસ્ટ ઘટતો ગયો. પહેલાં જેવી હવે ભીડ જમા નહોતી થતી. એક સમય એવો આવ્યો જ્યારે લોકોએ ત્યાં આવવાનું જ બંધ કરી દીધું. આખરે, તે કળાકારને એવું કામ કરવું પડ્યું જે કરવાની તેની લગીરેય ઈચ્છા નહોતી.
તેણે એક સર્કસમાં વાત કરી અને ત્યાં કામ મેળવ્યું. સર્કસવાળાએ મોટાં જાનવરોનાં પીંજરાંની બાજુમાં, અટેન્શનવાળી જગ્યાએ, આ ભૂખ્યા કળાકારનું પીંજરું રાખ્યું, જેથી આવતા-જતા બધા લોકોની નજર તેના પર પડે. સર્કસવાળાએ ત્યાં એક બોર્ડ પણ લગાવ્યું જેના પર કળાકાર કેટલા દિવસથી ભૂખ્યો છે તેનો આંકડો દરરોજ અપડેટ થતો, પણ બહુ ઓછા લોકો તેને જોવા ઊભા રહેતા. પછી તો તે બોર્ડ પણ હટાવી લેવામાં આવ્યું. પરિણામે એ કળાકારે પોતાના ‘ઉપવાસ’નો સમય વધારી દીધો. એક સમય એવો આવ્યો કે તે પોતે ભૂલી ગયો કે કેટલા દિવસથી ભૂખ્યો છે!
ખોરાકના અભાવે તે કળાકાર નાનો ને નાનો થતો ગયો. માત્ર હાડકાં બચ્યાં તેના શરીરમાં. એક દિવસ સર્કસવાળાએ તેને અડીને ચેક કર્યું કે તે જીવે છે કે નહીં! તે મરવાનો હતો તેના પહેલાં કોઈએ તેને પૂછ્યું, ‘તું ભૂખ્યો કેમ રહે છે?’
પેલી વ્યક્તિ બોલી: ‘જિંદગીમાં મને આજ સુધી મારી પસંદનું ખાવાનું જ નથી મળ્યું. મળ્યું હોત તો હું પણ તમારા બધાની જેમ જીવતો હોત!’
આ તેના છેલ્લા શબ્દો હતા. બાદમાં તેની જગ્યાએ સર્કસવાળાએ ચિત્તાનું પીંજરું
મૂકી દીધું.
ફ્રેન્ઝ કાફકાની ટૂંકી વાર્તા ‘અ હંગર આર્ટિસ્ટ’નું આ કથાવસ્તુ છે. ૩ જુલાઈ, ૧૮૮૩ના રોજ જન્મેલા ફ્રેન્ઝ કાફકાનું પાછલું જીવન માયૂસ અને ઉદાસીમય હતું. પાછલું જીવન એટલે? કાફકા માત્ર એકતાલીસ વર્ષ જીવ્યા હતા! અને જીવ્યા ત્યાં સુધી, આ વાર્તાના નાયક – ભૂખ્યા કળાકારની જેમ, તેમને પણ કોઈ જ નહોતું જાણતું. તેમની ઈચ્છા પણ નહોતી કે કોઈ તેમને જાણે! ડાયરી સહિતનું તમામ અનપબ્લિશ્ડ કામ તેમના મૃત્યુ બાદ પ્રકાશિત થયું. ફ્રેન્ઝ કાફકાએ તેમના દોસ્ત મેક્સ બોર્ડ તથા પ્રેમિકા પાસે વાયદો કરાવ્યો હતો કે તેમનું અત્યાર સુધી લખેલું તમામ અપ્રકાશિત સાહિત્ય બાળી નાખવામાં આવે! પણ તેમના મિત્રે તે વાત ન માની અને અતિ-યથાર્થવાદ લખનાર કાફકા લોકો સુધી પહોંચ્યા.
‘અ હંગર આર્ટિસ્ટ’ ફ્રેન્ઝ કાફકાની અંતિમ કૃતિ છે, જે પણ બાદમાં પ્રકટ થઈ હતી. લોહીની ઊલટીઓ વચ્ચે તેઓ લખતા રહેતા. તેઓ કહેતા, ‘હું કોઈને પણ એ નથી સમજાવી શકતો કે મારી અંદર શું ચાલી રહ્યું છે અને અચરજની વાત એ છે કે હું પોતાને પણ નથી સમજાવી શકતો કે મારી અંદર શું ચાલી રહ્યું છે.’
પણ આપણને સમજાય છે કે કાફકાએ ‘અ હંગર આર્ટિસ્ટ’માં પ્રામાણિક કળાકારો વિશે લખ્યું છે. એવા કળાકારો જેમના કામની કદર કોઈ નથી કરતું. મેનેજર પણ નહીં, સર્કસવાળા પણ નહીં અને લોકો પણ નહીં. સૌને પૈસા અને મનોરંજનથી મતલબ છે. તે કળાકાર પ્રામાણિક છે અને પ્રામાણિક છે એટલે ભૂખ્યો છે. તેની કળા થકી તેનો મેનેજર કમાય છે. તેની ભૂખનું માર્કેટિંગ કરીને પણ મેનેજર કમાય છે. તેને એટલું ‘ખવડાવવામાં’ આવે છે જેના થકી તે સર્વાઇવ કરી શકે અને જ્યારે તેનું કામ પૂરું થઈ જાય, તેને જોનારા લોકો ઘટી જાય ત્યારે તેને ફેંકી દેવામાં આવે છે! કાફકાની વાર્તા કે નવલકથા કે તેમનું જીવન આવું જ ડાર્ક, અસંબદ્ધ રહ્યું છે. વ્યવસ્થિત અંત પામવું એ સાચા અને વિસ્ફોટક કળાકારની નિયતિ નહીં હોય?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.