(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકન બેન્કના ધબડકા પાછળ સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ ૧,૪૦૦ પોઈન્ટ નીચે પટકાયો હતો અને અંતે ૮૯૭ પોઇન્ટના ઘટાડા સાથે ૫૮,૨૩૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. શેરબજાર અદાણી કટોકટીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે યુએસમાં સિલિકોન વેલી બેન્કના ધબડકાને કારણે બીજો આંચકો મળ્યો છે. સેન્સેક્સ સત્ર દરમિયાન ૫૯,૫૧૦.૯૨ પોઇન્ટની ઊંચી સપાટી સામે ૧૪૧૬ પોઇન્ટના કડાકા સાથે સત્ર દરમિયાન ૫૮૦૯૪.૫૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો.
યુએસ રેગ્યુલેટર્સે એક્શનમાં ઝંપલાવ્યું હોવા છતાં, એસવીબી અને સિગ્નેચર બેન્કની નિષ્ફળતાએ વૈશ્ર્વિક ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટને બગાડ્યું હતું. સ્થાનિક બજારમાં પાછલા ત્રણ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ લગભગ ૨,૦૦૦ પોઈન્ટ તૂટી ગયો છે અને સેશનમાં રોકાણકારોએ રૂ. ૬.૬ લાખ કરોડથી ગુમાવ્યાં છે. અનેક નિષ્ણાતોએ એવી આગાહી કરી હતી કે ભારતીય બજાર પર અસર ઓછી થશે અને કડક નિયમનકારી માળખામાં ભારતીય બેન્કો સુસ્થિત છે, આમ છતાં બેંક શેરોમાં સૌથી વધુ અસર થઈ હતી. આ સત્રમાં તમામ ક્ષેત્રીય શેરઆંકો રેડ ઝોનમાં ધકેલાઇ ગયા હોવાથી ફિયર ગેજ ઈન્ડેક્સ ઈન્ડિયા ૧૫ ટકા ઉછળ્યો હતો.