જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
(ગયા અંકથી ચાલુ)
* સરખા તન-મનનાં સામર્થ્યવાળા શ્રમણોને લઈ જવાથી આનંદ વધુ આવશે.
એકાદ પણ જુદા સ્વભાવના હોય તો આનંદ ઓછો નિશ્ર્ચિત છે.
* અહીં ‘હોટલ’નો અર્થ એવો નથી કે જેવી મોટાં શહેરોમાં હોય. અહીં તો નાના ગામડાની ચા-પાણીની
હોટલ જેવી હોટલ હોય અને નીચે ૪-૫ રૂમ હોય. તેમાં રહેવાનું.
* નાનું ગલુડિયું રડ્યા કરે એવો અવાજ કાઢતું પક્ષી ક્યાંક દૂર-દૂર બેઠું-બેઠું બોલ્યા કરતું હોય.
ગુજરાતી હોલા ઉપર થોડીક લીલી છાંટ નાખો તેવું પક્ષી હોય.
* અહીં જુદી જાતના પાતળાં પોપટ હોય છે, એની પૂછડીના છેલ્લા બે પીંછા પીળા કલરના હોય.
* એક લાલ શર્ટ પર કાળું જાકીટ પહેરેલા જેવું લાલ કાળું પક્ષી ખૂબ સુંદર લાગે છે.
* અહીં હમણા ૪.૩૦ વાગે સવારે અજવાળું થવા લાગે છે. સૂર્યોદયથી લગભગ દોઢ કલાક પહેલા.
* રાતના પણ આકાશ કાળું થતું નથી થોડું-થોડું અજવાળું રહે જ છે. ઘનઘોર અંધકાર થતો નથી.
* અહીંનું પહાડી જીવન નિરોગી છે. ૫૦માંથી ૧ જણને ચશ્માં હોય તો હોય. બાકી કોઈ પણ માણસને ચશ્માં નથી.
* ‘ચીડ’નાં થડમાં ચીરા કરી એમાંથી ગુંદ જેવો રસ ભેગો કરવામાં આવે છે. તે કલર-પ્લાસ્ટિક-બેલ તેલ આદિમાં વપરાય.
* શંકુ આકારનાં ચીડનું ઝાડ ખૂબ આકર્ષક હોય છે. ઊંચા પર્વતના શિખર સુધી લગભગ ૮૦થી ૧૫૦
ફૂટ ઊંચા-ઊંચા એક સ્થંભવાળા મહેલ જેવા ચીડ શોભે છે. દૂરથી તો એકલું ચીડનું ઝાડ મોર પીંછા
ખોલીને નાચતો હોય તેવું લાગે.
* યમુના કાલિન્દ પર્વતમાંથી નીકળે છે. યમનોત્રીની આજુ બાજુ કાળા પહાડ છે. દરેક પથ્થર કાળા, વૃક્ષો
પણ કાળા દેખાય. જાણે આખા પહાડને બાળીને કાળો કર્યો હોય. તેવું લાગે. કલિન્દ પર્વતથી નીકળેલી
હોવાથી યમુનાને ‘કાલિન્દી’ કહેવાય છે.
* જાનકી ચટ્ટીથી યમનોત્રી ૬ કિ.મી. ઉપર ચઢવાનું છે પણ ૧૨ કિ.મી. જેટલો થાક લાગે. ઊભું ચઢાણ છે.
* હિમાલયની યાત્રામાં કોઈ જંગલી વનસ્પતિના જાણકાર વ્યક્તિ સાથે હોય તો વધુ સારું.
* ડુંડાથી ૪ કિ.મી. આગળ નાંદુરી ગામની નાની ખીણમાં પીળા ધતુરાનું જંગલ છે – કેશરી મહાદેવજીના મંદિર પાસે.
* ગંગોત્રીથી ૧૦ કિ.મી. પહેલા લંકામાં સર્વત્ર ‘બ્રાહ્મી’ પથરાએલી છે.
* લંકાથી છેક ગૌમુખ સુધી અસંખ્ય દિવ્ય વનસ્પતિઓનો ભંડાર છે.
* ગંગોત્રીથી ગૌમુખ જવા માટે નાની પગદંડી-છ ફૂટીનો કાચો રસ્તો છે. ઘણો ઉતાર-ચઢાવ નથી. પણ મજા ખૂબ આવે. ચારે બાજુ પર્વતો પર બરફ જામેલો રહે છે.
* ચીડવાસામાં ચીડના ઝાડ ઘણાં છે.
* ગંગોત્રીથી ગૌમુખ રસ્તામાં ૪ કિ.મી. આગળ જતા જ ભોજપત્રનાં વૃક્ષો આવે છે. ચીડવાસા ગામ પૂરું થયા પછી તો ભોજપત્રનું મોટું જંગલ છે.
* ધરાલીમાં કલ્પકેદાર મહાદેવનું પ્રાચીન મંદિર છે. ગંભારો પાણીથી ભરેલો છે. ૧૨ ફૂટ નીચે પાણીમાં શિવલિંગ છે. ગંગાકિનારે આશ્રમ જોવા લાયક છે.
* ગંગનાણીથી ગંગોત્રી સુધી સફરજનના બગીચા છે.
* ગૌમુખ જવા માટે સાધુ-સંતોને આશ્રમમાંથી પરમિશન પત્ર લેવો જરૂરી છે. સંસારીઓએ ખાતાની ઑફિસમાંથી લેવો.
* ગૌમુખથી તપોવન ૬ કિ.મી. દૂર છે. પણ બરફમાં ચાલવું પડે. ગૌમુખથી નંદનવન સુમેરૂ પર્વત આદિ ૬ કિ.મી. દૂર છે. સ્પેશિયલ પરમિશન લઈને જઈ શકાય. પણ બરફ ખૂબ છે. વાતાવરણ ક્યારેક જ સારું રહે છે.
* ૧૨ હજારથી ૧૫ હજાર ફૂટની ઊંચાઈ ઉપર ‘બ્રહ્મકમળ’ થાય છે.
* અહીં અધિકાંશ વનસ્પતિઓ શ્રાવણ મહિનામાં પરિપક્વ થાય છે.
* હર્ષિલથી ગંગોત્રી સુધી ઊંચા-ઊંચા પહાડોમાં ‘દેવદાર’નાં જ જંગલો છે.
* ગૌમુખથી લંકા સુધી ગંગામાં ખૂબ ડહોળું પાણી આવે છે. આગળ જતા બીજું પાણી ભેગું થતા ધીરે-ધીરે આછું થઈ જાય છે.
* ગંગાની રેતીમાં અબરખનું પ્રમાણ વધારે છે તેથી માટી ખૂબ ચમકે છે.
* માનસરોવરમાં ડ્રેગન આકારની સુવર્ણ માછલી જોવા મળે છે.
* રાક્ષસતાલનાં પર્વતોમાં અજગર જેવા ડ્રેગન જોવા મળે છે, ક્યારેક પાણીમાં પણ દેખાય છે.
* કૈલાસ પરિક્રમાના ત્રીજા દિવસની યાત્રામાં પથ્થરોનું મેદાન આવે તેમાં ‘જિનલાલ’ નામની વનસ્પતિ ત્યાંના પથ્થરોથી ઘસીને આંખમાં આંજવાથી આપણા બધા રોગો મટે છે.
* હિમાલયમાં ૧૩૦૦૦થી ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈમાં રાત્રે ચમકતી વનસ્પતિઓ જોવા મળે છે.
* ગાંગુલીહાટ-પાતાલ ભૂવનેશ્ર્વરની ગુફાઓ. પાતાલ ભૂવનેશ્ર્વરનાં મંદિરમાં કૂવામાં અંદર ઊતરવાનું છે-
અંધારુ છે- દોઢ સો ફૂટ નીચે ઊતર્યા પછી એક મેદાન આવે – ઐરાવણ હાથીનું ચિત્ર છે. પથ્થરનું સિંહાસન છે – તે પર શેષનાગનો પટ્ટ છે. ઉપર આવી નદીનાં પ્રવાહ સાથે આગળ વધવું. નદી મોટા ધોધ રૂપે નીચે પડે છે. તેમાં નીચે ઊતરવું. નીચે બહુ સુંદર ઉદ્યાન છે. અર્ધસર્પ પુરુષ સ્ત્રીઓ છે. પાછા ગુફાની બહાર આવી જવું. ભુવનેશ્ર્વર મંદિરમાં બેસવું. નૈનિતાલથી પીથોરાગઢ થઈ અહીં પહોંચાય.
* નર્મદા કિનારે સુરપાણેશ્ર્વર મહાદેવનાં મંદિરની આજુ-બાજુ ભીલોની વસતિમાં ભીલરૂપે મહાભારતનું
જીવંત પાત્ર અશ્ર્વત્થામાં રહે છે. તેની ઓળખ પીળા રંગની પાઘડી-બહુ ઊંચો-લાલ આંખો.
* ઉખીમઠમાં લાલધતુરાનાં ફૂલો શિવલિંગ પર ચઢે છે.
* ઉખીમઠનાં ઓંકારેશ્ર્વર મંદિરનું મુખ્ય ગભારાનું દ્વારસાંખ જૈન દેરાસરનું છે.
* કેદારનાથ મંદિરની પાછળ ઉત્તુંગ હિમશિખરો છે.
* કેદારનાથમાં નાગની ફેણ જેવાં ફૂલો વાળા ઘણા છોડ થાય છે. મોમાં જીભ હોય તેવું તરણુ નીકળેલું હોય.
* કેદારનાથમાં નાના-નાના રંગબેરંગી ફૂલોથી આખી કેદાર ઘાટી ભરેલી છે.
* ચોપતાનું જંગલ અતિભયંકર
અને સુંદર છે.
* તુંગનાથનું મંદિર દુનિયામાં સૌથી ઊંચા સ્થાને છે.
* અહીં શિવમંદિરોમાં સરસીયું તેલ ચઢાવવામાં આવે છે.
* તુંગનાથ મંદિરમાં એક બુદ્ધની મૂર્તિ છે.
* કેદારનાથનાં ગભારાનું બારસાંખ જૈનમંદિર જેવું છે.
* કેદારનાથ મુખ્ય મંદિરનાં રંગમંડપમાં પાંચ પાંડવ અને કુંતીની મૂર્તિઓ છે.
* ઉખીમઠથી ચમૌલી સુધી ભયંકર જંગલ છે.
* હિમશિખરો જોવાનો આનંદ તો તુંગનાથમાં સૌથી વધુ છે.
* ગૌમુખ-ગંગોત્રીના પ્રદેશમાં જે વનસ્પતિઓ થાય છે તે કેદારનાથની ઘાટી પ્રદેશમાં થતી નથી અને જે કેદારનાથમાં થાય છે તે તુંગનાથમાં થતી નથી દરેક સ્થાને જુદી-જુદી વનસ્પતિઓ જોવા મળી.
* ચોપતા-તાલા જંગલમાં ભોજવૃક્ષો વધુ પ્રમાણમાં છે ચીડનું નામ નિશાન નથી. દિવસ કરતાં રાતના
જંગલની ભયંકરતા ૧૦૦૦ ગણી વધી જાય છે. સતત હિંસક જાનવરોનાં અવાજ આવ્યા કરે.
પાણીના ઝરણાના અવાજ આવ્યા કરે અને સુમધુર કોકિલ કંઠી પક્ષીઓનાં મધુરા ગીત સતત ચાલ્યા
કરે.
* હિમાલયમાં કોઈ કોઈ ઠેકાણે ચાયમાં દૂધ અને સાકર નાખવામાં આવતી નથી. તેના બદલે ઘી અને મીઠું
નાખીને ચાય બનાવવામાં આવે છે.
* હિમાચલનાં કોઈ પણ કાચા રસ્તે જવું હોય તો ખાસ ખચ્ચરનાં પગલાં અને ખચ્ચરનું વિસર્જન દ્રવ્ય ધ્યાન રાખવું. તેથી રસ્તો ભુલાય નહીં કારણ કે કાચા રસ્તાનો ઉપયોગ ખચ્ચરવાળા જ વધુ કરતા હોય છે.
* પૂછ્યા વિના કોઈ પણ કાચા રસ્તે-પગદંડીમાં જવું નહીં. ખોવાઈ જવાની ગેરંટી.
* ઉનાળામાં પર્વતની ટોચ ઉપર જ બરફ હોય. નીચે રસ્તામાં બરફ ન હોય. એ તો સારું થયું. અમારે એક દિવસ પણ ફરકમાં ચાલવું પડ્યું નથી.