રાતના એકથી બે વાગ્યાની વચ્ચે ઈશાન દિશાએ નભોમંડળમાં જોઈ શકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સમગ્ર ઉત્તરગોળાર્ધમાં આવેલા ભારત સહિતના દેશોના ખગોળ રસિકોની સાથેસાથે કચ્છમાં પણ નભોમંડળમાં જોવા મળનારાં ‘લીલા ધૂમકેતુ’ને જોવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ લીલો ધૂમકેતુ પચાસ હજાર વર્ષો પહેલાં, પાષાણ યુગ દરમ્યાન પૃથ્વીની સફરે આવ્યો હતો ત્યારે હવે તે ફરી પાછો પચાસ હજાર વર્ષ પછી ફરી પૃથ્વીની નજીક આવી રહ્યો છે જે બાબત ખગોળ રસિકો માટે ખૂબ જ રોમાંચકારી બની રહેશે. અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલી ઝવિનકિ ટ્રાંઝિસિયન્ટ ફેસિલિટી (ઝેડટીએફ) દ્વારા ગત માર્ચ ૨૦૨૨ના આ ધૂમકેતુને ખોળી કઢાયો હતો અને તે ત્યારથી એકધારો વધુને વધુ પ્રકાશિત થઇ રહ્યો છે. આગામી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમ્યાન આ કોમેંટસી-૨૦૨૨ ઇ૩ ઝેડટીએફ ધૂમકેતુ છેલ્લા એક વર્ષથી વધુને વધુ પ્રકાશિત થતો રહ્યો હોવાથી હવે તે નરી આંખે દેખાવાની સંભાવના પણ ઊભી થવા પામી છે. આ ધૂમકેતુ માત્ર ઉત્તર ગોળાર્ધના દેશોમાં જ દેખાશે. આગામી ફેબ્રુઆરીની પહેલી તારીખે તે પૃથ્વીથી સૌથી નજીક પણ ચંદ્રથી સો ગણો દૂર હશે.આ લીલા ધૂમકેતુને જોવા માટે ખગોળ રસિકોને મધ્યરાત્રિ બાદ ઊંઘમાંથી જાગવું પડશે કારણ કે, આ ધૂમકેતુ મધ્યરાત્રિ બાદ રાત્રિના એક કલાકથી બે વાગ્યા દરમ્યાન ઈશાન દિશાએ નભોમંડળમાં જોઈ શકાશે. આગામી ફેબ્રુઆરીની દસમી તારીખે આ લીલો ધૂમકેતુ મંગળ ગ્રહની નજીક પહોંચશે. કોમેંટસી-૨૦૨૨ ઇ૩ અન્ય ધૂમકેતુઓની માફક અવકાશી બરફના અવશેષો જામી ગયેલા ગેસ અને ખડકના રજકણોનો ‘કચરો’ છે અને તે આ પૂર્વે ૫૦,૦૦૦ વર્ષ પહેલાં પથ્થર યુગમાં જોવા મળ્યો હતો. દરમ્યાન આ લીલો ધૂમકેતુ કચ્છમાંથી જોવા મળશે કે કેમ તે અંગે જાણીતા ખગોળવિદ નરેન્દ્ર ગોર ‘સાગર’ને પૂછતાં તેમણે મુંબઇ સમચારને જણાવ્યું હતું કે, આ અદ્ભુત ખગોળીય નજારો કચ્છમાંથી પણ જોવા મળશે અને જયારે તે વધુ પ્રકાશિત બનશે ત્યારે એટલે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ દરમ્યાન તેને કચ્છના લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જોઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. કચ્છના ભાતીગળ બન્ની પંથકના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવ દરમ્યાન પ્રવાસીઓને આ લીલો ધૂમકેતુ ટેલિસ્કોપ કે બાઇનોક્યુલરની મદદથી દર્શાવવાની વ્યવસ્થા પણ વિચારાધીન હોવાનું તેમણે ઉમેર્યું હતું. પચાસ હજાર વર્ષ બાદ નભોમંડળમાં જોવા મળનારી દિલધડક અને રોમાંચકારી ઘટના તમામ લોકો જોવે તે જરૂરી હોવાનું પણ નરેન્દ્ર ગોર ‘સાગર’ એ ઉમેર્યું હતું.