બે વર્ષ પછી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈમાં ૮૦થી વધુ ગોવિંદાઓ જખમી

ગોવિંદા રે, ગોપાલા…મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં શુક્રવારે દહીહડીની લોકોએ હોંશભેર ઉજવણી કરી હતી. મુંબઈ નજીકના થાણેના વિષ્ણુનગર વિસ્તારમાં નવ થરની માનવસાંકળ બનાવીને મટકીને સલામી આપતા ગોવિંદા. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોના મહામારી બાદ બે વર્ષે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ધૂમધામથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈ સહિત થાણેમાં લાખો રૂપિયાના ઈનામોની દહીંહંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક રાજ્કીય નેતાઓએે લગાવેલી દહીંહંડી ફોડવામાં સાંજના છ વાગ્યા સુધીમાં ૭૮ ગોવિંદાઓ જખમી થયા હતા, જેમને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ દરમિયાન જોગેશ્ર્વરીના દહીંહંડી મંડળે નવ થર લગાવીને ફરી રેકોર્ડ કર્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વર્ષે મુંબઈ સહિત થાણેમાં દહીંહંડીનું મોટા પાયા પર આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપે મુંબઈ સહિત થાણેમાં અનેક જગ્યાએ મોટા ઈનામો સાથેની દહીંહંડીનું આયોજન કર્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ પોતાના હોમગ્રાઉન્ડ થાણેમાં ટેંભી નાકા પર યોજવામાં આવેલી મોટી દહીંહંડીના કાર્યકામમાં હાજરી પુરાવી હતી.
કોરોનાને પગલે બે વર્ષ માટે મોટા પાયા પર દહીંહંડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે દહીંહંડી ફોડવા માટેની ઊંચાઈ પરનો પ્રતિબંધ હટાવી દીઘો હોવાને કારણે મુંબઈ સહિત થાણેમાં અનેક ઊંચી મટકીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બે મંડળોએ નવ થર લગાવીને રેકોર્ડ કર્યો હતો. થાણેના નૌપાડા વિસ્તારમાં મનસેની દહીંહંડીને કોંકણનગર ગોવિંદા પથક અને જોગેશ્ર્વરીના પ્રખ્યાત જય જવાન ગોવિંદા પથકે નવ થર લગાવવાનો રેકોર્ડ કર્યો છે. ભાંડુપ વિલેજમાં મનસેએ રાખેલી દહીંહંડીમાં નવ થરની સલામી આપવામાં આવી હતી. મુંબઈમાં સાંજના છ વાગ્યા સુધીમાં ૭૮ ગોવિંદાઓ મટકી ફોડતા સમયે જખમી થયા હતા, તેમાંથી જે.જે. હૉસ્પિટલમાં બે, સેંટ જ્યોર્જ હૉસ્પિટલમાં ૩, જી.ટી. હૉસ્પિટલમાં ૧૧, નાયર હૉસ્પિટલમાં નવ, કે.ઈ.એમ.માં ૧૭, સાયન હૉસ્પિટમલાં સાત, જોગેશ્ર્વરીની ટ્રોમા હૉસ્પિટલમાં બે, કૂપરમાં છ, કાંદિવલીની ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં એક, વી.એન. દેસાઈ હૉસ્પિટલમાં છ, રાજાવાડીમાં ૧૦, પોદાર હૉસ્પિટલમાં ચાર એમ કુલ ૭૮ જખમી થયા હતા, તેમાંથી ૬૭ને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તો ૧૧ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને એકનાથ શિંદેએ દહીંહંડીને સ્પોર્ટસનો દરજ્જો આપ્યો હતો. તેમ જ જખમી ગોવિંદાઓને સરકારી, જિલ્લા પરિષદ તથા મેડિકલ કૉલેજમાં મફતમાં સારવાર આપવાની જાહેરાત કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.