ફોકસ – રાજેશ યાજ્ઞિક
અમેરિકન શિક્ષણશાસ્ત્રી રીડ મારખમે એક વખત કહ્યું હતું, “સારા પિતા બનવું એ હજામત કરવા જેવું છે. તમે આજે ગમે તેટલી સારી કરી હોય, તમારે કાલે ફરીથી કરવી પડશે. જી હા, આધુનિક પિતાઓએ આ વાત યાદ રાખવા જેવી છે, કે તમારે રોજ સારા પિતા બનવાનું છે, બની રહેવાનું છે!
જે રીતે એક યોગ્ય પિતા હંમેશાં પોતાના સંતાનો માટે હાજર રહે છે તેવી રીતે, એક યોગ્ય પિતા બાળકોને અનુશાસન શીખવે છે. શિસ્ત કે અનુશાસનનો મતલબ એ નથી કે ‘સોટી વાગે ચમચમ’ કરવાનું! પહેલાના સમયમાં પિતાની આવી એક છાપ પડી ગઈ હતી અથવા પાડી દેવામાં આવી હતી. બાળકો કંઈ તોફાન કરે એટલે મા તેમને વઢે કે, “તારા પપ્પાને આવવા દે એટલે તારી ખેર નથી!. બાળકોમાં ‘ભૂત આવી જશે’, ‘પોલીસ પકડીને લઇ જશે’ જેવો એક ભય એ પણ ઠાંસી દેવામાં આવે છે કે ‘પપ્પા આવીને વઢશે.’ જાણે પપ્પાનું કામ બાળકોને વઢવાનું જ કેમ ન હોય! પણ પપ્પા પ્રેમ પણ કરે અને જરૂર પડે ત્યારે સમજાવે પણ ખરા. હા, આવશ્યક હોય તો વઢે પણ જરૂર, પરંતુ એટલું બધું નહીં કે બાળક પોતાના પિતાથી ડરી જાય.
અનુશાસન માત્ર ભયથી નથી આવતું. ઉચિત વ્યવહારથી આવે છે. આર્નોલ્ડ શ્ર્વાર્ઝેનેગર બાદ શરીર સૌષ્ઠવમાં જેનો નંબર વિશ્ર્વમાં બીજો ગણાય છે અને બોડી બિલ્ડિંગની વિશ્ર્વસ્પર્ધા આઠ વખત જીતનાર રોની કોલમને કહ્યું છે, “પ્રગતિ સમય અને અનુશાસન બન્ને માગે છે. આ વાત સારા પિતાને પણ લાગુ પડે છે. સંતાનોની પ્રગતિ માટે પિતાએ સમય પણ આપવો પડે અને અનુશાસન પણ શીખવવું પડે.
બાળકને પુરસ્કૃત કરો: જયારે તમારું બાળક કોઈ સારું કામ કરે ત્યારે તેને પુરસ્કૃત કરો જેથી તેને પ્રોત્સાહન મળે અને તેવો વ્યવહાર દોહરાવે. ઝઘડો કરવાથી દૂર રહે, પોતાના ભાઈ-બહેનોને મુશ્કેલ કામમાં મદદ કરે, અથવા કોઈ મિત્રની મદદ કરે તો તેમને જણાવો કે તેમના આવા કાર્યથી તમને કેટલો ગર્વ છે. તમે તેને ગમતું ભોજન આપીને, કપડાં કે રમકડાં આપીને તેની સરાહના કરી શકો. કોઈ સર્જનાત્મક કાર્ય, જેવા કે સંગીત કે નૃત્ય અથવા શાળામાં વક્તૃત્વ સ્પર્ધા કે અન્ય કોઈ હરીફાઈમાં રુચિ લે ત્યારે તેને બિરદાવો અને આ રીતે સફળ બનેલી હસ્તીઓના ઉદાહરણ આપી તેને પ્રોત્સાહિત કરો. તે જીતે ત્યારે તેને ગમતી વસ્તુ આપીને પણ તેને પ્રોત્સાહિત કરી શકો. બાળકો જયારે નાના હોય ત્યારે પ્રેમ પૂર્વક તેમને પુરસ્કૃત કરવાથી તેઓ અનુભવે છે અને યાદ રાખે છે કે તેમના પિતાને તેમના ઉપર કેટલો ગર્વ છે.
જોકે એ વાતનો ખ્યાલ રાખો કે સારું વર્તન કરવા માટે મળતો પુરસ્કાર તેમના માટે લાલચનું કામ ન કરે. અથવા તમે તેમને લાલચ આપીને કોઈ કામ ન કરાવો. બાળકોને એવા કામ માટે પુરસ્કાર ન આપો જેની તેમની પાસે સામાન્ય રીતે અપેક્ષા રખાતી હોય. જેમકે, ઘરમાં પોતાનું કામ જાતે કરવું અથવા ઘરનું કોઈ કામ કરવું, પોતાની વસ્તુઓ સાફ કરવી.
સંતાનને ઉચિત રીતે સજા આપો:
નિષ્પક્ષ અનુશાસક હોવાને નાતે તમારે સંતાનને તેમની ભૂલો માટે શિક્ષા પણ કરવી જોઈએ. પણ તેનો મતલબ એ નથી કે તમે શારીરિક કે માનસિક રીતે ક્રૂર થઇ જાઓ. બાળકોને સમજાવો કે તેમણે શું ભૂલ કરી છે અને તેના ખરાબ પરિણામ વિશે જાગૃત કરો. સંતાનો કારણ સમજવા જેટલા મોટા થઇ જશે ત્યારે તેમને પોતાને પોતે શું ભૂલ કરી હતી તે સમજાશે.
પતિ-પત્ની બંને સંતાનોની સજા બાબત સહમત હોવા જોઈએ. મા અથવા પિતા બંનેમાંથી કોઈપણ બાળકની ગેરવર્તણૂક જુએ તો પરિણામ સમાન હોવું જોઈએ.
હંમેશાં એકસમાન રહો: બાળકને પ્રોત્સાહિત કરવા અથવા સજા કરવાના મામલે હંમેશાં એક સમાન રહો. અર્થાત ગેરવર્તણૂક માટે સજા એકસમાન હોવી જોઈએ, ભલે પછી તે અસુવિધાજનક હોય, તમે થાકી ગયા હો અથવા કોઈ સાર્વજનિક જગ્યાએ હો. અને જો તેણે કોઈ સારું કામ કર્યું હોય તો તેને પ્રોત્સાહિત કરવાનું પણ ન ભૂલો, ભલે તમે કામના ભારણમાં દબાયેલા હો કે અન્ય કોઈ કારણ હોય.
બાળકો પર બૂમબરાડા ન પાડો: બાળકોની વર્તણૂકથી તમે નાખુશ હો તો પણ રાડો પડવાથી કોઈ સમાધાન નહિ આવે.
ઘણીવાર આપણે માતા-પિતાને જાહેર રસ્તા ઉપર બાળકો ઉપર જોરજોરથી રાડો પાડીને તેમને ધમકાવતા જોયા હોય છે. એ ન ભૂલો કે આવી પરિસ્થિતિમાં બાળકો પણ અપમાન અનુભવે છે. ઘણી પરિસ્થિતિઓમાં તમે સંયમ ખોઈ બેસો અને ક્રોધવશ ઊંચે અવાજે બોલાઈ જાય અથવા બોલવાનું મન થાય તેવું બને. સાધારણ
રીતે બનતું પણ હોય છે. ઊંચા અવાજે બોલવા અને રાડો પાડવાના ભેદને ધ્યાનમાં રાખવો જરૂરી છે. તમારા બૂમબરાડાથી
બાળકો તમારાથી ડરી જશે અને તમારી સાથે વાતચીત કરવાનું પસંદ નહીં કરે.
બાળકોને એ જોવું નહીં ગમે કે તમારું પોતાના ઉપર નિયંત્રણ નથી. અને એ પણ યાદ રાખો કે આપણું વર્તન જોઈને બાળક પણ તેવો વ્યવહાર અન્ય સાથે કરવા પ્રેરાય છે. આપણા વર્તનથી આપણે બાળક સામે એવું પુરવાર કરીએ છીએ કે આવું વર્તન યોગ્ય છે. ઘણીવાર એવું બની શકે કે તમે બાળકને બૂમબરાડા પાડવા બદલ ટોકો, ત્યારે તે એવો વિચાર કરી શકે કે પિતા પોતે તો એવી રીતે જ વર્તે છે?!
હિંસક ન બનો: આપણા દેશમાં અને વિદેશોમાં પણ બાળકો પ્રત્યેની ઘરેલું હિંસાને બહુ ગંભીરથી લેવાતી નહોતી. હવે લોકો તેના વિશે વિચારતા થયા છે. તેમ છતાં, આજે પણ ઘણા મા-બાપ માને છે કે બાળકને મારઝૂડ કરવામાં કંઈ ખોટું નથી. ઘણા કમનસીબ કિસ્સાઓમાં તો પિતાઓ બાળકોને શારીરિક ઇજા
પહોંચે તેટલું મારતા હોવાના કિસ્સા પણ સામે આવે છે.
તમે ભલે ગમે તેટલા ક્રોધમાં હો, પણ સંતાનોને મારવા કે તેમને ઇજા પહોંચાડવા અથવા ખૂબ હિંસક રીતે તેમને પકડવા જેવું વર્તન કરવાથી તમારે બચવું જરૂરી છે. આવી હરકતો તેમને શારીરિક અને માનસિક, બંને રીતે અસર કરે છે. ઘરમાં નિયમિત રીતે હિંસા ભોગવતા સંતાનોના મન પણ હિંસા તરફ વળે છે, જેના પરિણામે તે ગુનાહિત વૃત્તિના પણ બની જાય છે.
તમે જો હિંસક બનશો તો બાળકો તમારી નજીક ફરકવાનું પણ પસંદ નહીં કરે. ક્યારેક એવી ક્ષણ આવી જાય જયારે બાળક ઉપર હાથ ઉપડી જાય તો બાળકની માફી માંગતા પણ તમારે સંકોચ ન કરવો જોઈએ.
ભય પણ અને પ્રેમ પણ
પિતા કુંભાર જેવા હોવા જોઈએ. કુંભાર જયારે માટીનું વાસણ ઘડે ત્યારે એક હાથે ટપલી મારતો હોય છે, જયારે બીજો હાથ પસવારતો હોય છે. બાળકો પણ કાચી માટી જેવા હોય છે. તેમને યોગ્ય ઘાટ આપવા તેમને તમારો ભય ભલે હોય, પણ તેમને પ્રેમનો પણ અનુભવ થવો જોઈએ.
ભય કેવો હોવો જોઈએ? આદરયુક્ત ભય. અર્થાત, કે સંતાનને એ ધ્યાનમાં હોવું જોઈએ કે ખોટી વાત કે ખોટું વર્તન પિતા સહન નહીં કરે, સાથે એ વિશ્ર્વાસ પણ કે પિતા મને સમજશે. તમે કડક અનુશાસક છો અને તમને જીદ કરીને મનાવી નહીં શકાય તે બાળકને ખબર હોવી જોઈએ, પણ સાથે એ પણ કે તેઓ તમારી પાસેથી પ્રેમ અને સ્નેહની અપેક્ષા પણ કરે.
એક સારા પિતા હોવાને નાતે સંતાનને પાઠ ભણાવવા જેટલી કઠોરતા અને તેમને તમારા પ્રેમનો અનુભવ કરાવવા જેટલી કોમળતા રાખવા માટે એક મુશ્કેલ અને સૂક્ષ્મ રેખા દોરવાની તમારે જરૂર પડશે.
જો બાળક તમારાથી વધારે ડરતું હશે તો તમારી સાથે મોકળા મનથી વાત નહીં કરી શકે. તેના કારણે પિતા અને સંતાનો વચ્ચે સંવાદનો સેતુ રચાઈ શકતો નથી. પિતા તરીકે તમે પણ સંતાનના પ્રેમથી વંચિત રહી જશો.
જો તમે વધારે પ્રેમ કરતા પિતા હશો તો બાળકને અનુશાસનમાં રાખવામાં મુશ્કેલી પડશે. સંતાનોને એવું લાગશે કે જીદ કરીને પિતાને મનાવી શકાશે.