તસવીરની આરપાર -ભાટી એન.
કચ્છની મૂલ્યવાન સંસ્કૃતિ ચિતાકર્ષક તન-મનને મંત્રમુગ્ધ કરે છે. નિરંકુશ કલાનો વૈભવ ભંડારને શ્ર્વાસોચ્છવાસમાં ભરી લેવા મનડું હર્ષોલ્લાસથી દોડે છે. અમૂલ્ય-અતુલ્ય વિરાસતમાંથી અનેકાનેક ઘણી પ્રેરણાસ્રોતનો ધોધ વહે છે… વિચારોના વૃંદાવનમાં તેનું ઐશ્ર્વર્ય બેમિસાલ લાગે છે. ફર્સ્ટ દૃષ્ટિએ નિરખતા વાહ… વાહ…ના ઉદ્ગારો સરી પડે. અત્યાધુનિક યુગમાં આવાં સ્થાપત્યો નિરખવાના મળે તે તો પ્રાચીનતમ યુગની કમાલધમાલનું વિહંગાવલોકન કરવાનું છે…!! સર્વોતમકલાની નગરીમાં શબ્દસવારીને તસવીર સંગાથે અલભ્ય કથાની વાત માંડવી છે…! કો?
ઈ’કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો આવેલ છે…! તેનું ઐતિહાસિક મહત્ત્વ અનેરું છે. કચ્છની છત્રીઓ, મંદિરો, વાવ અને કિલ્લા સવિશેષ વાતો સાચવીને અડીખમ ઊભા છે. કચ્છની ભૂધરા પર “કંથકોટનો કિલ્લો ખૂબ ઊંચાઈએ છે, તેની વિશેષતા એ છે કે ઊંચા ડુંગર ઉપર બનેલ આ કિલ્લો ગુજરાતના મહત્ત્વના અને સારી બાંધણી અને તેની અંદર આવેલ કલાના નમૂના એવા જૈન મંદિર – સૂર્ય મંદિર – કંથડનાથનું મંદિર અને કિલ્લાના પ્રવેશદ્વાર પાસે આવેલ હારબંધ પાળિયા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને પાળિયાની કોતરણી અદ્ભુત છે. “કંથકોટનો કિલ્લો પાંચ કિ.મી.ના ઘેરાવામાં છે. આ કિલ્લો જામ મોડના પુત્ર સાંડે “કંથકોટનો કિલ્લો બંધાવેલ પણ આ કિલ્લો બનાવવા પાછળ પણ કથા ઠબુરાયને પડી છે. જામ મોડે કચ્છના રક્ષણ માટે કચ્છના પૂર્વમાં વાગડ પરગણામાં એક ડુંગર ઉપર કિલ્લો બાંધવા નક્કી કર્યું ત્યાં કંથડનાથ નામના તપસ્વી આશ્રમ બાંધીને રહેતા હતા. તેને આ જગ્યા ખાલી કરી આપવા કહ્યું, કંથડનાથ નહીં માનતા આશ્રમ થોડે દૂર ફેરવ્યો અને કિલ્લાનું બાંધકામ શરૂ કર્યું. એકાદ વર્ષમાં કિલ્લો બંધાઈ જતાં કંથડનાથે પોતાની કંથામાંથી એક દોરો કાઢતા કિલ્લો આખો જમીનદોસ્ત થઈ ગયો…! જામ મોડ – જામ સાંડે ત્યાં જ કિલ્લો બાંધવા કંથડનાથના શિષ્ય ભસ્મનાથની સાથે મિત્રતા બાંધી ત્યાં કિલ્લો બાંધવાની આશા મેળવી કિલ્લો બાંધ્યો અને સાધુ કંથડનાથના નામ ઉપરથી ‘કંથકોટ’ નામ આપવામાં આવ્યું. ૧૦મી સદીમાં બનેલ સમાઓ પાસેથી આ કિલ્લો દેદા રાજપૂતો પાસે ગયો અત્યારે પણ ‘કંથકોટ’માં દેદા રાજપૂતો રહે છે.
“કંથકોટ કિલ્લાના દર્શન તો દૂર… દૂર…થી થાય છે, પરંતુ તેની સમૃદ્ધિના દર્શન કરવા માટે લગભગ ૪૫૦ ફૂટ ઊંચ્ચે ડુંગરે ચડવું પડશે. યોગી કંથડનાથના નામ સાથે જોડાઈ અમર બનેલ આ કીર્તિકોટડાની કથા ઘણી ભવ્ય અને એટલી જ ઈતિહાસની દૃષ્ટિએ ઉપયોગી છે. કંથાદુર્ગ તરીકે તે કાળે જાણીતા આ દુર્ગમાં ગુજરાતના રાજવીઓ મુળરાજ સોલંકી અને ભોળા ભીમદેવને આશ્રય સાંપડ્યો હતો. આ કિલ્લાનું બાંધકામ કરનાર સ્થપતિની કુશળતા અને દીર્ઘદૃષ્ટિ માટે ખૂબ માન ઉત્પન્ન થાય છે. કિલ્લાની રચના તેનું મુખ્ય પ્રવેશદ્વાર અને રાજમાર્ગ એવાં રચ્યાં છે કે સૈનિકોની દૃષ્ટિએ તે ખૂબ અગત્યના બની રહે છે. અહીં માત્ર રાજદુર્ગ નથી, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના ભંડારો વિપુલ પ્રમાણમાં છે. પૂર્વાભિમુખ સૂર્યમંદિરમાં પોણા પાંચ ફૂટ ઊંચ્ચી સૂર્યમૂર્તિ છે. તેના બેઉ હાથ જોડેલા દર્શાવ્યા છે અને મૂર્તિ ઊભેલી છે.
મંદિરનું ગર્ભગૃહ અર્ધું પડી ગયું છે. છતાં છતના ઘુમ્મટો અને સ્તંભો જર્જરિત હાલતમાં ટકી રહ્યા છે. સમયની થપાટો ઘસારા ખમવા છતાં પણ તેમાં ઉત્તમ કૃતિ કારીગરી અને ભાવોનું પરીક્ષણ સ્પષ્ટ ભાસે છે. તેના એક સ્તંભ ઉપર ભગવાન રુદ્રની પ્રાર્થના કોતરેલી છે. કાઠી દરબારના ઈષ્ટદેવ સૂર્યનું આ મંદિર હોવાથી અનુમાન થાય છે કે અહીં કાઠીઓની રાજધાની હશે, કિલ્લા ઉપર એક શિવાલય છે અને ઊંચ્ચા પડથાર પર યોગી કંથડનાથનું મંદિર છે. અહીંયા બાજુમાં એક મંદિરના અવશેષો ઊભા છે. તે ખાસ ધ્યાનકર્ષક લાગે છે.