બે વંદે ભારત ટ્રેન, એલિવેટેડ રોડ્સ, શૈક્ષણિક સંસ્થાનું લોકાર્પણ
‘વંદે ભારત’:મુંબઈમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. (અમય ખરાડે)
———–
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક રાજધાની મુંબઈને બે વંદે ભારત ટ્રેન, દાઉદી વહોરા કોમની શૈક્ષણિક સંસ્થા (સૈફી અકાદમી) અલ-જામેઅતુસ-સૈફિયાના સંકુલ અને બે એલિવેટેડ રોડ તેમ જ વાહનો માટેના અન્ડરપાસની ભેટ આપી હતી. દેશની સૌથી વધુ શ્રીમંત મ્યુનિસિપાલિટી બૃહદમુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદીની મુંબઈની આ મુલાકાત મહત્ત્વની ગણાય છે. મુંબઈ-સાંઈનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૩૪૩ કિ.મી.નું અંતર પાંચ કલાક અને પચીસ મિનિટમાં કાપશે. આ ટ્રેન સવારે
૬:૨૦ વાગે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઉપડશે અને બપોરે ૧૧:૪૦ વાગે સાંઈનગર શિરડી પહોંચશે. આ ટ્રેન સાંજે ૫:૨૫ વાગે સાંઈનગર શિરડીથી ઉપડશે અને રાત્રે ૧૨:૫૦ વાગે સીએમએમટી પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડશે.
આ ટ્રેન દાદર, થાણે, નાસિક રોડ અને સાંઈનગર શિરડી સ્ટેશને ઊભી રહેશે. આ ટ્રેનનું ચેરકાર અને એક્ઝિક્યૂટિવ ચેરકારનું એક તરફનું ટ્રેનનું ટિકિટ ભાડું (કૅટરિંગ વિના) અનુક્રમે રૂ. ૮૪૦ અને રૂ. ૧૬૭૦ રહેશે. કેટરિંગ સાથેનું ભાડું અનુક્રમે રૂ. ૯૭૫ અને રૂ. ૧૮૪૦ રહેશે. આ ટ્રેન મુંબઈને ત્ર્યંબકેશ્ર્વર અને સાંઈનગર શિરડી તીર્થયાત્રા ધામ વચ્ચેની કનેક્ટિવિટી વધારશે.
મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાડા છ કલાકમાં ૪૫૫ કિ.મી.નું અંતર કાપશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ બપોરે ૪: ૦૫ વાગે રવાના થશે અને રાત્રે ૧૦:૪૦ વાગે સોલાપુર પહોંચશે. આ ટ્રેન સોલાપુરથી સવારે ૬:૦૫ વાગે રવાના થશે અને બપોરે ૧૨:૩૫ વાગે સીએસએમટી પહોંચશે. આ ટ્રેનને કારણે પ્રવાસના સમયમાં બે કલાકનો ઘટાડો થશે. આ ટ્રેન દાદર, કલ્યાણ, પુણે અને કુર્દુવાડી સ્ટેશને ઊભી રહેશે. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.
આ ટ્રેનનું ચેરકાર અને એક્ઝિક્યૂટિવ ચેરકારનું એક તરફનું ટ્રેનનું ટિકિટ ભાડું (કૅટરિંગ વિના) અનુક્રમે રૂ. ૧૦૦૦ અને રૂ. ૨૦૧૫ રહેશે. કેટરિંગ સાથેનું ભાડું અનુક્રમે રૂ. ૧૩૦૦ અને રૂ. ૨૩૬૫ રહેશે.
આ ટ્રેનને કારણે દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ અને ટેક્સટાઈલ શહેર મનાતા સોલાપુર વચ્ચેની કનેક્ટિવિટી વધશે. આ ટ્રેનને કારણે પ્રવાસીઓ માટે સોલાપુર અને તેની આસપાસ આવેલા સિદ્ધેશ્ર્વર, અકલકોટ, તુલજાપુર, પંઢરપુર તેમ જ પુણે નજીક આવેલા આણંદી પહોંચવાનું વધુ સરળ બનશે. આ ટ્રેન પ્રવાસન ક્ષેત્ર, ક્ષેત્રીય અર્થતંત્ર અને શિક્ષણ ક્ષેત્રને વધુ વેગવંત બનાવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ પરાંને જોડતા ચાવીરૂપ વાકોલા-કુર્લા અને એમટીએનએલ-એલબીએસ (લાલ બહાદુર શાસ્ત્રી) કોરિડોર તેમ જ મલાડના કુરાર ખાતે વાહનોના અન્ડરપાસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. વેસ્ટર્ન ઈસ્ટર્ન હાઈવે પરનો ટ્રાફિક ઘટાડવામાં આ અન્ડરપાસ મહત્ત્વનો પુરવાર થશે. આ અન્ડરપાસને કારણે રાહદારીઓ સરળતાથી રસ્તો ક્રોસ કરી શકશે.
મોદીએ બાદમાં અંધેરીના મરોલ વિસ્તારમાં દાઉદી વહોરા કોમની શૈક્ષણિક સંસ્થા (સૈફી અકાદમી અલજામિયા-તુસ-સૌફિયાનું પણ ઉદ્ઘાટન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ દાઉદી વહોરા સમાજના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે દાઉદી વહોરા કોમની સાથે મારો ઘણો નજીકનો અને જૂનો સંબંધ રહ્યો છે. વિદેશમાંના દાઉદી વહોરા પણ દેશને બહુ પ્રેમ કરે છે. દેશને અત્યાધુનિક સુવિધા સાથેનું શિક્ષણ આપવાનું સ્વપ્ન હવે જલદી સાકાર થશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિશેષતાઓ: આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર, એન્ટીકુલિઝન ડિવાઈસ કવચ, વધુ સારું હીટ વેન્ટિલેશન અને એરકન્ડિશનિંગ કંટ્રોલ, વધુ સારી ફાયર સેફ્ટી, પ્રતિકલાક ૧૬૦ કિ.મીની મહત્તમ સ્પીડ પર પહોંચવાની ક્ષમતા, કોચમાં સીસીટીવી કેમેરા અને ગાર્ડ તેમ જ ડ્રાઈવર સાથે વાતચીતની સુવિધા, રોટેશનલ સીટ્સ અને ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક દરવાજા રિટ્રેક્ટેબલ ફુટસ્ટેપ્સ સાથે, ડાયરેક્ટ અને ડિફ્યુઝડ લાઈટિંગ, દિવ્યાંજનો માટે સાનુકૂળ. (એજન્સી)