અમદાવાદમાં રોડ પર અચાનક પડ્યો વિશાળકાય ભૂવો, યુવક સ્કુટર સાથે ભૂવામાં ખાબક્યો

આપણું ગુજરાત

અમદાવાદમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાની ઘટનાઓ બનતી હોય છે જેને કારણે અકસ્માતો સર્જાતા હોય છે, છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એમ કોઈ કાર્યવાહી કરાતી નથી. આ વર્ષે શહેરમાં હજુ એક જ વાર વરસાદ પડ્યો છે એમાં અમદાવાદ મહાનગરપાલિકા(AMC)ની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલી પડી ગઇ છે. અમદાવાદમાં બે દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. સાથે જ શહેરમાં કેટલીક જગ્યાએ ભૂવા પણ પડ્યા હતા. ત્યારે આજે શહેરના જુહાપુરા વિસ્તારમાં રોડ પર અચાનકથી પડેલા ભૂવાના કારણે એક યુવક સ્કુટર સાથે અંદર ખાબકતા જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બેક પાર્ક નજીક આતિફખાન પઠાણ સ્કુટર લઈને પસાર થતો હતો. ત્યારે અચાનક જ સ્કુટરનું પાછળનું વ્હીલ ખાડા ફસાઈ ગયું હતું. આતિફખાન સ્કુટરને વહાર કાઢવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે આજુ બાજુના લોકો તેની મદદ માટે નજીક આવ્યા એટલામાં રોડનો પોપડો તૂટી પડ્યો હતો. રોડની નીચે ઊંડો ભૂવો હોવાથી આતિફખાન સ્કુટર સાથે ભૂવામાં ખાબક્યો હતો. તેને બચાવવા આવેલા લોકો સમયસર દૂર ખસી જતા બચી ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને યુવકને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
ભુવા નીચેથી ડ્રેનેજ લાઈન પસાર થાય છે જેમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. આતિફખાને ભૂવામાં પસાર થઇ રહેલી પાઈપ પકડી લીધી હતી અને તેના પર ટીંગાયેલો રહ્યો. લોકોએ દોરડું નાખ્યું અને એને પકડીને તેને બહાર કાઢ્યો હતો. આતિફખાનનો જીવતો બચી ગયો પણ સ્કુટર ભૂવામાં ગરકાવ થઈ ગયું હતું.
આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીએ જણાવ્યા મુજબ, ઘટનાસ્થળેથી ભૂગર્ભમાં પસર થઇ રહેલી 2000 મિમી વ્યાસની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભૂવો પડ્યો હતો. જો યુવકે પાઈપ ના પકડી હોત અને પાણીમાં પડ્યો હોત તો તેને જીવ ગુમાવવો પડ્યો હોત.
આ ઘટના અંગે સ્થાનિક લોકો કોર્પોરેશન સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.