ડૉલર સામે રૂપિયામાં ૩૯ પૈસાનું ગાબડું

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સપ્તાહના આરંભે ડૉલર સામે રૂપિયામાં ૩૯ પૈસાનું ગાબડું પડ્યું હતું. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવ નીચા રહેતાં રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૨૪ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૫૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૬૫ અને ઉપરમાં ૭૯.૪૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૩૯ પૈસાના ઘટાડા સાથે ૭૯.૬૩ના મથાળે બંધ રહ્યો હતો. ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યા બાદ આજે વધ્યા મથાળેથી સાધારણ ૦.૨૫ ટકા ઘટીને ૧૦૬.૫૭ આસપાસ ઊંચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૫૪ ટકા ઘટીને બેરલદીઠ ૯૪.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૬૫.૧૪ પૉઈન્ટનો અને ૧૨૭.૬૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી અને ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૦૫.૮૧ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.