મધુ રાયની વાર્તા -મધુ રાય
મુંબઇમાં એક ગુલાબી ઠંડીવાળી સાંજ હોય, ને ‘ગુજરાતી ભાષાના નગરશેઠ’ (પરેશ રાવલના કહેવા મુજબ) મધુરાયનાં બે પુસ્તકો-કઉતુક (વાર્તા સંગ્રહ) અને નીલ ગગનનાં પંખેરું (નિબંધ સંગ્રહ)નું વિમોચન હોય અને પ્રેક્ષકોમાં મોટાભાગના કલાકારો અને સર્જકો હોય તો પછી સ્વર્ગ બે વેંત જ છેટું લાગે.
શનિવારે સાંજે, જુહૂ જીમખાના ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) અને વિશાલ પબ્લિકેશન્સના ઉપક્રમે ‘મધુ ગોષ્ઠિ’ કાર્યક્રમમાં મધુરાયનાં બે પુસ્તકોનું વિમોચન મહારથી અભિનેતા પરેશ રાવલના હસ્તે થયું. ‘મધુ વિશેષ’ માં અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ સંસ્કૃત -ગુજરાતીમાં સંયુક્ત વક્તવ્ય આપીને પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં તો ‘તારક મહેતા…’ સિરિયલના નિર્માતા આસિત મોદીએ એમની સરળ શૈલીમાં પ્રેક્ષકોને સંબોધન કર્યું. અમેરિકા સ્થિત ઉદ્યોગપતિ શ્રી રાહુલ શુકલે પોતાના અંગત સંબંધોને વાચા આપી. કલાકારો શ્રી પરેશ રાવલ અને ઉત્કર્ષ મજુમદારે મધુરાય લિખિત નિબંધ અને વાર્તાનું પઠન કર્યું અને સર્જક મધુરાયની સર્જકતા પ્રેક્ષકો સુધી પહોંચાડી. અકાદમીના મહાપાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે અકાદમીની વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો. આખા કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડૉ. દર્શન ઓઝાએ સુપેરે કર્યું. એક શાલિનતાભરી સાહિત્યિક સાંજનો અનુભવ મુંબઇગરાને થયો.
—————
હરિ કી કહાની
કમ્પ્યુટર કી જુબાની
પંડ્યાભાઇનું ધ્યાન હોતું. એ કાંઇક બીજા વિચારે ચડી ગયેલા. એ એકદમ બેઠા થઇ ગયા. મનમાં મનમાં મરકવા લાગ્યા. એ આખરે બોલ્યા.
‘હરિભાઇ, એક રીતે જોવા જાઓ તો ભવિષ્ય પણ જાણી શકાય.’
હરિ એકદમ એકીટશે જોઇ રહ્યો. પંડ્યાભાઇ સફાળા બેઠા થઇ ગયા. ડાભલાંવાળુ કપડું હટાડી એમણે સહદેવની ચાંપ ખોલી.
‘જ-ય-શ્રી-કૃ-ષ્ણ. પંડ્યા-ભાઇ.’ સહદેવ બોલ્યો.
‘જેશ્રીકૃષ્ણ. સહદેવ.’ પંડ્યા-ભાઇ કહ્યું.
‘જેશીકૃષ્ણ.’ હરિએ કહ્યું.
‘આજે વરસાદ નહીં આવે.’
પંડયાભાઇએ કહ્યું.
એકદમ કમ્પ્યુટરમાં સિસોટિયું વાગી. એના ટેલિવિઝન જેના સ્ક્રીન ઉપર લિસોટા લબકારા લેવા માંડ્યા.
‘એટલે કે આજે વરસાદ આવશે. પંડયાભાઇએ કહ્યું.
‘અને આમ તમે જેના બારામાં જાણવા માગો તેના બારામા એક આગાહી મેળવી શકો.’ પંડ્યાભાઇએ જણાવ્યું.
હરિયો એકદમ વિચારમાં પડી ગયો. માળું, આ તો ભારી કામ થાય. નાનકો પરીક્ષામાં પાસ થશે કે નહીં તે જાણી લેવાય. નાનકો એન્જિનિયર થાશે કે નહીં તે જાણી લેવાય.
‘જોકે, ઘણીવાર તો ભવિષ્ય ન જાણવામાં જ ‘ચામ’ છે. બંધુ!’ પંડયાભાઇએ કહ્યું.
ઇ વાત પણ ખોટી નથી, હરિને થયું. પાસ થવાના કે નહીં એનો પણ એક સસ્પેન્શ હોય છે. પહેલેથી જ ખબર હોય તો એનો ‘ચામ’ રહેતો નથી.
હજી તો બેય જણા એની ગડમથલ કરે છે ત્યાં તો અંધારું ઘોર થઇ ગયું. પંડ્યાભાઇએ આંખો ફાડીને આકાશ તરફ જોયું. એકદમ ઘનઘોર ઘટા છવાઇ ગઇ હતી. અને બારીબારણાં બંધ કરે એની પહેલાં તો વરસાદ તૂટી પડયો. વાહ મારા વ્હાલા, હરિએ વિચાર્યું, કરે છે કંઇ.
રાતના રાજા
બહાર વરસાદ ગાજતો હતો. વાતાવરણમાં મજાની ઠંડક હતી. આખાય ઘરમાં ઘનઘોર અંધારું થઇ ગયું. બેઠક ઘરમાં હિંડોળા પર ફૂલની છાબડી લઇને નિકુંજલતાબહેન પૂજા માટે માળા બનાવતાં હતાં તે આઘે મૂકીને આડાં પડયાં. આરામ ખુરશીઓ પર હરિભાઇની અને પંડ્યાભાઇની આંખું મળી ગઇ. અભ્યાસખંડમાં સહદેવ પર આભલાંવાળું કપડું ઢાકેલું હતું તે સહેજ ફરકર્યું અને સભા શરૂ થઇ.
રસોડામાંથી ગેસનો ચૂલો,, ઓસરીમાંથી સાઇકલ, વંડામાંથી ગરમ પાણીનો બંબો, નાનકાના ઓરડામાંથી સાઇકલનો પમ્પ, હિંડોળો, સાંબેલું, ખાંડણી, દસ્તો, સૂડી, કાતર, ઝાડુ એમ એક કરીને બધી ‘ચાલતી’ વસ્તુઓની સભા ભરાઇ. આમ તો બધી જ ચીજોને સભામાં જોડાવાની ઇચ્છા હતી પણ સહદેવે ચુકાદો આપેલો કે જે ચીજ પડી રહેતી હોય તેને સ્વીકારવામાં નહીં આવે. સભા આમ તો દરરોજ રાતે થતી. સભાનું નામ જ હતું. ‘રાતના રાજા’ પણ કોઇ વાર સહદેવે કોઇ સરસ ચીજ લખી હોય કે વાંચી હોય તો આમ અંધારું કરીને ખાસ સભા બોલાવી લેતો. સભામાં સભ્યો પોતપોતાની કૃતિઓનો પાઠ કરતા.
સહદેવે સૌને સંબોધતાં કહ્યું, ‘એય, જેશ્રી કૃષ્ણ.’
બધાંએ કહ્યું, ‘જેશી કૃષ્ણ, જેશી કૃષ્ણ, સહદેવભાઇ.’
અને સહદેવે સભા શરૂ કરી. થોડાક લોકોના ખિસ્સામાંથી પોતપોતાનાં કાવ્યોના કાગળ કાઢવાના અવાજ આવ્યા. એક વાતની સ્પષ્ટતા અહીં જરૂરી છે, કે આ બધું બહુ જુદા લેવલ પર થતું હતું, અને મનુષ્યોને આનો અણસાર પણ આવતો નહીં, અંધારાનુ પ્રયોજન એટલું કે એ રીતે માણસો સૂઇ રહે અને સભ્યોને વાપરવા ન માંડે. બાકી અજવાળું હોય તોય કોઇને ભાન ન પડે કે સભા ચાલે છે. એ બધું બહુ જુદા લેવલ પર થતું હતું.
‘આજની સભાનું પ્રયોજન એ છે કે, કે આજે માણસે મારી આવડત પર શંકા કરી છે. ‘સહદેેવે સર્જકસુલભ આક્રોશથી કહ્યું.’
સભામાંથી ‘ધિક્ ધિક્ ધિક્કાર’ એવા વચન અનેક સભ્યોના મુખે આવ્યા. સહદેવે આગળ જણાવ્યું. ‘આજે…’
‘માની લ્યો કે એક માણસને આપણે પૂછીએ, કે બંધુ તેં ફલાણાના ઘરમાં ચોરી કરી છે?’
‘ચોરી.’
‘હા. અને ઇ માણસ કયે ના. નથી કરી.’ પંડ્યાભાઇ બોલ્યા.
‘હાં. હા!’
‘હવે ઇ માણસ સાચુ બોલે છે કે નહીં, તે આપણે પકડી શકીએ. એટલે? એટલે કે એ ધોરણના સાચની વાત આપણે કરી શકીએ. બાકી ભાઇલા, શાહીમાં ખડિયો છે કે ખડિયામાં શાહી છે તેની વાત તો સમજી ગ્યાને બંધુ.. ભલભલા ઋષિમુનિઓ પણ…’ પંડ્યાભાઇએ પંજા વડે ગુંલાંટિયાનો અભિનય કર્યો અને હરિએ તાળીની આપલે કરી.
સહદેવે વાત પૂરી કરી. બધાં આમાં શું થયું? કંઇક એવા ભાવ સાથે અણસમજણથી જોઇ રહ્યા. સહદેવે સમજાવ્યું.
‘એક માણસ ઊઠીને એમ કહે છે કે મને સનાતન સત્યની ખબર નથી? એને ખબર છે કે સત્યનું અન્વેષણ પોતે એક મિથ્યા, વૃથા ક્રિયા છે? કારણ કે માનવ સિવાય કોઇ અસત્યને ઓળખતું નથી?’ સહદેવનો રાગ સહેજ લાઉડ થઇ ગયો. એણે પોતાની ઘોષણા જારી રાખી.
‘માણસે જ માહોમાંહે લડવા માટે સત્ય અસત્યના વિવાદ સજર્યા છે. એને આ સૃષ્ટિ છે તેટલું પૂરતું નથી. એને આ સૃષ્ટિ સમજવી છે! સહદેવે એક દીર્ઘ ક્ષણ સુધી અધ્ધર મૌન રાખ્યું. પછી પોતાના પ્રશ્ર્નનો ઉત્તર આપતાં કહ્યું.
‘સૃષ્ટિને સમજવા માટે માણસ ખડિયો બનાવે છે! માણસ શાહી બનાવે છે! અને પછી શાહી ખડિયામાં રેડતાં પૂછે છે, ‘ખડિયામાં શાહી છે કે શાહીમાં ખડિયો છે?’ ખડિયામાં ? શાહીમાં? આ ‘માં’ શું છે? મૂઢમતિ માનવો ધારે છે કે સહદેવને સનાતન સત્યની સમજણ ન પડે!’
સભામાંથી સાંબેલાએ ઊભા થઇ પૂછયું, ‘તો એવા હડહડતા અપમાનનો સણસણતો જવાબ આપણે વાસ્તવિકતાની ધીંગી ધરતી પર રહીને આપવા સિવાય છૂટકો નથી. તમે એ પરત્વે શું કરવાના નિષ્કર્ષ પર આવો છો?’
‘મે એક ટૂંકી વાર્તા લખી છે.’ સહદેવે લજજાભાવ રોકવાનો અભિનય કરતા જણાવ્યું. માણસોની સાન ઠેકાણે લાવવાનો આ એક જ ઉપાય મને દેખાયો છે. એમને એમની ભાષામાં જ ઠપકારવા જોઇએ.’
‘જરૂર, જરૂર’ સભાએ બહાલી આપી.
સહદેવે વાર્તા શરૂ કરી :
‘વાર્તાનું નામ છે, ‘હરિકી કહાની કમ્પ્યુટર કી જબાની.’
જગતનો મહિમા
અચાનક હરિની આંખ ખૂલી ગઇ, પંડ્યાભાઇ ‘ફૂલછાબ’ વાંચતા હતા. હરિને થયું લાવ જરાક સહદેવની ચાંપ દબાવીએ. બન્ને જણ સહદેવ પાસે આવી ઊભા. પંડ્યાભાઇએ એની ચાંપ દબાવી.
‘જય શ્રી કૃષ્ણ. પંડ્યાભાઇ.’
‘જે જે. જે જે.’
અને એકદમ સહદેવની સ્ક્રીન પર આ વાર્તા ઉપસી આવી, આ, આજ, અત્યારે તમે વાંચો છો તે. ‘હરિકી કહાની કમ્પ્યુટર કી જબાની.’