મિત્ર એ ઈશ્વરે આપેલી અણમોલ ભેટ છે. જીવનમાં એક સારો મિત્ર ઘણીવાર પરિવાર કરતા પણ વિશેષ નિકટનો સાબિત થાય છે. ખાસ કરીને યુવાનીમાં મિત્રતા નવો જ રંગ જમાવતી હોય છે ત્યારે ખાસ મિત્રને ખોવાનો વસવસો પણ એટલો જ તીવ્ર હોય છે. મિત્રને ખોવાના દુઃખને અનુભવી ચૂકેલા એક યુવાને અન્ય કોઈ આવું દુઃખ ન અનુભવે તે માટે એક સેવાનું કામ હાથમાં લીધું છે અને તેને સફળતાપૂર્વક પાર પાડી રહ્યો છે. રાજપીપળામાં રહેતા નિરજ પટલના ખાસ મિત્રનું ગઈ ઉત્તરાયણમાં દોરીથી ગળુ કપાઈ જતા મોત થયું હતું. આ ઘટનાએ તેને ભારે શોક આપ્યો હતો. આ વખતે હજુ ઉત્તરાયણને ઘણો સમય બાકી હતો ત્યાં વડોદરામા એક યુવાનનું ગળુ ચિરાઈ જવાથી મોતના સામચાર તેણે વાંચ્યા. પોતે તો મિત્ર ખોયો છે, પણ અન્ય કોઈ મિત્ર કે સ્નેહીજન ન ખોઈ તે માટે તેણે દરેક ટૂ વ્હીલરમાં આગળ લોખંડના તારથી બનેલા એંગલ ગાર્ડ લગાડવાનું નક્કી કર્યું.
આ ગાર્ડ ગમે ત્યાં લટકેલી પતંગની દોરીથી વાહનચાલકને બચાવવામા ઘણો મદદરૂપ બને છે, પરંતુ લોકો આળસ કે બેદરકારીના લીધે લગાવતા નથી. આથી આ યુવાન રસ્તા પર ઉભા ઉભા જે પણ ટૂ વ્હીલર નીકળે તેના પર પોતાની જાતે ગાર્ડ લગાવે છે. તેણે ૧૦૦૦ ગાર્ડ લગાડવાની નેમ લીધી છે અને ૭૦૦થી વધારે લગાવી ચૂક્યો છે. આ યુવાનની મિત્રતા અને મિત્રની યાદમાં તેણે કરેલા સેવાકાર્યને સલામ, પણ જનતા શા માટે નથી સમજતી કે તેમની પળભરની મજાથી જ્યારે કોઈનો જીવ જાય છે ત્યારે તેમના સ્નેહીજનોના જીવનમાં કેવો શૂન્યાવકાશ સર્જાય જાય છે?
હાઈ કોર્ટ અને રાજ્ય સરકારના સખત વલણ છતાં પણ ગુજરાતમા જીવલેણ માંઝો વેચાઈ છે અને લોકો ખરીદે પણ છે. આ માંઝાની દોરી ગમે ત્યાં લટકતી રહે છે, જેનાથી મૃત્યુ થવાના અને ઈજાગ્રસ્ત થવાના કેસ રોજ નોંધાતા હોય છે. માણસો સહિત પશુપંખીઓ માટે પણ આ એક ખૂબ જ જોખમી સમયગાળો બની જાય છે. લોકોમાં જાગૃતિ લાવવાના તમામ પ્રયાસો છતાં આ સમસ્યા દરેક ઉત્તરાયણે આવીને ઊભી રહે છે.