બે વર્ષ પહેલાં પાલિકાએ જોખમી જાહેર કરી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલી (પશ્ર્ચિમ)માં સાંઈબાબા નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની ગીતાંજલી બિલ્ડિંગ બપોરના ૧૨.૩૪ વાગે પત્તાંના મહેલની માફક તૂટી પડી હતી. સદ્નસીબે રહેવાસીઓએ વહેલી સવારના જ બિલ્ડિંગ ખાલી કરી નાખ્યું હતું, તેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. મળેલ માહિતી મુજબ અમુક વિવાદને કારણે મેટર કોર્ટમાં હોવાથી રિડેવલપમેન્ટનું કામ અટવાઈ પડ્યું હતું. બે વર્ષ પહેલા જ પાલિકાએ આ ઈમારતને સી-વન શ્રેણીમાં એટલે કે રીપેર થઈ શકે નહીં તેવી જર્જરીત હાલતમાં જાહેર કરી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ બોરીવલી (પશ્ર્ચિમ)માં સાંઈબાબા નગરમાં સાંઈબાબા મંદિર નજીક આવેલી ૪૫ વર્ષ જૂની ગીતાંજલી બિલ્ડિંગની ‘એ’ વિંગ બપોરના ૧૨.૩૪ વાગે ધરાશાયી થઈ હતી. ફાયર બ્રિગેડનાં આઠ ફાયર ઍન્જિન, બે રેસ્ક્યુ વેન, એક ક્વીક રિસ્પોન્સ વેહીકલ અને ત્રણ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.
બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બિલ્િંડગ તૂટવાની જાણ થતા અગાઉ તેમાં અમુક રહેવાસીઓ ફસાઈ ગયા હોવાની વાત બહાર આવી હતી. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું એ દરમિયાન જણાયું હતું કે બિલ્ડિંગ વહેલી સવારે જ રહેવાસીઓએ ખાલી કરી નાખી હતી. તેથી સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ વિંગમાં લગભગ ૨૦ લોકો રહેતા હતા.
મળેલ માહિતી મુજબ બિલ્િંડગને લગભગ બે વર્ષ પહેલાં જ જોખમી જાહેર કરી હતી અને ત્યારે જ પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરવા માટે કહ્યું હતું, પરંતુ રિડેવલપમેન્ટને લઈને રહેવાસીઓના આપસમાં મતભેદ ચાલી રહ્યા હતા. તેમાં પાછું બે ડેવલપર વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો હતો, તેથી મેટર કોર્ટમાંં હોવાથી પાલિકા રહેવાસીઓને ઈમારતમાંથી બહાર કાઢી શકી નહોતી.
બિલ્ડિંગના અન્ય રહેવાસીના જણાવ્યા મુજબ શુક્રવારે વહેલી સવારના પાંચ વાગ્યાથી બિલ્ડિંગમાં ધ્રુજારી અનુભવી હતી. બે-ત્રણ વખત બિલ્ડિંગમાં ધુ્રજારી જણાતા તુરંત રહેવાસીઓ ડરી ગયા અને એકબીજાને જાણ કરીને લોકોએ શક્ય હોય એટલું સામાન લઈને ઘરની બહાર નીકળી ગયા હતા. સવાર સુધીમાં મોટા ભાગના લોકોએ પોતાના સામાન સાથે બિલ્ડિંગ ખાલી કરી નાખી હતી. અમુક લોકોનું સામાન કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ૧૨ વાગે બિલ્ડિંગ પત્તાંના મહેલની માફક અચાનક તૂટી પડી હતી. સદ્નસીબે એ સમયે બિલ્ડિંગમાં કોઈ નહોતું.
પાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર નિવૃત્તિ ગોંધાલીના જણાવ્યા મુજબ બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૦માં આ બિલ્ડિંગને સી-વન શ્રેણીમાં એટલે કે અત્યંત જોખમી શ્રેણીમાં હોવાની જાહેર કરી હતી. ત્યાર બાદ પાલિકાએ રહેવાસીઓને આ બિલ્ડિંગ ખાલી કરવા માટે કહ્યું હતું. જોકે બિલ્ડિંગના રહેવાસીઓ કોર્ટમાં ગયા હતા. આ પ્રકરણ હાઈ કોર્ટમાં હોવાથી પાલિકા દ્વારા ઈમારત ખાલી કરાવી શકાઈ નહોતી. છેવટે શુક્રવારે બપોરના આ બિલ્ડિંગ તૂટી પડી હતી. આ બિલ્ડિંગ તૂટ્યા બાદ જોકે પાલિકાએ ગીતાંજલિની બાજુની વિંગના લાઈટ પાણીના જોડાણ બપોરના કાપી નાખ્યા હતા. તેથી હવે આ લોકોએ પણ બિલ્ડિંગ ખાલી કરવી પડશે.

 

Google search engine