પ. રેલવેના પ્રવાસીઓ ધ્યાન આપે, ડિલાઈલ બ્રિજના કામકાજ માટે આજે ફરી પશ્ચિમ રેલવેમાં ચાર કલાકનો નાઈટ બ્લોક

આમચી મુંબઈ દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ડિલાઈલ બ્રિજના કામકાજ માટે સતત બીજા દિવસ દરમિયાન પશ્ચિમ રેલવેમાં ચાર કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે. લોઅર પરેલ ખાતેના રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજ માટે લોઅર પરેલ ખાતેની તમામ લાઈનમાં રાતના ૧.૧૦ વાગ્યાથી વહેલી સવારના ૫.૧૦ વાગ્યા સુધી ચાર કલાકના વિશેષ બ્લોકને કારણે અમુક ટ્રેનોને રદ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને આંશિક રીતે રદ રાખવામાં આવી છે. લોઅર પરેલ સ્થિત આરઓબીના કામકાજ માટે ગુરુવારની માફક શુક્રવારે રાતના બ્લોક લેવામાં આવશે, જે આગામી બે-ત્રણ દિવસ લઈ શકાય છે, પરંતુ ખાસ કરીને ટ્રેનોને વધુ સમય અસર થાય નહીં તેની તકેદારી રાખવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

આજે લોઅર પરેલ ખાતેના વિશેષ-ટ્રાફિક બ્લોક દરમિયાન આજે રાતના ૧૨.૩૧ વાગ્યાની ચર્ચગેટ-અંધેરી, રાતના એક વાગ્યાની ચર્ચગેટ-અંધેરી, જ્યારે વહેલી સવારના ૪.૧૯ વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી, ૪.૦૪ વાગ્યાની અંધેરી-ચર્ચગેટ, ૩.૫૦ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ અને ૫.૩૧ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ રદ રાખવામાં આવી છે. આજે રાતના ૧૨.૩૦ અને ૧૨.૦૫ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ સ્લો અને વિરાર-ચર્ચગેટ સ્લો લોકલને એક્સ્ટ્રા ફાસ્ટ લોકલ ચલાવાશે, જ્યારે શનિવારની વહેલી સવારની ૪.૧૫ વાગ્યાની ચર્ચગેટ-વિરાર ચર્ચગેટ-બાંદ્રા અને ૪.૩૮ વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી લોકલ ચર્ચગેટ-દાદર વચ્ચે રદ રહેશે. વિરારથી સવારના ૩.૨૫, નાલાસોપારાથી ૩.૪૦, વિરારથી ૩.૫૩ વિરાર-ચર્ચગેટ અને ભાયંદરથી ૪.૦૫ વાગ્યાની લોકલ નિર્ધારિત સમયથી પંદર મિનિટ મોડી ઉપાડવામાં આવશે. ઉપરાંત, ૪.૪૫ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ રદ રહેશે, પરંતુ એ મલાડથી ૪.૪૫ વાગ્યે ઉપાડાશે, જ્યારે બોરીવલીથી સવારના ૪.૦૨ વાગ્યાની ચર્ચગેટ લોકલ દાદર તથા ૪.૧૪ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ સ્લો લોકલને બાંદ્રા સુધી દોડાવાશે, એમ જણાવાયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.