(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક હબ ગાંધીધામ- કંડલા સંકુલ વિસ્ફોટકોના ઢગલા પર હોવાનો અહેસાસ કરાવતી વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે જેમાં બંદરીય કંડલા પાસેથી પસાર થતી પેટ્રોલિયમ પદાર્થોનું વહન કરતી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનની હાઈસ્પીડ પાઇપ લાઇનમાં કોઈ કારણોસર ભયાનક આગ ભભૂકી ઊઠતાં સંબંધિત જવાબદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આ ઘટના અંગે અગ્નિશમન દળના અસીમ ચક્રવર્તી પાસેથી જાણવા મળેલી પ્રાથમિક વિગતો અનુસાર, કંડલાના ખારીરોહર પાસેથી પસાર થતી એચ.પી.સી.એલ.ની અંદાજિત ૯૦૦૦ કિલોલિટર પેટ્રોલિયમ પદાર્થનું વહન કરતી લાઈનમાં કોઈ અગમ્ય કારણોસર રાત્રીના નવ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. દૂર દૂર સુધી આગના ગોળા અને કાળા ધુમાડાઓ ફેલાઈ જતાં આસપાસના વિસ્તારોના લોકોમાં ભારે ભય ફેલાયો હતો.ભયાનક આગને બુઝાવવા ચાર ફાયર ટેન્કર, અગ્નિશમન દળના ત્રીસ જેટલાં ટેન્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને દોઢેક કલાક સુધી ફોર્મનો મારો ચલાવીને દાવાનળ પર કાબૂ મેળવી લેવાતાં સૌએ રાહતનો દમ લીધો હતો. આગ શા માટે લાગી તેનું સચોટ કારણ જાણવા નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી હોવાનું ફાયર વિભાગના એડવર્ડ બ્રેડીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કંડલા બંદર પર રહેલા સ્ટોરેજ ટેન્કમાં રિસાવ-બ્લાસ્ટ, ઝેરી ગેસ ગળતર જેવી અનેક દુર્ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે.