સંતાનનું વ્યક્તિત્વ ઘડવામાં પિતાનો વર્તાવ બહુ મોટો ભાગ ભજવે છે

ઉત્સવ

વિખ્યાત અભિનેતા અનુપમ ખેર પ્રાથમિક શાળામાં ભણતા હતા એ વખતે સાતમા ધોરણની પરીક્ષામાં માત્ર ૩૮ ટકા માર્ક્સ સાથે પાસ થયા ત્યારે…

સુખનો પાસવર્ડ-આશુ પટેલ

હમણાં દસમા ધોરણના વિદ્યાર્થીઓનાં પરિણામો આવ્યાં. એ પછી ઘરોમાં માતમ જેવું વાતાવરણ ફેલાઈ ગયું. સ્વાભાવિક રીતે બધા છોકરાઓ ઊંચા માર્ક્સ સાથે પાસ ન થયા હોય. આ સમય દરમિયાન એક કિસ્સો જાણવા મળ્યો, જેમાં એક વિદ્યાર્થીને દસમા ધોરણમાં ઓછા માર્ક્સ આવ્યા એટલે તેના પિતાએ તેને ફટકાર્યો અને દુભાઈને, દુ:ખી થઈને તે ટીનેજર વિદ્યાર્થી ઘર છોડીને ભાગી ગયો. જોકે તે છોકરો શોધખોળ પછી મળી ગયો, પરંતુ એ સંજોગોમાં કદાચ તે છોકરાએ આત્મહત્યા કરી લીધી હોત!
હું અગાઉ અનેક વખત લખી ગયો છું કે દસમા કે બારમા ધોરણની પરીક્ષામાં પાસ થવું મહત્ત્વનું છે કે જીવનની પરીક્ષામાં?
એસએસસી કે એચએસસી (કે બીજા કોઈ બોર્ડ)ની પરીક્ષામાં પાસ થનારા છોકરાઓ મોટા થઈને કારકુન કે એકાઉન્ટન્ટ કે સેલ્સમેન બને એવા કેટલાય કિસ્સાઓ મેં જોયા છે, તમે પણ જોયા હશે.
સંતાન દસમા કે બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થાય એટલે તેના પર અત્યાચાર ગુજારવો કે ગુસ્સો કરવો યોગ્ય ન ગણાય. આપણા દેશમાં દર વર્ષે પરીક્ષામાં નિષ્ફળતા મળવાને કારણે અથવા તો પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરને કારણે કેટલાય વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે. આ કોઈ પણ દેશ માટે આઘાતજનક અને શરમજનક વાત ગણાય. દરેક વિદ્યાર્થી હોશિયાર હોય એવું જરૂરી નથી. બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં કંઈ પ્રથમ નંબરે ન આવી શકે કે નેવું કે પંચાણુ ટકા માર્ક્સ ન લાવી શકે.
સંતાન દસમા કે બારમા ધોરણની પરીક્ષામાં હોય ત્યારે ઘણાં ઘરોમાં જાણે અકાળે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય એવો માહોલ જોવા મળતો હોય છે. ઘણા વડીલો ગર્વભેર કહેતા હોય છે કે ‘અમારો દીકરો દસમા (કે બારમા) ધોરણમાં આવ્યો એ સાથે જ અમે ઘરમાંથી કેબલ કનેક્શન કઢાવી નાખ્યું!’
આ ગર્વની નહીં શરમની વાત છે.
પિતા અને પુત્ર વચ્ચે (કે પિતા અને પુત્રી વચ્ચે) સંવાદ થતો રહેવો જોઈએ. પિતા સંતાનને માટે બોજરૂપ ન હોવા જોઈએ (અને સંતાન પણ પિતા માટે બોજરૂપ ન હોવું જોઈએ).
ઉપરોક્ત કિસ્સો જાણીને મને વિખ્યાત અભિનેતા અનુપમ ખેરની આત્મકથા ‘લેસન્સ લાઇફ ટોટ મી અનનોઈંગ્લી’માં તેમણે લખેલો એક કિસ્સો યાદ આવી ગયો. (એ નવલકથાની ગુજરાતી આવૃત્તિ પણ ‘જાણતાં-અજાણતાં જીવને શીખવેલા પાઠ’ શીર્ષક સાથે થોડા સમય અગાઉ જ માર્કેટમાં આવી.) એ પુસ્તકમાં અનુપમ ખેરે તેમના જીવનની ઘણી બધી રસપ્રદ વાતો લખી છે. એમાં પરીક્ષામાં નબળું પરિણામ આવ્યા પછી તેમના પિતાએ કેવી પ્રતિક્રિયા આપી એ રસપ્રદ કિસ્સો દરેક વડીલે વાંચવા જેવો છે. એ કિસ્સો અનુપમ ખેરના શબ્દોમાં જ અહીં મૂકું છું: ‘હું જ્યારે ધોરણ સાતમા હતો ત્યારે મેં મારું રિપોર્ટ કાર્ડ સહી કરવા મારા પપ્પાને આપ્યું. તેઓ કંઈ વાંચ્યા વગર જ હંમેશાં સહી કરી દેતા, પણ તેમણે પહેલી વાર મારું રિપોર્ટ કાર્ડ ધ્યાનથી વાંચ્યું અને મને કહ્યું કે ‘બહુ ઓછા માર્ક છે. તારા હાઈએસ્ટ માર્ક ૩૮ છે અને ઓવરઓલ રેન્ક ૫૯ છે. તારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે?’
મેં જવાબ આપ્યો, ‘સાંઠ વિદ્યાર્થીઓ છે.’
આ સાંભળીને પપ્પાએ પોતાનું મફલર ઉતાર્યું અને ખૂણા પરની ખુરશીમાં બેઠા. થોડો સમય ચૂપ રહ્યા પછી તેમણે કહ્યું કે ‘મારે તને કંઈક કહેવું છે. જે વિદ્યાર્થી અભ્યાસમાં ફર્સ્ટ આવે છે તે કાયમ ખૂબ પ્રેશરમાં રહે છે, કારણ કે દર વખતે તેના પર ફર્સ્ટ આવવાનું પ્રેશર રહે છે. તે ક્લાસમાં સેક્ધડ આવે તો પણ નાસીપાસ થઈ જાય છે, પણ જે વિદ્યાર્થી ૬૦ વિદ્યાર્થીના ક્લાસમાં ૫૯મો આવે છે તેને કોઈ ટેન્શન રહેતું નથી, કારણ કે બીજા વર્ષે તેનું પરિણામ ઉપર જઈ શકે છે. તે ક્લાસમાં ૪૬, ૨૭ કે ૧૮મો નંબર લાવી શકે છે. તો થોડોક પ્રયાસ કરજે કે આવતી વખતે તારો નંબર ૪૬મો આવે.’
અનુપમ ખેરે લખ્યું છે કે ‘એ દિવસે હું એક સાધારણ માણસ પાસેથી અવિસ્મરણીય પાઠ ભણ્યો. સિગ્મંડ ફ્રોઇડના શબ્દો છે કે મને નથી લાગતું કે બાળપણ માટે પિતાના સંરક્ષણથી મોટી કોઈ બીજી જરૂરિયાત હોઈ શકે.’
છેલ્લે અનુપમ ખેરના જીવનના એક કિસ્સા સાથે જ લેખ પૂરો કરીએ. ખેરના શબ્દોમાં જ વાંચો એ કિસ્સો: આજે ચોતરફ પેરેન્ટ્સ પોતાનાં બાળકો પર પરિણામનું અસહ્ય પ્રેશર બનાવી રહ્યા છે ત્યારે હું નસીબદાર હતો કે મને એવા પિતા મળ્યા જેની સેન્સ ઑફ હ્યુમર લાજવાબ હતી અને હું સદાય એનો પ્રશંસક રહ્યો છું. હું ટીનેજ હતો એ સમયમાં એક છોકરી સાથે માલ રોડ પર ટહેલી રહ્યો હતો ત્યારે સામેથી મારા પપ્પાને આવતાં જોઈને હું ઓક્વર્ડ ફીલ કરવા લાગ્યો અને સખત ડરી પણ ગયો. છોકરીએ મને પૂછ્યું કે ‘તને અચાનક શું થઈ ગયું?’
મેં તેને કહ્યું કે સામેથી આવી રહેલો માણસ મારો પડોશી છે અને મેં જોરથી મારા પપ્પાને કહ્યું કે ‘નમસ્તે, અંકલજી!’ તેમણે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો, ‘નમસ્તે બેટા. તારા પપ્પાને મારી યાદ આપજે!’
અનુપમ ખેરના પિતાએ બહુ ઓછા ટકા માટે ખેરને માર્યા હોત કે દબાણ કર્યું હોત અથવા કોઈ છોકરી સાથે ફરવા માટે ફટકાર્યા હોત તો અનુપમ ખેરનું વ્યક્તિત્વ કદાચ અલગ રીતે ઘડાયું હોત. સંતાનનું વ્યક્તિત્વ ઘડવામાં પિતાનો વર્તાવ બહુ મોટો ભાગ ભજવે છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.