વન્ય પ્રાણીનો ડર શું હોય તે અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને આવા પ્રાણીઓના હુમલાઓ જોઈ ચૂકેલા કે તેના વિશે સાંભળી ચૂકેલા જ સમજી શકે, તો પછી જેમના પર હુમલો થયો હોય તેમના ડર નું શું. જંગલી પ્રાણીઓની વચ્ચે રહેવું અને રોજીરોટી માટે ઘરની બહાર નીકળવું બન્ને ફરજિયાત થઈ ગયું હોય ત્યારે પોતે જ કોઈ રસ્તો શોધવો પડતો હોય છે. આવું જ વિચારી ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભાટકોટા ગામના ખેડૂત અને ભૂતપૂર્વ સરપંચ ભરત બારોટ પોતે જ પિંજરામાં પુરાઈ જાય છે.
ભરતભાઈનું અહીં ખેતર છે. થોડા સમય પહેલા તેમણે દીપડાને જોયો હતો. ગામ લોકોને કહ્યું તો કોઈ માન્યું નહીં. થોડા સમય બાદ દીપડાએ ભરતભાઈ પર હુમલો કર્યો. તેમના ગામમાં બનેલી આ પહેલી ઘટના હતી. તે બાદ લોકો માનવા માંડ્યા ને ડરવા પણ માંડ્યા. દીપડા મોટે ભાગે સાંજે સાત વાગ્યા પછી ગામ તરફ આવતા હોય ને ઢોરનું મારણ કરતા હોય, અહીં સાજે સાતેક વાગ્યે લોકડાઉન જેવો માહોલ હોય અને લોકો ઢોરને પણ બને તેટલી સુરક્ષિત જગ્યાએ બાંધી દેતા હોય છે.
જોકે ભરતભાઈ પોતના ખેતરમાં જાય છે. સાથે એક ધાબડો અને લાઠી લે છે. તેમણે દસેક હજાર ખર્ચી મોટું પાંજરું બનાવ્યું છે. ત્યાં તેઓ પોતાના ખેતરના પાકનું રક્ષણ તો કરે છે, પરંતુ સાથે સાથે ગામના લોકોનું રક્ષણ કરે છે અને દીપડો આવ્યાનું જણાઈ તો ગામના લોકોને સતર્ક પણ કરે છે. લગભગ છ મહિનાથી તેઓ આમ કરી રહ્યા છે. 700 જણાનું આ ગામ દીપડાના ડરમાં જ જીવે છે.
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર વન વિભાગ જરૂરી પગલા લેતું નથી. ભરતભાઈ દીપડાના ડર કરતા પણ દીપડાથી રક્ષણ કરવા પિંજરે પુરાયા છે, પરંતુ આ કામ સ્થાનિક તંત્ર અને વન વિભાગનું છે, સામાન્ય જનતાનું નથી, પરંતુ અહીં તો માણસ બિચારો પોતે પાંજરે પુરાઈ ગામના લોકોનું રક્ષણ કરી રહ્યો છે. જોકે આ એક ગામનો પ્રશ્ન નથી. માનવસતિ અને વન્ય પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ દિવસે દિવસે ગંભીર બનતો જાય છે. આનો હલ સ્થાનિક નહીં, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે લેવાય અને જંગલો કાપવાનું બંધ થાય તો જ શક્ય છે, પણ માનવ મનની લાલચ અને આટલી વિશાળ જનસંખ્યાની જરૂરતોને કારણે જંગલોનો નાશ થઈ રહ્યો છે અને વન્યજીવો માનવ વસાહતોમાં આવવા મજબૂર બન્યા છે.