પરંપરા અને આધુનિકતાના મિશ્રણનું સપનાનું ઘર

લાડકી

લાઈમ લાઈટ -હેમંત વૈદ્ય

ના મહેલ, ના ફુવારા, ના ફૂલો ઝરમર અજાયબ,
તોય આનંદના પર્યાય જેવું ઘર અજાયબ
– જગદીપ ઉપાધ્યાય
ઘરનું ઘર હોવું એ એક એવું સપનું છે, જે દરેક પરિવાર અને પરિવારની દરેક વ્યક્તિ જુએ છે. દરેકના મનમાં પોતાના ઘરની એક કલ્પના હોય છે કે મારું ઘર આવું હોય. ગરીબ અને મધ્યમવર્ગ માટે તો પોતાના સપના પર નાની-મોટી કાતર ફેરવીને પણ એક ઘર બની જાય તો ભયોભયો. વતનથી દૂર રહેનાર માટે વતનમાં એક ઘર હોવું એટલે માત્ર પોતાની માટી સાથે જોડાવું જ નહીં, પણ પોતાના બચપણ સાથે, માતા-પિતાના બચપણ સાથે જોડાયેલા રહેવું પણ છે. કંઈક આવી જ ભાવના સાત સમંદર પાર ગયેલા ભારતીયોની પણ હોય છે.
સોળ, સોળ વર્ષથી વાણી ક્ધનન અને તેમના પતિ બાલાજી ઈંગ્લેંડમાં સ્થાયી થયા હતાં. વાત વર્ષ ૨૦૦૯ની છે, જ્યારે વાણી પોતાનું પહેલું બાળક આ દુનિયામાં આવે તેના દિવસો ગણી રહી હતી, ત્યારે તેમના માટે જીવનનો એક મોટો નિર્ણય લેવાની ઘડી પણ આવી હતી. બાળક આવવાના આનંદ સાથે, આત્મનિરીક્ષણની ઘડી અને ત્યાંથી જ અણજાણ્યે પણ, તેમણે પોતાના સપનાના ઘર તરફ ડગલાં ભર્યા.
બિઝનેસ એનાલિસ્ટમાંથી યોગ શિક્ષિકા બનેલા વાણીએ કહ્યું, “ગર્ભાવસ્થા દરમ્યાન મેં બાળકના બાળોતિયાં, પ્લાસ્ટિકનો બાટલીઓ અને બાળકને ખવડાવવાની બાટલીઓ સહિત ઘણી વસ્તુઓ ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આ બધી વસ્તુઓ અમે ખરીદવાનો વિચાર કરી રહ્યા હતાં. પણ ત્યારે જ મારા ધ્યાનમાં આવ્યું કે એક બાળકનો ઉછેર કરવાના નામ ઉપર આપણે પ્રકૃતિ વિરુદ્ધ કેટલા કામ કરીએ છીએ. આ વાતનો અહેસાસ થતાં જ વાણી અને તેમના પતિ બાલાજીએ રીયુઝેબલ વિકલ્પો વિશે વિચારવાનું ચાલુ કર્યું. તેમની પોતાની જાણ બહાર તેમનામાં ટકાઉપણાની ચિનગારી પ્રગતિ ચુકી હતી. માટે, જયારે ૨૦૧૦માં તેમની બાળકીનો જન્મ થયો ત્યારે સભાનપણે તેમણે એવી વસ્તુઓ વાપરવાની ઓછી કરી જેનાથી પર્યાવરણને હાનિ પહોંચતી હોય.
સૌથી પહેલાં તો પોતાના બાળક માટે ઘરમાં બનાવેલું બેબી ફૂડ અને રીયુઝેબલ નેપી વાપરવાનું શરૂ કર્યું. (યાદ છે આપણા બાળપણમાં આપણી માતા સુતરાઉ કપડાંના બાળોતિયાં વાપરતા તે?) તેમ છતાં તેઓ જાણતા હતા કે આ પર્યાપ્ત નથી. પૃથ્વી અને પર્યાવરણ માટે તેઓ વધુ કરવા માંગતા હતા. ૨૦૧૮માં વાણી અને બાલાજી ભારત પરત ફર્યા. વાણી કહે છે, “અમારી ઈચ્છા હતી કે અમારા બાળકો ભારતીય સંસ્કૃતિમાં મોટા થાય. મેં મારા બાળકોને કોવઇ (કોયમ્બતૂર)માં વૈકલ્પિક શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો. જોકે, મને તેનાથી પણ સંતોષ નહોતો. અહીં વૈકલ્પિક શિક્ષણ, પરંપરાગત શિક્ષણ જેવું જ હતું. મને લાગ્યું કે જો મારે બાળકોને જીવન શિક્ષા આપવી હોય, તો કદાચ મારે તેમને હોમસ્કૂલ આપવી પડશે. મેં બાળકોને ઘણા વિષયોમાં સામેલ કર્યા, જેમાંથી એક ઘર બનાવવા વિશે પણ હતું.
લગભગ એ જ સમયે, ૨૦૨૦માં તેમણે ઘર લેવાનો પણ વિચાર કર્યો અને બેંગલુરુમાં ઘર શોધવાની શરૂઆત કરી. પણ ત્યાં ઍપાર્ટમેન્ટની કિંમતો સાંભળીને તેઓ ચોંકી ગયા. તેમણે પોતાનું ઘર બનાવવાનો નિર્ણય કર્યો. વાણી કહે છે કે, “બેંગલુરુમાં એક ‘મહીજા’ નામે કંપની છે જે એક દશકથી સસ્ટેઈનેબલ ઘર બનાવે છે. અમારા ઘર માટે પણ અમે તેમનો સંપર્ક કર્યો.
દંપતી જણાવે છે કે તેમના મનમાં જેવો વિચાર હતો તે પ્રમાણે શરૂઆત ખૂબ સારી રહી. તેમને ૨૪૦૦ વર્ગ ફૂટ ની જમીન મળી ગઈ અને એક એવો આર્કિટેક્ટ પણ જે સસ્ટેઇનેબિલિટી સાથે તમને ઘરને ચાર ચાંદ લગાવી દે.
‘મહીજા’ સાથે ત્રણ વર્ષથી જોડાયેલા આર્કિટેક્ટ અનિરુદ્ધ જગન્નાથન કહે છે, “તેમની ઈચ્છા હતી કે તેમનું ઘર બહુ પરંપરાગત ન દેખાય. પછી વાત આવી ઘર બનાવવા વાપરવાની સામગ્રીની. અનિરુદ્ધ માને છે કે લોકો મોટે ભાગે દેશી અને સ્થાનિક ઘરો માટે ઇકો-ફ્રેન્ડલી સામગ્રી જ અનુકૂળ સમજે છે. આ સમજ બદલવા તેણે ઘરને બને તેટલું આધુનિક બનાવવાનો નિર્ણય કર્યો.
પણ આપણી જેવા સામાન્ય માણસો ને સવાલ એ થાય કે એક પરંપરાગત ઘર અને એક સસ્ટેઈનેબલ (ટકાઉ) ઘરમાં ફેર શું? તેનો જવાબ અપાતા અનિરુદ્ધ કહે છે, “પરંપરાગત ઘરમાં સામગ્રી ઉપર વધુ ખર્ચ અને મજૂરી ઉપર ઓછો ખર્ચ થાય છે, તો ટકાઉ ઘરમાં શ્રમમાં વધારો અને સામગ્રીનો ખર્ચ ઓછો કરવાનો હોય છે.
આ રીતે બેંગલુરુમાં આ દંપતીના માટીના ઘર તરફની યાત્રા શરૂ થઇ. ૨૦૨૧માં શરૂ થયેલો પ્રોજેક્ટ ૨૦૨૨ પૂરો થયો. ત્રણ મહિનાથી વાણી અને તેમનો પરિવાર નવા ઘરમાં રહી રહ્યા છે. તેમના કહેવા મુજબ અત્યાર સુધીનો તેમની જિંદગીનો સૌથી સારો નિર્ણય આ જ હતો. આઇટી પ્રોફેશનલ બાલાજી કહે છે, “અમારી દીકરીનો જન્મ એ પ્રસંગ હતો જયારે અમે ઇકો-ફ્રેન્ડલીની દિશામાં વિચારવાનું શરૂ કર્યું. ત્યારથી અમારો દરેક નિર્ણય આ દિશા સાથે જોડાયેલો રહ્યો છે. એક ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવવું એ અમારી પૃથ્વી માટે કંઈક કરવાની રીત છે.
આ ઘર બનાવવા જે ઈંટોનો ઉપયોગ થયો છે તે છ તત્ત્વથી બનાવી છે. – સાત ટકા સિમેન્ટ, માટી, લાલ માટી, સ્ટીલ બ્લાસ્ટ, ચુનાનો પથ્થર અને પાણી. તો છત બનાવવા મડ બ્લોકનો ઉપયોગ થયો છે. ઘરની ચાર દીવાલો અને છત બાદ, રસોડા તરફ વળીએ, તો ઘરના ભોજન માટે ઘરની બહાર હજાર ફૂટનું કિચન ગાર્ડન બનાવ્યું છે, જેમાં મેથી, લીમડો, કોથમીર વગેરે ઉગાડ્યા છે. જોકે વાણીના જણાવ્યા મુજબ પોતાની જૈવિક ખેતીનું આ નાનકડું રૂપ છે. થોડા સમય પહેલા જ તેમણે બે એકર જમીન લઈને તેના ઉપર ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી. પોતાના ભોજનમાં વપરાતી તાજી વસ્તુઓ તેમની પોતાની ઉપજ છે.
વાણી બેંગલુરુમાં ફર્નિચર બજારમાં ખરીદી કરી રહ્યા હતા, ત્યાં તેમણે એક રસપ્રદ સ્ટોલ જોયો જેમાં એક વ્યક્તિ ભંગાર બની ગયેલ લાકડાઓ ખરીદી, તેને રિસાઇકલ કરીને નવી ચીજો બનાવીને વેચી દેતો હતો. વાણી કહે છે, અમે અમારા ‘ડ્રિમ હાઉસ’ની બારીઓ આવી સામગ્રીથી જ બનાવી હતી. નવું લાકડું ખરીદવા કરતા તે વીસ ટકા સસ્તું પડે છે. અમારા ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર એંસી વર્ષ જૂનું છે. આ સાગનો દરવાજો એક જુના ઘરમાંથી ખરીદ્યો હતો. નવો સાગનો દરવાજો ૬૦,૦૦૦ રૂપિયામાં પડે, તેની સામે આ જૂનો દરવાજો અડધી કિંમતમાં પડ્યો. નિર્માણ દરમ્યાન બચેલા લાકડાંમાંથી તેમણે બુક શેલ્ફ બનાવડાવ્યા અને આ ઘરની ખાસિયત એ છે કે એસી ન હોવા છતાં તેમાં સારી એવી ઠંડક રહે છે.
વાણીનું કહેવું છે કે “અમને ક્યારેય કૃત્રિમ ઠંડકની જરૂર નહોતી. ઘરમાં સાંજે ૬.૩૦ પછી જ લાઈટ કરવાની જરૂર પડે છે, તેની પહેલા સનરુફથી કુદરતી પ્રકાશ આવતો રહે છે. ઘર બનાવતી વખતે કુદરતી પ્રકાશનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તે ઉપરાંત વીજળી ઉપકરણો વાપરવા હોય તો પણ સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે. વાણીના કહેવા મુજબ, ‘ઓન-ગ્રીડ’ સિસ્ટમના માધ્યમથી ઉત્પાદિત વધારાની વીજળી ત્રણ રૂપિયા પ્રતિ યુનિટના હિસાબે પછી ગ્રીડને મોકલાવી શકાય છે. તેમના ઘરે ૪.૮ કિલો વોટની ૧૧ સોલાર પેનલ લગાવી છે, જેથી તેમને વીજળીનું બિલ નથી ભરવું પડતું. વાણી કહે છે, “જયારે અમારું ઘર બની રહ્યું હતું ત્યારે અમારા બાળકો તેની ઈંટો ઉપર પાણી નાખી રહ્યા હતા અને અમે સુતારને જુના લાકડા ઉપર કુશળતાથી કામ કરતા જોતા હતા. નિર્માણ પ્રક્રિયાનો ભાગ બનવામાં બહુ આનંદ આવ્યો.
વાણી કહે છે કે, મજૂરોનું પણ સમ્માન કરવું જોઈએ. તમારો તેમની સાથે તમારો એક સંબંધ બંધાઈ શકે છે. ઘર બનાવતી વખતે મનમાં સ્પષ્ટ ખ્યાલ પણ હોવો જોઈએ કે તમને શું જોઈએ છે. અંતે દંપતી એ વાત પર જોર આપે છે કે ઘર બનાવવાની દરેક પ્રક્રિયાનો તમે હિસ્સો બનો. એ આખી પ્રક્રિયાનો આનંદ લેવો જોઈએ. ઘર તમે બનાવડાવ્યું નહિ, પણ બનાવ્યું તેનો અહેસાસ કદાચ ત્યારે જ થાય જયારે આપણે પણ નિર્માણ પ્રક્રિયાનો હિસ્સો બનીએ. ખરું ને?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.