મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક હોઈ તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું પાલિકાનું આર્થિક વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ આજે શનિવારે કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ઈકબાસિંહ ચહલે રજૂ કર્યું હતું. કોઈ પણ જાતના કરવેરા નહીં વધારતા, માળાખીય સુવિધા પર ભાર આપતા ૬૫.૩૩ કરોડનું સરપ્લસવાળું ૫૨,૬૧૯ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૪ ટકા વધુ છે.
આ વખતે પાલિકાના શિક્ષણ બજેટમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. શિક્ષણ માટે આ વખતે બજેટમાં ૩,૩૪૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈગરાઓ પર કોઈ પણ પ્રકારનો વધારાનો ટેક્સનો બોજો નાખવામાં આવ્યો નથી.
બજેટમાં સાર્વજનિક પરિવહનના મહત્વને ધ્યાનમાં રાખીને, બેસ્ટ ઉપક્રમને તેની ઓપરેશનલ સિસ્ટમ સુધારવા માટે મદદ કરવા માટે ૨૦૨૩-૨૪ના બજેટમાં ૧૮૦૦ કરોડની જોગવાઈની દરખાસ્ત કરવામાં આવી છે. સાર્વજનિક આરોગ્ય પર ભાર આપવામાં આવ્યો છે, જેમાં પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં અનેક પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવવાની છે. પાલિકાએ બજેટમાં ફૂટપાથથી લઈને રસ્તા તથા મુંબઈગરાને પુરતા પ્રમાણમાં પાણી મળી તે માટે અનેક પ્રકારની જાહેરાત કરી છે. તેમ જ વિકાસલક્ષી પ્રોજેક્ટોને વર્ષના અંત સુધીમાં પૂરા કરવાનો નિર્ધાર પણ રાખ્યો છે.