(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવવા ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળતા સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૬થી ૨૧૭નો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી જળવાઈ રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૬ ઘટીને રૂ. ૫૬,૧૫૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૧૭ ઘટીને રૂ. ૫૬,૩૮૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ સામે મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ કિલોદીઠ રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૬૫,૭૭૦ના મથાળે રહ્યા હતા.
આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સમાં આગામી વ્યાજદરમાં વધારા અંગે કોઈ સંકેત આપવામાં આવે છે કે નહીં તેના પર રોકાણકારોની નજર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ૧૮૩૫.૭૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૧૮૪૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
બજાર વર્તુળોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આગામી મે સુધીમાં બૅન્ચમાર્ક વ્યાજદર પાંચ ટકા સુધી વધારશે અને જુલાઈ સુધીમાં તે વધારીને ૫.૩૦૮ ટકા સુધી લઈ જશે. જો આવતીકાલે જાહેર થનારી મિનિટ્સમાં આક્રમક વ્યાજવધારાનો સંકેત આપવામાં આવશે તો સોનાના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
સોનામાં ₹ ૨૧૬નો ઘટાડો, ચાંદીમાં ₹ ૧૦નો મામૂલી સુધારો
RELATED ARTICLES