કવર સ્ટોરી -ગીતા માણેક
આસપાસ નજર કરશો તો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અગાઉ જેટલાં નિ:સંતાન દંપતીઓ જોવા મળતાં હતાં એના કરતાં અત્યારે તેની સંખ્યા ઘણી વધારે છે. આના માટેનું એક કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે, જે વૈજ્ઞાનિકો માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે.
તાજેતરમાં આંતરરાષ્ટ્રિય સંશોધકોની એક ટીમે કરેલા અભ્યાસમાં એ જોવા મળ્યું છે કે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્ર્વભરમાં પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં વરસે-વરસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સંશોધન ત્રણેક મહિના અગાઉ હ્યુમન રિપ્રોડક્શન અપડેટ નામની જરનલમાં પ્રકાશિત થયો હતો. આ સંશોધન માટે ૨૦૧૧-૨૦૧૮ દરમિયાન એટલે કે સાત વર્ષમાં ૫૩ દેશોમાંથી ડેટા ભેગો કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસ કરતી વખતે દરેક પ્રદેશમાં અગાઉના ડેટા સાથે સરખાવવામાં આવ્યો હતો. ખાસ તો સાઉથ અમેરિકા, એશિયા અને આફ્રિકામાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
વૈજ્ઞાનિકો કહે છે કે શુક્રાણુઓની સંખ્યા
ફક્ત માનવ પ્રજોત્પત્તિનું જ નહીં પણ પુરુષોના સ્વાસ્થ્યનું પણ માપદંડ ગણાય છે. શુક્રાણુઓની
સંખ્યા ઓછી હોય તેવા પુરુષોને લાંબા
સમયની માંદગીઓ, ટેસ્ટિક્યુલર કૅન્સર અને ટૂંકી આવરદાનું પણ સૂચક બને છે એવું સંશોધકોનું
કહેવું છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શુક્રાણુઓમાંનો આ ઘટાડો વૈશ્ર્વિક સ્તરે ચિંતાજનક છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આધુનિક પર્યાવરણ અને લાઇફસ્ટાઈલ છે. વાયુ, જલનું પ્રદૂષણ તેમ જ અન્ન, શાકભાજી, ફળો વગેરેમાં પેસ્ટીસાઇડ તેમ જ અન્ય રસાયણો, ફાસ્ટફૂડ તેમ જ પેક્ડ ફૂડ્સનું પ્રમાણ આ પરિસ્થિતિ માટે બહુ મોટા પાયે જવાબદાર છે.
અભ્યાસુઓ કહે છે એ પ્રમાણે જો આ રીતે જ શુક્રાણુઓની સંખ્યા ઘટતી રહી તો લાંબા ગાળે માનવ પ્રજાતિના અસ્તિત્વનો પ્રશ્ર્ન પણ આવીને ઊભો રહી શકે છે.
આ અભ્યાસ અનુસાર ૨૦૦૦ની સાલ પછી પુરુષોના ટોટલ સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ કોનસ્નટ્રેશનમાં વૈશ્ર્વિક સ્તરે ઘટાડો નોંધાયો છે. પુરુષોમાં શુક્રાણુઓના ઘટાડાનો આ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એમાંથી ભારત પણ બાકાત નથી. આપણા દેશમાં પણ સખત અને નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે એવું ઇઝરાઇલની જેરૂસલામ ખાતેની હિબ્રુ યુનિવર્સિટીના પ્રોફેસર હેગાઈ લેવિન સોઈ ઝાટકીને કહે છે.
આ અભ્યાસ મુજબ ૪૬ વર્ષમાં આખા વિશ્ર્વમાં કાળેક્રમે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા પચાસ ટકા જેટલી ઘટી છે. આ ખરેખર ચિંતાજનક અને નવાઈ પમાડે એવા આંકડાઓ છે.
આ અભ્યાસમાં શુક્રાણુઓના ઘટાડાનાં કારણો વિશે બહુ ઊંડો અભ્યાસ નહોતો કરવામાં આવ્યો પણ પ્રોફેસર લેવિનના કહેવા અનુસાર લાઇફ સ્ટાઇલ અને વાતાવરણમાંના કેમિકલ ખૂબ જ મોટા પાયે જવાબદાર છે. શુક્રાણુઓની ઘટતી સંખ્યાને વૈજ્ઞાનિકો બહુ ગંભીર સમસ્યા ગણાવે છે.
ભારતમાં તો સામાન્ય રીતે દંપતીને બાળક ન થતું હોય તો મોટા ભાગે સ્ત્રીને જ જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ રિસર્ચ કહે છે કે આઇવીએફની ત્રણ સાઇકલ જો નિષ્ફળ જાય તો એમાંની સરેરાશ એક સાઇકલ નિષ્ફળ થવાનું કારણ પુરુષોમાં ઘટી રહેલા શુક્રાણુઓ છે.
આ પરિસ્થિતિમાંથી બચવાનો એક જ માર્ગ વૈજ્ઞાનિકો સૂચવે છે અને એ છે કે આપણે વધુ સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ સર્જવા માટેના પ્રયાસો કરવા પડશે, કારણ કે અત્યારે પર્યાવરણમાં જે પ્રમાણેનું પ્રદૂષણ છે એમાં શુક્રાણુઓની સંખ્યા ઘટતી રહે એવી સંભાવના જણાય છે. જ્યાં સુધી ભારતનો પ્રશ્ર્ન છે અહીં એક અલગ અભ્યાસ થવો જોઈએ એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. જેથી અહીં અત્યારે હકીકતમાં શું પરિસ્થિતિ છે એનો ક્યાસ મેળવી શકાય. જો કે એવું માની લેવાની ભૂલ કરવા જેવી નથી કે ભારતના પુરુષોમાં આ પ્રકારના ઘટાડાનો ટ્રેન્ડ નહીં જોવા મળે.
જોકે વૈજ્ઞાનિકોના એક વર્ગનું કહેવું છે કે શુક્રાણુઓની સંખ્યા ઘટવાથી પુરુષોની પ્રજોત્પત્તિ કરવાની ક્ષમતા ઘટી છે કે ઘટશે એવું માની લેવાનું કારણ નથી. તેઓ માને છે કે શુક્રાણુઓની સંખ્યા ઘટવાની અસર પુરુષોના આરોગ્ય પર વધુ જોવા મળે છે. આને તેઓ ટેસ્ટિક્યુલર ડાયજેનેસિસ સિન્ડ્રોમ કહે છે.
પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં દર વર્ષે સરેરાશ એક ટકાનો ઘટાડો થવાની અસર પુરુષોના
સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. આને કારણે ટેસ્ટિક્યુલર કૅન્સર, હોર્મોન્સમાં વિક્ષેપ, નર બાળકોની જનેન્દ્રિયમાં ક્ષતિ વગેરે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.
શુક્રાણુઓના ઘટવાને કારણે શું અસર થઈ શકે એ વિશે વૈજ્ઞાનિકોમાં મતમતાંતર છે, પણ બધા જ વૈજ્ઞાનિકો સાગમટે એક વાત તો સ્વીકારે જ છે કે આ બાબતમાં વધુ અભ્યાસ થવો જોઈએ. શુક્રાણુઓ ઘટવાનાં કારણો જાણીને તેને દૂર કરવાના પ્રયાસો થવા જોઈએ. ખાસ કરીને વાતાવરણમાં જે પ્રદૂષણ છે એના ઉપાયો નહીં કરવામાં આવે તો લાંબા સમયે માનવ જાતિના અસ્તિત્વ પર જ પ્રશ્ર્નાર્થ ચિહ્ન ઊભો થઈ જશે.