ભાવનગર: જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા ગોતમેશ્ર્વર રોડ ઉપર દીપડીયા ડુંગર ઉપરથી દીપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ભાવનગર જિલ્લાના સિહોરમાં સિહોરી માતાના ડુંગરોમાં આજે વહેલી સવારે દીપડાનો મૃતદેહ દીપડીયા ડુંગર નજીક ઓમ ચંદન બાપુના આશ્રમ નજીકથી મળ્યાની વિગતો પ્રાપ્ત થતાં ફોરેસ્ટ અધિકારીઓએ કાફલા સાથે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અંગે ફોરેસ્ટ અધિકારી બી. આર. સોલંકીએ જણાવ્યું હતું કે,આજે સવારે સિહોર તાલુકાના ગોતમેશ્ર્વર રેવન્યુ વિસ્તારમાંથી ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ દીપડાનો મૃતદેહ વડાળ પી.એમ અર્થે લઈ જવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.