નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

એક વખત એવું બન્યું, કાદરખાનને એક પત્રકારે સવાલ કર્યો કે તમે તમારી ડાયલોગ રાઇટર તરીકેની સફળ ફિલ્મી કારકિર્દીમાં અમિતાભ બચ્ચન તરફ પક્ષપાત રાખ્યો છે અને તમારા ઉત્તમ ડાયલોગ બધા અમિતાભને માટે જ તમે લખ્યા છે, એવું કેમ? કાદરખાને જવાબમાં કહ્યું કે એવું નથી કે મેં ઉત્તમ ડાયલોગ બધા અમિતાભ માટે જ લખ્યા છે, પણ અમિતાભ એવો એકટર છે કે એ જે ડાયલોગ બોલે એ ઉત્તમ બની જાય છે!
કાદરખાને આપેલા જવાબની સત્યતા તપાસવી હોય તો એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ફિલ્મ ‘શરાબી’ છે. પ્રકાશ મહેરા, કાદરખાન, ભપ્પી લહેરી, અંજાન, કિશોર કુમાર, આશા ભોંસલે, પ્રાણ, ઓમ પ્રકાશ, જયા પ્રદા અને અમિતાભ બચ્ચને રૂપેરી પરદા પર સર્જેલી બેનમૂન કવિતા ફિલ્મ ‘શરાબી’ છે. શરાબી ફિલ્મના ડાયલોગ અતિ ઉત્તમ પ્રકારના નથી પણ અમિતાભ બચ્ચન જે રીતે પરદા પર એ ડાયલોગની રજૂઆત કરે છે એ કલાકારી અતિ ઉત્તમ છે, એટલે એ ડાયલોગ શોભી ઊઠે છે. અમિતાભ બચ્ચનના મુખમાંથી નીકળતા સંવાદ સિનેમાના પરદા પર એમની એક્ટિંગ સાથે શોભી ઊઠે છે. ‘મુકદર કા સિકંદર’ ફિલ્મમાં અતિ સામાન્ય કહેવાય એવા સંવાદ, ‘અમા, મિલાલો યાર, સિકંદરને બહોત કમ લોગો સે હાથ મિલાયા હૈ ઝીંદગીમેં’ આજે પણ કહેવતની કક્ષાએ પહોંચીને અમર થઈ ગયા છે!
आज इतनी भी मयस्सर नहीं मैखाने मैं
जितनी हम छोड दिया करते थे पैमाने मैं।
-दिवाकर राह
આ શેર શરાબીમાં અમિતાભે બોલ્યા પછી અમર થઈ ગયો છે ફિલ્મપ્રેમીઓના દિલોમાં. અને ‘શરાબી’ ફિલ્મના સંવાદોની થોડીક ઝરમર જુઓ સાહેબ,
झूठ बोलता है यह… झूठ बोलता है।
मैं हूं इनका इकलौता बेटा. बचपन से जो शराब मैं डूबोया तो अभी तक लडखडा रहा हूं. मेरी जितनी उम्र है उतने मिनट भी नहीं बितायें है इन्होेंने मेरे साथ। आपको प्यार क्या खाक देंगे?
ऐसा नही कि इनके दिल मैं प्यार नहीं है. है. बहुत प्यार है… मगर सिर्फ रुपयों के लिए। ये तो एक मशीन है. जो नोट छापती है और नोट खाती है. बस, और कुछ नहीं।
मुझे भी अपनी जिन्दगी मैं थोडा-सा प्यार मिला था. लेकिन, इन्होने अपनी दौलत की तलवार से मेरे प्यार का गला काट दिया. एसे कातिल से आप प्यार की आस लगाए बैठे हैं। हाय…
मैं समझता था कि मैं एक करोडपति बाप की औलाद हूँ. लेकिन, मुझे आज पता चला कि मैं तो एक भिखारी की औलाद हूं.
સુપરસ્ટાર કલાકારને મોંઘી ફી આપીને ફિલ્મમાં લેતા સર્જકોનો ફિલ્મ સુપરહિટ કરવા માટેનો એક નુસખો એ હોય છે કે લોકલાડીલા સુપરસ્ટાર પર જ સતત કેમેરો રાખવો અને ફિલ્મની ખૂબ ઓછી ફ્રેમ એવી બનાવવી જેમાં સુપરસ્ટારની પરદા પર ગેરહાજરી હોય. આ રીતે ફિલ્મ બનાવવાથી સુપરહિટ ફિલ્મ થવાની શક્યતાઓ વધી જાય છે અને સુપરસ્ટારને ચૂકવેલી મોંઘી ફી વસૂલ કરવા કલાકારનો કસ કાઢી લેવાય છે. શરાબી ફિલ્મમાં પ્રકાશ મહેરાએ આ વાતનો વધુમાં વધુ ઉપયોગ કર્યો છે. આખી ફિલ્મમાં ખૂબ ઓછી ફ્રેમ એવી છે જેમાં અમિતાભ બચ્ચનની હાજરી નથી. અમિતાભ શા માટે મહાનાયક છે એ સમજવા પણ એક વખત શરાબી ફિલ્મ અભ્યાસુ વૃત્તિથી જોવી જ જોઈએ.
શરાબી ફિલ્મનું બધું ઉત્તમ જો અમિતાભને બાદ કરીને બીજા કોઈપણ અભિનેતા પાસે ભૂમિકા કરાવો તો સામાન્ય બની જાય એ હકીકત છે, ફક્ત અને ફક્ત અમિતાભની જ ટોટલ ફિલ્મ હોય તો એ ફિલ્મ શરાબી છે. મનમોહન દેસાઈની અમર અકબર એન્થની ફિલ્મમાં દિલીપકુમાર અભિનીત કોહિનૂર ફિલ્મની શરાબી સિક્વન્સ અમિતાભને ભજવવાની તક મળી અને એ સિક્વન્સ બેહદ લોકપ્રિય બની. અને એનાથી પ્રેરાઈને શક્તિ, સતે પે સતા, હમ જેવી ફિલ્મમાં પણ એવી સિક્વન્સ ઉમેરવામાં આવી પણ પ્રકાશ મહેરાએ તો પૂરી ત્રણ કલાકની બહેતરીન ફિલ્મ જ બનાવી કાઢી એક અંગ્રેજી ફિલ્મ ‘આર્થર’ જોઈ અને પ્રકાશ મહેરાએ એ ફિલ્મમાંથી પ્રેરણા લઈને ‘શરાબી’ ફિલ્મ બનાવીને અમિતાભ બચ્ચનનો કસ કાઢી લીધો! મુન્શી રાયચંદ તલકની ભૂમિકા ઓમ પ્રકાશે અદ્ભુત અભિનયની જુગલબંદીનો દાખલો બેસાડતી ભજવી છે આ ફિલ્મમાં. અને હિન્દી ફિલ્મોના સંવાદો વગરના બહેતરીન અભિનય દર્શાવતા સીનોનો ઉલ્લેખ જ્યારે પણ કરવામાં આવશે ત્યારે ‘શરાબી’ ફિલ્મમાં મુન્શી રાયચંદ તલક યાને ઓમપ્રકાશ સાહેબની ચિતાને અગ્નિદાહ આપીને ગમગીન અને ખાલીખમ થઈ ગયેલો અમિતાભ બચ્ચનને સદા યાદ કરવામાં આવશે.
અમિતાભ અને પ્રાણની એક્ટિંગની જુગલબંધી અનેક ફિલ્મોમાં જમાવટ કરે છે જેવી કે, જંઝીર, ડોન, કાલિયા, અમર અકબર એન્થની, નસીબ વગેરે. ડોન અને જંઝીર ફિલ્મ વખતે તો પ્રાણ સાહેબને એ ફિલ્મમાં સૌથી વધુ ફી મળેલી. પ્રાણ અને અમિતાભની જબરદસ્ત જુગલબંધી શરાબી ફિલ્મમાં પણ ઉભરી આવે છે. એક એકટર તરીકે પ્રાણ સાહેબની સૌથી મોટી ખૂબી એ હતી કે પ્રાણ સાહેબ હમેશાં એમની દરેક ફિલ્મમાં એમની ભૂમિકા મુજબ જ સંયમિત ઍક્ટિંગ કરતા હતા, એમને ઘણા સીનમાં છવાઈ જવાની તક મળી હોય ત્યારે પણ એ પોતાની ભૂમિકા મુજબ ‘માપ માં રહેતા!’ આ કારણે જ હિન્દી ફિલ્મમાં પ્રાણ સાહેબ સાથે કોઈ એકટર કામ કરવા માટે ના કહી હોય એવો દાખલો કદાચ જ મળે, મનોજ કુમાર પણ પ્રાણ સાથે કામ કરે અને દિલીપકુમાર, રાજ કપૂર, દેવ આનંદ પણ કરે.
શરાબી ફિલ્મ જ્યારે ૧૯૮૪માં રિલીઝ થઈ ત્યારે પહેલે દિવસે ભાવનગરના અપ્સરા થિયેટરમાં સાંજના સાત વાગ્યાના શોમાં જોઈ હતી અને થિયેટરમાં એવા દર્શકો પણ હતા જે ફિલ્મ અધૂરી છોડીને ચાલી ગયા અને અમારી જેવા દર્શકો પણ હતા જે ફિલ્મ પુરી થયે એકદમ આનંદીત થઈ ગયેલા. એકદમ મેલોડ્રામા અને નાટક જેવી રજૂઆત છતાં શરાબી ફિલ્મ એટલે અમિતાભને કાઢી લ્યો તો ઘણું ઘણું ઘટી જાય અને અમિતાભને ઉમેરો એટલે કંઈ ન ઘટે. ૧૯૮૪માં બનેલી ‘શરાબી’ ફિલ્મ યુ ટ્યુબમાં કોઈએ પર્સનલી મુકેલી છે ૨૦૦૮માં અને એ ફિલ્મ જોનારા આજે તો એક કરોડ આસપાસ દર્શકો પહોંચી ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.