(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચીનમાં કોવિડ-૧૯ મહામારીના વધી રહેલા પ્રસારની સાથે અન્ય દેશોમાં પણ મહામારીનો ફેલાવો વધે તેવી ભીતિ સપાટી પર આવતાં આજે સત્રના આરંભમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં જોવા મળેલો ૩૦૪.૧૭ પૉઈન્ટનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે ૬૩૫.૦૫ પૉઈન્ટના ઘટાડા અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં સત્રના આરંભે જોવા મળેલો ૮૮.૦૫ પૉઈન્ટનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે ૧૮૬.૨૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેમ જ આજના કડાકામાં બીએસઈ ખાતે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૪.૫૩ લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થઈ ગયું હતું.
આજે સ્થાનિક તેમ જ વૈશ્ર્વિક સ્તરે કોવિડ-૧૯ મહામારીનો ફફડાટ સપાટી પર આવતા બજાર પર મંદીવાળાઓએ પકડ મજબૂત બનાવતાં એક તબક્કે સેન્સેક્સમાં ૭૬૩.૯૧ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૨૨૨.૫૫ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, ત્યાર બાદ ખાસ કરીને આઈટી અને ફાર્મા શૅરોમાં બાર્ગેઈન હંટિંગ નીકળતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો અનુક્રમે ૬૩૫.૦૫ પૉઈન્ટ અને ૧૮૬.૨૦ પૉઈન્ટ સુધી સિમિત
રહ્યો હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે બીએસઈ ખાતે સત્રના અંતે બજારનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪,૫૩,૭૯૬.૧૭ કરોડ ઘટીને રૂ. ૨,૮૨,૮૬,૧૬૧.૯૨ કરોડની સપાટીએ રહ્યું હતું.
સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી આજે માત્ર સાત શૅરના ભાવ વધીને અને ૨૩ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરમાં સૌથી વધુ ૧.૬૭ ટકાનો સુધારો સન ફાર્મામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચસીએલ ટૅક્નોલૉજીસમાં ૧.૦૧ ટકાનો, ટેક મહિન્દ્રા અને ટીસીએસમાં ૦.૭૫ ટકાનો, નેસ્લેમાં ૦.૪૯ ટકાનો, વિપ્રોમાં ૦.૨૧ ટકાનો અને ઈન્ફોસિસમાં ૦.૧૫ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં સૌથી વધુ ૨.૨૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મારુતિમાં ૨.૦૪ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૯૫ ટકાનો અને બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને ટાટા મોટર્સમાં ૧.૮૮ ટકાનો ઘટાડો આવ્યો હતો.