એક ચર્ચાસ્પદ કાંડ, ત્રણ ફિલ્મ

મેટિની

…કારણ કે પ્રેમ, બેવફાઈ, ધિક્કાર, હિંસા અને દેશભક્તિનું પંચામૃત તેમાં હતું

ફિલ્મનામા -નરેશ શાહ

આ ખરેખર અનોખી વાત છે કારણ કે શહીદ ભગતસિંહ પર આપણે ત્યાં એકથી વધુ ફિલ્મો બની છે અને ગોધરાકાંડ કે મુંબઈના સિરિયલ બ્લાસ્ટ કે કોમી તોફાનને (આતંક્વાદની જેમ) છૂટીછવાઈ ફિલ્મો બનતી રહી છે પરંતુ ૧૯૬૦ના દશકામાં બનેલાં એક ચર્ચાસ્પદકાંડ અને હત્યાના કેસ પરથી આપણે ત્યાં ત્રણ ફિલ્મ બની ચૂકી છે અને છેલ્લે બનેલી ફિલ્મ તો સુપરહિટ થઈ હતી. એ ફિલ્મ અક્ષ્ાયકુમારની રૂસ્તમ અને એ કાંડ એટલે નાણાવટી ખૂનકેસ.
નાણાવટી ખૂન કેસ આમપણ ભારતીય કાનૂન વ્યવસ્થામાં એક કાયમી બદલાવ લાવવામાં નિમિત્ત બન્યો હતો એટલે ફાસ્ટ ફોરવર્ડ શૈલીમાં આ આખો કિસ્સો સમજી લઈએ. ભારતીય નૌસેનાના એક અધિકારીની પત્ની, એક અન્ય પુરુષ્ાના પ્રેમમાં પડી જાય છે, જે સંયોગવશ નૌસેના અધિકારીનો મિત્ર હતો. ડયૂટી પરથી આવેલાં અધિકારીને પત્નીના આ અફેરની ખબર પડી જાય છે અને ઉશ્કેરાટમાં એ પત્નીના પ્રેમીનું, પોતાના જ મિત્રની હત્યા કરી નાખે છે… ૧૯૬૦ ના દશકામાં આ કેસ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. નીચલી કોર્ટની જયૂરીએ નૌસેના અધિકારીને સજા કરવાની બદલે નિર્દોષ્ા જાહેર કરી દીધા તેથી ચર્ચાઓ બેવડાઈ ગઈ હતી.
જો કે ઉચ્ચ ન્યાયાલયે નૌસેના અધિકારીને આજીવન કારાવાસની સજા કરી હતી પરંતુ જયૂરીના વિવાદાસ્પદ ચુકાદા પછી ભારતીય કોર્ટમાંથી જયૂરીની પ્રથા રદ કરી નાખવામાં આવી હતી અને એ આ ચર્ચાસ્પદકાંડની મોટી ફલશ્રુતિ ગણાય.
એ અલગ વાત છે કે, નૌસેના અધિકારીને પછી સજામાં માફી મળી હતી અને એ પરિવાર ભારત છોડીને વિદેશમાં સેટલ થઈ ગયો હતો પણ નાણાવટી ખૂનકેસ તરીકે જાણીતી આ સત્ય ઘટના પરથી સ્પષ્ટ રીતે બનેલી ફિલ્મ રૂસ્તમ હતી. અક્ષ્ાયકુમાર અને ઈલિઆના ડિક્રુઝ અભિનીત આ ફિલ્મના પ્રચારમાં જ નાણાવટી ખૂનકેસને બેધડક ટાંક્વામાં આવતો હતો અને ફિલ્મની પંચલાઈન પણ એ કેસ પર આધારિત હતી : થ્રી શોટસ ધેટ શોકડ ધ નેશન. ખરેખર તો આ ઘટના બની ત્યારે બ્લિટઝ અખબારે પ્રથમ પાને આ હેડિંગ (હેડલાઈન) બાંધ્યું હતું.
પ્રેમ, બેવફાઈ, ધિક્કાર અને હિંસા તેમજ દેશદાઝનું પંચામૃત એ વખતે આખા દેશને હચમચાવી ગયું હતું કારણ કે હત્યાનો જેના પર આરોપ લાગેલો, એ ખરેખર તો દેશની રક્ષ્ાા કરનારો સપૂત પણ હતો. હત્યા જેવો ગંભીર ગુનો થયો હોવા છતાં મોટાભાગના લોકોને નૌસેના અધિકારી માટે સિમ્પથી હતી અને એટલે જ કાયદો તેની સામે કેટલાં કઠોર કદમ લે છે, એ જાણવાનું કુતૂહલ મોટાભાગના સમજુ લોકોમાં સળવળતું હતું.
અક્ષ્ાયકુમારની રૂસ્તમ ફિલ્મ ર૦૧૬માં રિલીઝ થઈને તરત સો કરોડની કલબમાં સામેલ થઈ ગઈ પણ સચ્ચાઈ એ છે કે આ જ નાણાવટી ખૂનકેસ પર એ પહેલાં બે ફિલ્મ બની ગઈ હતી. એક ફિલ્મ તો દિગ્ગજ અને ધીરગંભીર સર્જક ગણાતા ગુલઝારસાહેબે જ બનાવી હતી. વિનોદ ખન્નાને મુખ્ય પાત્રમાં ચમકાવતી અચાનક નામની આ ફિલ્મની રિલીઝ વખતે પણ ક્યાંય નાણાવટી ખૂનકેસનો ઉલ્લેખ નહોતો થયો પણ એ પ્રેરિત તો ચોક્કસપણે તેનાથી જ હતી. દરઅસલ ગુલઝારની અચાનક ફિલ્મ ખ્વાજા અહેમદ અબ્બાસની થર્ટીન્થ વિકિટમ પરથી બનાવવામાં આવી હતી પરંતુ તેનો કથાસાર જુઓ: એક આર્મી ઓફિસરને તેની પત્નીની બેવફાઈની ખબર પડે છે અને…
બેશક, ગુલઝારસાહેબ પાસેથી તમે કોર્ટ ડ્રામાની અપેક્ષ્ાા ન જ રાખી શકો. અચાનકમાં પણ ફિલ્મ હૉસ્પિટલના બિછાનેથી ભાગી છૂટવા માંગતા આર્મી ઓફિસર અને તેના ભૂતકાળ (ફલેશબેક) પર જ ફોક્સ હતી. આશ્ર્ચર્યની વાત તો એ છે કે ગુલઝારસાહેબ ઉમદા ગીતકાર હોવા છતાં ૧૯૭૩માં (રૂસ્તમના તૈતાલિસ વર્ષ્ા પહેલાં) રિલીઝ થયેલી અચાનકમાં એકપણ ગીત નહોતું.
અચાનક રિલીઝ થયાના ય દશ વરસ પહેલાં ૧૯૬૩ મા આ જ નાણાવટી ખૂનકેસ પરથી યે રાસ્તે હૈ પ્યાર કે નામની ફિલ્મ (સુનિલદત્ત, લીલા નાયડુ, રહેમાન અને અશોકકુમાર) બની હતી, જે શરૂઆતના ત્રણેક ગીતો પછી છેક સુધી કોર્ટ રૂમ ડ્રામા જ હતી.
આ ફિલ્મનું નિર્માણ અભિનેતા સુનિલ દત્તની નિર્માણ સંસ્થા અજંતા આર્ટસે ર્ક્યું હતું. એ નાણાવટી ખૂનકેસ પર જ હતી છતાં ફિલ્મના આરંભે ડિસ્કલેમર મુકાયું હતું કે આ એક કાલ્પનિક વાર્તા છે…
સત્ય ઘટના દર્શાવવામાં ક્યારેક એટલી કાનૂની અડચણ આવી જતી હોય છે કે કરોડોના ખર્ચે બનેલી ફિલ્મ થિયેટરનું મ્હોં જોઈ શક્તી નથી. તેથી જ આવા ડિસ્કલેમર મુકાતાં હોય છે. તેનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ તો ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.