Homeલાડકીવધતી ઉંમરનો સાતત્યપૂર્ણ સ્વીકાર

વધતી ઉંમરનો સાતત્યપૂર્ણ સ્વીકાર

મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

વરસાદી માહોલ આખા શહેર પર છવાયેલો હતો, પરંતુ લગભગ પંદર માળની એ હાઈ રાઈઝ બિલ્ડિંગના આઠમા માળે આવેલ ઑફિસના કચોકચ ભીડાયેલ કાચની બારી દરવાજા અને ઓફિસમાં પ્રસરાયેલી એ.સી.ની ઠંડક વચ્ચે ત્યાં કામ કરી રહેલા કોઈપણ વ્યક્તિને બહાર ગોરંભાયેલ આકાશ પણ નહોતું દેખાતું અને ઉકળાટ પણ નહોતો અનુભવાતો.
સાંજે બધુંજ કામ આટોપતા કેષાને થોડું મોડું તો થયેલું જ હતું એટલે ઉતાવળા પગલે એ લિફ્ટ તરફ વળી ત્યાંજ બહાર ઊભેલા સિક્યોરિટી ગાર્ડે એને માહિતી આપી કે, મેડમ, થોડી વાર રોકાઈ જાઓ બહાર તો ખૂબજ વરસાદ છે, પરંતુ રોકાઈ જવું એને પોસાઈ એમ ક્યાં હતું?? ઘરે ગયા પછી જે બીજી નોકરી શરૂ થવાની હતી એ ફરજમાંથી તો પોતે રજા પણ લઇ શકે એમ નહોતી. આમ પણ જે ફરજો લાગણીના તાંતણે બંધાય જાય છે એ ફરજીયાત બની જતી હોય છે. પોતે છેલ્લા ચાર પાંચ કલાકથી ફોનને હાથ નથી લગાડ્યો એ અચાનક યાદ આવ્યું બાકી તો એને ખ્યાલ આવત કે બહાર શું માહોલ છે અને શું ચાલી રહ્યું છે.
વરસાદના કારણે બગડેલી લિફ્ટને કારણે પગથિયા ઊતરતી વખતે કાચમાંથી નીચે રસ્તા પર નજર પડતા જ એને ખ્યાલ આવ્યો કે રસ્તા પર તો પગ મૂકી શકાય એટલી જમીન પણ નથી દેખાતી. વરસતા વરસાદમાં પાર્કિંગમાં પડેલી કાર સુધી પહોંચતા કેષા લગભગ પલળી જ ગઈ.
આગળના કાચ પર જોરથી પછડાતા વાઈપરની એકધારી ગતિ વચ્ચે ધૂંધળા કાચમાંથી ઝીણી નજરે જોતા રોજ ચકચકતા ડામરના રસ્તાઓ પર આજે ઘૂંટણ સુધીનું પાણી ફરી વળેલુ દેખાયું, છતાં પણ એણે હિંમત કરી એક્સિલેટર પર પગ દબાવી દીધો. ચાલુ વરસાદે અડધા રસ્તા સુધી જેમ તેમ પહોંચ્યા પછી વધતા જતા પાણીના સ્તર વચ્ચે આગળ જઈ શકે એવી કોઈજ શક્યતા ના દેખાતા પરાણે, ના છુટકે બાજુમાં દેખાતા વિશાળ મોલના પાર્કિંગ તરફ પોતાની ગાડી વાળવી પડી.
લગભગ દોડતા અંદર પહોંચ્યા પછી પહેલું કામ એણે ઘરે ફોન લગાડી પોતાની પરિસ્થિતિ અંગે જાણ કરવાનું કર્યું. પછી નિરાંતે કૉફી શોપમાં બેસી થોડો રાહતનો શ્ર્વાસ ખેંચ્યો ત્યાંજ અચાનક સામેથી દસ-પંદર તરુણાવસ્થા વટાવીને ત્રીસીમાં પ્રવેશેલી કે એનાથી થોડી મોટી ઉંમરની સ્ત્રીઓનું એક ટોળું અંદર પ્રવેશ્યું.
બે -ચાર સ્ત્રીઓને બાદ કરતા એકંદરે દ્રશ્ય એવું રચાયું હતું કે જાણે તેઓમાં પોતાના પહેરવેશ, હાલચાલ અને ઢબ એ દરેકમાં પોતાની ઉંમર કરતાં નાના દેખાવાની હોડ ના લાગેલી હોય? ગરમ કૉફીની ચુસ્કી લેતા લેતા એને વિચાર આવ્યો કે, આવું શા માટે? વ્યક્તિ મનથી યુવાન રહે એ જરૂરી છે, પરંતુ બાહ્ય જગતને દેખાડવા જાતને પરાણે યુવાનીમાં ખેંચી જવાથી કોઈ અર્થ સરે ખરો? અંદરથી ખોખલા થઈ ગયેલા મન-મગજને માત્ર દેખાડા માટે યુવાન બનાવવાનું કારણ એને ક્યારેય સમજાયું નહોતું. એ વાત સાચી છે કે સદા યુવાન રહેવા માટે યુવાન લોકો સાથે રહેવું, વાતચીત કરવી, નવું અપનાવવું ને નવું શીખવું, પરંતુ પરાણે યુવાન દેખાવાના પ્રયત્નો ક્યારેક ઠસ્સાદાર વ્યક્તિત્વને છીછરું બનાવી દે છે એ ફરક મોટાભાગની સ્ત્રીઓ સમજી શકતી નથી.
કહેવાય છે ને કે ભૂતકાળ સારો હોય કે ખરાબ એ મોટાભાગે આપણને દુ:ખ જ આપે છે અને છતાં પણ આપણે સૌને હંમેશાં જિંદગીનાં ટેપ રેકોર્ડરમાં રીવાઈન્ડ બટન દબાવવું વધારે ગમતું હોય છે. જિંદગીના ફોરવર્ડ બટનમાં રસ ધરાવનારા લોકો બહુ ઓછા જોવા મળે છે. તરુણાવસ્થા અને મધ્યાવસ્થાની વચ્ચેના સમયમાં અટવાતી યુવતીઓમાં પોતાની જાતને નાની ગણાતી જનરેશનમાં ગણતરી સાથે તાલ મેળવવાની તાલાવેલી લાગેલી હોય છે. જેના કારણે પોતાની ઉંમર કરતાં નાના દેખાવાની, પોતાની ઉંમરની સ્ત્રીઓની સરખામણીમાં યુવાન લાગવાની હોડને કારણે ધરાર
એવા જ પરિધાન, આચાર-વિચાર અને વાણી વર્તન કરનારી સ્ત્રીઓ અંદરથી એવું માને છે કે તેઓ હજુ પણ ટીનએજર છે, પરંતુ દરેક ઉંમરની પોતાની એક ગરિમા હોય છે.
યુવાવસ્થાએ એક શોભાયમાન વ્યક્તિત્વ હોવું અને અશોભનીય દેખાવ હોવો એમાં શું અંતર હોય એ જો યુવતીઓ દ્વારા સમજી લેવામાં આવે તો તેની ઉંમરને અનુરૂપ વ્યક્તિત્વ કેળવી શકે છે.
ઉંમરમાં આવતા બદલાવને સન્માનપૂર્વક સ્વીકારતી માનુની જીવનને વધુ સારી રીતે માણી શકે છે.
વધતી ઉંમરના વધતા અભરખા મર્યાદામાં સારા લાગે. અમર્યાદિત કંઈ પણ સારું નહીં એ આપણે ક્યાં નથી જાણતા હોતા!
મનથી યુવાન રહેવું, વિચારોથી યુવાન રહેવું, જિંદગીને જોવાની દૃષ્ટિ યુવાન રાખવી એ જરૂરી છે. યુવાન, તાજગીથી તરબતર વ્યક્તિઓ સાથે સાયુજ્ય કેળવવું એ પણ જરૂરી છે, પરંતુ એ બિલકુલ જરૂરી નથી કે ઉંમરને નજરઅંદાઝ કરવી અને વ્યક્તિત્વને નિખાર આપવાને બદલે ઉંમરના અર્થનું નિકંદન કાઢવું એ શાણપણ નથી.
જિંદગીની દરેક અવસ્થાની પોતાની એક આગવી ઓળખ હોય છે સ્ત્રી એને ઓળખી શકવા સક્ષમ બને
અને પોતાનું વ્યક્તિત્વ ગરિમાપૂર્ણ બનાવે એ કોઈપણ અવસ્થાએ અત્યંત આવશ્યક છે. પોતાની જાતને સામર્થ્ય બક્ષવા આતુર યુવતીઓએ ઉંમરનો સાતત્યપૂર્ણ સ્વીકાર કરવો જ રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular