Homeવીકએન્ડન્યૂ ઝીલેન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા આર્ડનને ગોપનીય અને ખુલ્લો પત્ર!!!

ન્યૂ ઝીલેન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા આર્ડનને ગોપનીય અને ખુલ્લો પત્ર!!!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

ડીયર જેસિન્ડાબેન,
પ્રધાનમંત્રીણીજી,
ન્યૂ ઝીલેન્ડ સરકાર,
ઓકલેન્ડ
જય ન્યૂ ઝીલેન્ડ!!
તમે અમને ઓળખતા નથી. હું ગિરધરલાલ ગરબડીયા, રિપોર્ટર બખડજંતર ચેનલ અને રાજુ રદી કેમેરામેન, ફ્રોમ ગાંધીનગર-ગુજરાત-ઇન્ડિયા. લેન્ડ ઓફ ગાંધીજી!!
સુજ્ઞ શ્રી જેસીન્ડાબેન (અમારે ત્યાં મહિલાના નામ પાછળ ગાય-ભેંસના પૂછડાની જેમ બેન! નામનું લટકણિયું લગાવવામાં આવે છે. કેમ કે,,ભારત મારો દેશ છે અને બધા ભારતીય મારા ભાઇ બહેન છે. જો કે, સગવડ મુજબ બેચાર ભાઇ-બેનને બાદ કરી શકાય!!) આજે અમે એકસો પાંત્રીસ કરોડ છીએ . રન્નાદે માતા ઉર્ફે વસ્તી માતાજીની અસીમ પરમ, નિસીમ ઉદાર કૃપાથી ૨૦૫૦ માં ૧૬૮ કરોડ થઇ જઇશું. બીજા ક્ષેત્રમાં નંબર વન બનીએ કે ન બનીએ વસ્તીમાં નંબર વન બની જઇશું. અમે સૌનો સાથ, સૌનો પ્રયાસ (અલબત, વ્યકિતગત ધોરણે જ!! સામૂહિક ધોરણે નહીં) સૌનો વસ્તી વિકાસ કરી રહ્યા છીએ તમામ ભારતીયો વતી તમને નવા વરસની વાસી શુભેચ્છા!!! નવી ઉર્જા મળે તેવી શુભેચ્છા , તમને હાલમાં પાવરની એટલે કે ઊર્જાની તાતી જરૂરિયાત છે!! ઊર્જા વિના તમારા પાવરની બેટરી ડાઉન થઇ ગઇ છે , એવું સાંભળ્યું છે!!!
અમે સાંભળ્યું છે કે તમે પ્રધાનમંત્રીની ખુરશી છોડવા માટે કાચુંપાકું દહીં-દૂધ જેવું મન મનાવી બેઠા છે. તમારી પાસે સલાહકાર બલાહકાર છે કે નહીં? સલાહકાર પણ આવી સલાહ આપે છે? તમે સલાહકાર બલાહકાર બદલી નાંખો! તમારે તાંત્રિક , માંત્રિક કે દાઢી-મૂછવાળા દસ સંતાનોના બાપ હોય એવા બ્રહ્મચારી ગુરુ-બુરુ છે કે નહીં?? આવો અગત્યનો નિર્ણય સલાહકાર અબજો રૂપિયાની સ્થાવર જંગમ મિલકત ધરાવતા ત્યાગીબાબાની સલાહ લીધી બીધી છે કે નહીં? વડા પ્રધાનના એશોઆરામ સાપ જેમ કાંચળી ઉતારે તેમ પરિત્યાગ કરતાં પહેલાં પતિ પરમેશ્ર્વરને પૂછયું કે નહીં! એમની રજામંદી લીધા સિવાય આવો અધોગતિનો નિર્ણય કેવી રીતે લઇ શકાય, અમારા દેશમાં પંચાયતથી લઇને સંસદ સુધી મહિલા માટે સીટો અનામત રાખવામાં આવે છે, પરંતુ ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિએ પતિએ કાગળ પર જયાં નાની ચોકડી કરી હોય ત્યાં અંગૂઠો કે મતુ મારવાની બંધારણીય ફરજો બજાવવાની હોય છે. બાકી મહિલાના પતિ-પિતા કે દીકરો બીજા હક્કો વગર ચૂંટણી લડે ભોગવે છે. જિલ્લા પંચાયત કે સરપંચની ખુરશીમાં પતિ બાબુ બિરાજમાન થયેલા હોય છે. પશ્ર્ચિમ બંગાળમાં નવાબ સિરાજોદલ્લા અને ઇસ્ટ ઇંડિયા કંપનીના સર્વેસર્વા રોબર્ટ કલાઇવનું દ્વિમુખી શાસન હતું. શેરડીના સંચામાં શેરડી પિલાય તેમ બેબસ, લાચાર, મુફલિસ પ્રજા પિલાતી હતી. આવું જ મહિલા પ્રતિનિધિમાં થાય છે. જેસિન્ડાબેન તમારે બાળકો પણ છે. એની સુખસુવિધાનો પણ વિચાર કર્યો નહીં!!! તમે કેવા પ્રકારની જનની છો?? એની મુખમાંથી સોનાચાંદીની ચમચી છીનવવાનો હક્ક તમને કોણે આપ્યો??
અરે રે આ તમને શું સૂઝયું?! તમારી અક્કલ ઘાસ ચરવા ગઇ છે કે બહેનોની બુદ્ધિ પગની પાનીએ નહીં પણ પાતાળમાં એમ માનવાનું? આવી નાની અમથી વાતમાં વતેસર કરાય?? રજનું ગજ કરાય ? તલ જોવાય તેલની ધાર જોવાય.મહિલાઓ તો સહનશીલતાની મૂર્તિ કહેવાય. તો પછી આવી ભૂલ કરાય? ખુરશી બધાને મળતી નથી. ખુરશી પર માત્ર તમારો એકલાનો હક નથી. તમારી સાત પુસ્તોનો હક્ક છે. એમના હિત અને ભવિષ્યની ખેવના કરવાની હોય. ખુરશી થી , થકી, વડે સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્ર્વર્યનો દ્યુતગતિ રાજમાર્ગ એટલે એકસપ્રેસ છે.!! ભાગ્યશાળી પર હાથણી સંતાનો કળશ ઢોળે છે!
પ્રધાનમંત્રી થઇએ એટલે ખાસ કામ ન કરવાનું હોય. પુલ, રસ્તા , ટાઉનહોલ, દવાખાના વગેરેનું ઉદ્ઘાટન કરવાનું હોય, બેઠકમાં હાજરી આપવાનું હોય, ભાષણો કરવાના હોય, પ્રધાનમંત્રી તરીકે મળતા પગારભથ્થા, મફત હવાઇ મુસાફરી, ચાર્ટર પ્લેનમાં મહાલવાનું હોય. કોઇ ટેન્શન લેવાનું ન હોય. વિપક્ષોને ટેન્શન દેવાનું હોય.!! કામ તો બાબુ લોગે કરવાનું હોય. પ્રજાની સમસ્યા પાછળ વિદેશી હાથ હોય. મંત્રી તરીકે વાતાનુકૂલિત વાહનોમાં મુસાફરી કરવાનું કષ્ટ ઉઠાવવાનું હોય. મંત્રી તરીકે બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન આરોગવાના હોય! પેટ પૂરેપૂરું ભરેલું હોય, પેટ તૂટૂં તૂટું થતું હોય પછી કુપોષણ,ગરીબોના કોળિયા-નિવાળા વિશે સંવેદનાસભર કાવ્યાત્મક પ્રવચન કરવાનું અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનું હોય!!
હાઇ કમાન્ડ પાછળ પાછળ પ્રેમી પ્રેમીકા પાછળ લટુ થઇને ફરે તેમ તમારે પરિભ્રમણ કરવાનું રહે. હાઇકમાન્ડને રાજી રાખવા તમ મન ધન કુરબાન કરવું એ મંત્રીની ફરજ છે!! આવું બધું કાંઇ વહીવટી સુધારણાના અહેવાલ કે કમિશનના અહેવાલમાં ન હોય, આ બધું કોઠાસૂઝના આધારે કરવાનું શીધ્રઅતિશીધ્ર કર્મ છે.પક્ષ કે પક્ષ બહાર ખુલ્લા, પ્રછન્ન, ગુપ્ત, સંભવિત છૂટક કે જથ્થાબંધ હરીફોને ઉગતા ડામી દેવાના હોય. બધાના કાળાકામોની
રાજકારણમાં મગરની ચામડી હોવી જરૂરી છે. બિનજરૂરી આળા, લાલપીળા, રાતાપીળા, સુંવાળા, ઢીલાપોચા થવું નહીં. મનની વાત કરવી પણ ધનની વાત ન ભૂલવી. પછી ભલે ધન એક નંબરનું હોય કે દસ નંબરી. અર્થશાસ્ત્ર ધનને ઓળખે છે. અર્થશાસ્ત્રને નૈતિક કે નીતિ સાથે સ્નાનસુતકનો સંબંધ નથી. ટકાવારી મુજબ ટેન્ડર વગેરે કરવા. મંત્રીપદ ગયા પછી કંઇ ભોજિયો ભાઇ યાદ કરતો નથી કે ધન આપતું નથી એ વાત યાદ રાખવી.
તમે પ્રધાનમંત્રી હશો તો તમને, તમારા પતિને ,બાળકોને એસપીજી કે એનએસજી કેટેગરીની સિકયોરિટી મળે છે તે બંધ થઇ જશે. પ્રધાનમંત્રી તરીકે અમારા દેશની જેમ તગડો પગાર, મબલખ ભથ્થાં, મફત વીજળી, એર ફોર્સ વન જેવું પ્લેન, મોંઘી કાર, મફત રેશન, લાઇટ , પાણી મળતું હશે . એ બધુ રાજીનામાના ઝાટકે બંધ થઇ જશે. મેડમ બ્રેડ લેવા માટે પાકીટમાં (ઓફ કોર્સ ખુદના પાકિટમાં.
પીએમ તરીકે ગમે તેના પાકીટમાં હાથ નાંખી હાથ કી સફાઇ કરી શકાય!!) મેડમ ખુદના પૈસે કોફીનમાં ખીલા જડવા માટે ખીલા પદરના એટલે પોતાના પાસે લેવા પડશે. ડગલે ને પગલે બધી સગવડ યાદ આવશે!!
જેસિન્ડાબેન તમારી ઉંમર તો માત્ર બેતાળીસ છે. આ ઉંમરે કારકિર્દી બનાવવાની લ્હાયમાં લગ્નની ગાડી ચૂકી જનાર એટલે રખડી ગયેલા કે રખડી ગયેલી હાળીઓ હાથ અને કેશમાં મેંદી ભરીને ચાર ફેરા ફરવાનું કામ આટોપે છે.!!! કેટલાક ચૂંટણીમાં ટિકિટનો મંત્ર જપતા હોય છે.
આ ઉંમર ખુરશી છોડવાની છે?? નોટ એટ ઓલ!!અમારે ત્યાં પંચોતેર વરસના ખખડેલ ખટારા એવા યેદુરપ્પા, ફારુક , માયાવતી, અખિલેશ ભૈયા, સુશાસનબાબુ, દિગ્ગીરાજા, મામાશ્રી, કેપ્ટન સાહેબ, વજુબાપા , પ્રકાશસિંહ બાદલ વગેરે નોનસેન્સ નોટઆઉટ છે. રાજકારણની રીંગ છોડવા તૈયાર નથી. કદાચ મોતનો પંચ રાજકારણની રીંગ છોડાવે..એક પગ સંસદ-વિધાનસભામાં છે અને એક પગ કબરમાં છે. ઘણીવાર વ્હીલચેર, સ્ટ્રેચર કે કોઇના સહારે વિધાનસભામાં આવે છે, પણ ગ્રેસ ફુલ એકઝીટન્સ કરતા નથી. લાલુ ભૈયા ,સુશાસનબાબુ, મફલરવાળા મરજીવા ખુરશી પર પંદર પંદર વરસથી ફેવિકોલની મજબૂત જોડની જેમ ચિપકેલા છે. સાહેબે પણ નાના-મોટા હાકેમ તરીકે બે દાયકા પૂરા કર્યા. જો કે, સાહેબે તો ધમકી આપેલી જ છે. હું ફકીર આદમી છું . જેલા લે કે ચલા જાઉંગા. અમારા સાહેબ આમ નથી , ખાસ છે!! ધમકી આપશે પણ અમલ નહીં કરે!! હજુ અઢાર કલાક કામ કરવા છતાં ઘરાકીના અભાવે ઘણી ચીજોનું વેચાણ બાકી છે. કામ છોડીને સાહેબ જય રણછોડ કરે તો ભોમકા લાજે!!! અમારા પીએમ વેઈટીંગ બાણુ વરસની યુવાન ઉંમરે પ્રધાનમંત્રી થવાની માળા જપે છે. ઉંટનો પાકો લબડતો હોઠ પડે તો શિયાળની જેમ ઝાપટવા તત્પર છે. કદાચ નવાણુ વરસે જાતકનો ગજકેસરી યોગ થાય અને ક્યાંક ગજ વાગી જાય!!!
જેસિન્ડાબેન તમે જુમ્મા જુમ્મા ૨૦૧૭ માં પ્રધાનમંત્રી થયેલા. માનો કે હોદાનો ભાર હશે. ખુરશી સાચવવાનો સ્ટ્રેસ હશે એટલે ખુરશીની કુસ્તી ખેલ્યા સિવાય અડધેથી બોકસિંગની રીંગ છોડી દેવાનું તમને શોભે ખરું?? તમે સિરિમાવો ભંડારનાયક, ઇંદિરા ગાંધી, ગોલ્ડા મેયર, માર્ગાર્ટટ થેચર, મેરેસા, બેનઝિર ભૂટો, થેરેસાની પરંપરાના પથિક છો. ખુરશી છે તો સેવા કરી શકાય. ખુરશી ન હોય તો બરાક ઓબામાની જેમ રેસ્ટોરન્ટમાં બર્ગર વેચવાની નોકરી કરવી પડે!! માનીએ કે તમે આંગળીના વેઢે ગણી શકાય તેવા અને તેટલા સારા કામો કર્યા છે . બસ આટલાથી સંતોષ ન મનાય!!
કોઇ વાંકદેખા અમારા ભારત દેશના સુપ્રસિદ્ધ ક્રિકેટ કોમેન્ટેટર, વિજય મર્ચન્ટનો દાખલો આપશે .એકવાર તેની કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લેવા વિશે કહ્યું હતું. આગળ વધો .જ્યારે લોકો પૂછે છે કે તે શા માટે નિવૃત્તિ લઇ રહ્યા છે, જેસિન્ડા આર્ડર્ને તાજેતરમાં જ કહ્યું છે કે તે મર્ચન્ટના મેક્સિમને અનુસરીને નિવૃત્તિ લઇ રહ્યા છે. ભારતીય રાજકારણને તેમના જેવા લોકોની વધુ જરૂર છે. પક્ષ કપિલદેવ, કોહલી વગેરેના દાખલા લેવાના હોય!!
જેસિનિડા મેડમ તમને સારી રીતે સમજાવવા અમે આવવા તૈયાર છીએ. મને અને રાજુ રદીને ન્યૂઝીલેન્ડ આવવા જવાની બિઝનેસ કલાસની ટિકિટ કરાવી દો, સ્ટેટ ગેસ્ટ તરીકે લોજિંગ, બોર્ડિંગ, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશનનો લોજિસ્ટીક સપોર્ટ આપો એટલે તમને આધ્યાત્મિક માર્ગદર્શન આપીએ. અમને પગાર બગાર જોઇતો નથી. વધારે રોકાણની જરૂર હોય તો રાજકીય આશ્રયબાશ્રય આપી દો. બાકીની ટર્મ એન્ડ કંડીશન્સ રૂબરૂમાં તય કરીશું!!
આપના વહેલા જવાબની રાહમાં,
ગિરઘરલાલ ગરબડીયા
રાજુ રદી!!

1 COMMENT

  1. ચશ્માં ની ધૂળ ખંખેરી નાખી સાહેબ તમે
    Eye opener article sir
    Great going 👍👍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular