હરિયાણામાં શિક્ષકમાંથી સરપંચ બનેલા એક માણસે સ્ત્રીઓ માટે અનોખી ઝુંબેશ શરૂ કરી અને હજારો સ્ત્રીઓના જીવનમાં કશુંક પ્રદાન કર્યું

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

આજે વાત કરવી છે હરિયાણાના સુનીલ જગલાનની.
સુનીલ જગલાન બીબીપુર ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એ પછી ગામમાં પરિવર્તન લાવવાની કોશિશ માટે અને પોતાની મહત્ત્વકાંક્ષા સંતોષવા માટે પણ તેમણે નોકરી છોડી અને ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં ઝંપલાવ્યું અને ૨૦૧૨માં તેઓ બીબીપુર ગામના સરપંચ બન્યા.
એ પછી તેમને ત્યાં દીકરીનો જન્મ થયો અને તેમણે તેમની પત્નીની જ્યાં ડિલિવરી કરાવી હતી તે હૉસ્પિટલની બધી નર્સને મીઠાઈ આપી. પરંતુ બધી નર્સે તે મીઠાઈ સ્વીકારવાની ના પાડી. એ બધી નર્સને દીકરાના જન્મ વખતે જ મીઠાઈ ખાવી જોઈએ એવું લાગતું હતું. તે બધી નર્સ પોતે સ્ત્રીઓ હતી છતાં દીકરીના જન્મની ઘટનાને ખરાબ ગણતી હતી! સુનીલ જગલાનને આઘાત લાગ્યો.
એ પછી સુનીલ જગલાને નોંધ્યું કે તેમના ગામની ઘણી સ્ત્રીઓ ગર્ભવતી બને ત્યારે તેમના કુટુંબ દ્વારા તેમના ગર્ભનું જાતિપરીક્ષણ કરાવાય છે અને જો ગર્ભમાં દીકરી છે એવી ખબર પડે તો ગર્ભપાત કરાવી દેવાય છે.
સુનીલ જગલાને નક્કી કર્યું કે આ સ્થિતિ બદલવા માટે હું કશીક નક્કર કોશિશ કરીશ.
તેમણે સૌપ્રથમ ‘સેલ્ફી વિથ બેટી’ ઝુંબેશ શરૂ કરી. તેમણે પોતપોતાની દીકરીઓ સાથે સેલ્ફી લઈને મીડિયા પર મૂકવા માટે લોકોને પ્રેરણા આપી.
એ પછી ૨૦૧૨માં તેમણે મહિલા ગ્રામસભાનું આયોજન શરૂ કર્યું. અને તેમણે હરિયાણાની બહુ વગોવાયેલી મહા ખાપ પંચાયતમાં ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરવા સામે અને ભ્રુણહત્યા અંગે મુદ્દો ઉઠાવ્યો.
તેમણે મહા ખાપ પંચાયતમાં મહિલાઓ ભાગ લે એ માટે પણ કોશિશ શરૂ કરી અને કોરોનાના સમયમાં મહા ખાપ પંચાયતમાં મહિલાઓને સામેલ કરાવવાની શરૂઆત કરાવી. કોરોનાના સમયમાં મહિલાઓએ ઓનલાઇન યોજાયેલી મહા ખાપ પંચાયતમાં ભાગ લીધો.
એ ઉપરાંત તેમણે મહિલાઓ માટે રેસનું આયોજન શરૂ કર્યું અને મહિલાઓને ઈનામરૂપે એક કિલો ઘી આપવાની શરૂઆત કરી. તેમણે મહિલાઓના કુપોષણનો મહિલાઓને મળતા અપૂરતા પોષણનો મુદ્દો ઉઠાવવા માટે ઈનામરૂપે ઘી આપવાનું શરૂ કર્યું હતું.
ત્યાર બાદ તેમણે એક નવી ઝુંબેશ શરૂ કરી: ‘દાદી અગર ચાહેગી તો પોતી જરૂર આયેગી!’ તેઓ ગામમાં ઘરેઘરે ફરીને સાસુઓને – વૃદ્ધ મહિલાઓને સમજાવવા લાગ્યા કે “તમે તમારા સંતાનોને કહો કે દીકરી જન્મે એ ખોટું કે ખરાબ નથી.
તેમણે ‘લાડો સ્વાભિમાન’ જેવી ઝુંબેશ પણ શરૂ કરી. એ ઝુંબેશ અંતર્ગત તેમણે ઘરની બહાર નેમપ્લેટ પર દીકરીના નામ લખાવવા માટે વડીલોને તૈયાર કર્યા.
અને એ પછી તેમણે શરૂ કરી, ‘પેડ મિત્ર’ ઝુંબેશ. એ ઝુંબેશ અંતર્ગત તેમણે લોકોના ઘરેઘરે જઈને લોકોને સમજાવવાનું શરૂ કર્યું કે તમારા ઘરમાં જે દીકરીઓને માસિકસ્ત્રાવ આવતો હોય એના પિરિયડનો ચાર્ટ ઘરમાં લગાવો. જેથી ઘરના સભ્યોને યાદ રહે કે આ દિવસો દરમિયાન દીકરી કે બેન કે પત્ની પિરિયડમાં છે.
એ ઝુંબેશ પાછળ તેમનો આશય એ હતો કે માસિકસ્ત્રાવ વિશે લોકોમાં જાગૃતિ આવે અને એને શરમજનક ગણવાનું બંધ થાય. માસિકસ્ત્રાવ કોઈ પાપ નથી એ લોકોને સમજાય. વળી, માસિકસ્ત્રાવ અનિયમિત રીતે આવે તો એ તબિયત માટે પણ સારું નથી એના પ્રત્યે કુટુંબના સભ્યોનું ધ્યાન દોરાઈ શકે. અને દીકરી, બેન કે પત્ની બહારગામ જવાની હોય એ સમય દરમિયાન તે ભૂલી જાય તો તેના પિરિયડનો ચાર્ટ જોઈને ઘરના સભ્યો તેને યાદ કરાવી શકે કે આ દિવસો તારા પિરિયડના છે એટલે સેનેટરી પેડ્સ સાથે લઈ જા.
શરૂઆતમાં તો હરિયાણાના સામાજિક રીતે પછાત ગામમાં એ વાત બધાને આઘાતજનક લાગી, પણ પછી ધીમે ધીમે લોકો એ વાત સ્વીકારતા થયા અને થોડા સમયમાં જ સેંકડો ઘરોમાં પિરિયડ ચાર્ટ લાગી ગયા. જે ઘરોમાં પિરિયડ (એટલે કે માસિકસ્ત્રાવ)નું અસ્તિત્વ જ નથી એ રીતે બધા વર્તતા હતા એને બદલે એ ઘરોમાં પિતા, પુત્ર, દાદા, પતિ, જેઠ કે દિયરની નજર સામે રહે એ રીતે પિરિયડ ચાર્ટ લાગતા થઈ ગયા.
અને પછી તો એ ઝુંબેશ અન્ય વિસ્તારમાં પણ ફેલાઈ અને પછી તો એ ઝુંબેશ નુહ, હિસાર, જિંદ, પંચકુલા અને દિલ્હી જેવા વિસ્તારો સુધી એ ઝુંબેશનું પરિણામ જોવા મળ્યું અને માસિકસ્ત્રાવ હજારો સ્ત્રીઓ માટે અણગમતી અને અકળાવનારી અને શરમજનક વાત ગણાતી હતી એને બદલે એનો સહજ વસ્તુ તરીકે સ્વીકાર થવા લાગ્યો.
સુનીલ જગલાન સામે તેમના હરીફોએ આર્થિક ગેરરીતિના આક્ષેપો પણ કર્યા. તેમણે સરકારી પૈસે પોતાના ઘરમાં પાણી ખેંચવા માટે ઇલેક્ટ્રિક મોટર વસાવી એવો આક્ષેપ પણ તેમના પર થયો.
જો કે એક સરપંચ કે એક રાજકારણી સુનીલ જગલાન તરીકે તેમની પર આક્ષેપો થયા, પણ એક સામાજિક કાર્યકર તરીકે તેમણે સમાજમાં જે જાગૃતિ લાવવાની કોશિશ કરી એ પ્રશંસનીય છે.
અને સુનીલ જગલાન એ વાતનો વધુ એક પુરાવો છે કે એક માણસ ધારે તો પણ ઘણું કરી શકે. સવાલ માત્ર દાનતનો હોય છે અને નવું વિચારવાનો હોય છે.

Google search engine