મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓનાં ભાવમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં ટીન અને નિકલની આગેવાની હેઠળ વિવિધ ધાતુઓનાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૬૫ની આગેકૂચ જળવાઈ રહી હતી. આજે મુખ્યત્વે ટીન, નિકલ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૫ વધીને રૂ. ૨૨૬૫, રૂ. ૧૨ વધીને રૂ. ૨૩૭૫ અને રૂ. ૧૧ વધીને રૂ. ૭૯૦ના મથાળે રહ્યા હતા. આજે અન્ય ધાતુઓમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૬નો સુધારો આગળ ધપ્યો હતો, તેમાં કોપર આર્મિચરના ભાવ રૂ. ૬ વધીને રૂ. ૬૮૧, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને અનુક્રમે રૂ. ૬૩૨, રૂ. ૪૭૮ અને રૂ. ૨૮૩ના મથાળે રહ્યા હતા.