આજની તારીખની એક તેજસ્વી તવારીખ

ધર્મતેજ

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

સન ૨૦૦૦ના વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) દ્વારા ન્યૂ યોર્ક ખાતે આયોજિત વિશ્ર્વશાંતિ સહસ્રાબ્દી પરિષદમાં વિવિધ ધર્મોના ૧૮૦૦ જેટલા ધર્મગુરુઓને નિમંત્રિત કરવામાં આવેલા. ચાર દિવસ સુધી ચાલનારી આ પરિષદમાં તા. ૨૯ ઑગસ્ટનો દિવસ મહત્ત્વનો હતો, કારણ કે આજની સવારે યોજાયેલા સત્રમાં વિશ્ર્વના પ્રમુખ ધર્મોના સાત ધર્માચાર્યો પરિષદને સંબોધવાના હતા.
તે ક્રમમાં આજથી બરાબર બાવીસ વર્ષ પૂર્વે આજની જ તારીખે હિંદુ ધર્મના પ્રતિનિધિરૂપે પ્રમુખસ્વામી મહારાજે સંબોધન શરૂ કર્યું તે ક્ષણ ગુજરાતી ભાષાને ગૌરવભર્યું સ્થાન અપાવનારી બની રહી, કારણ કે પ્રમુખસ્વામી મહારાજના પ્રવચન દ્વારા યુનોના મહાસદનમાં સૌપ્રથમવાર ગુજરાતી ભાષા ગુંજતી થઈ. તેની સાથે આ અવસરે સ્વામીજીએ આપેલો સંદેશ પણ દિવસે ને દિવસે વધુ ને વધુ પ્રસ્તુત થઈ રહ્યો છે.
તે સમયે પ્રમુખસ્વામી મહારાજે જણાવેલું કે બધા જ ધર્મો વચ્ચે સંવાદિતા અને સુમેળ થાય એ આજના યુગની અત્યંત મહત્ત્વની જરૂરિયાત છે. એ માટે ધર્મગુરુઓએ એકબીજા સાથે આત્મીયતાથી વિચાર-વિમર્શ કરવો જોઈએ. પરસ્પર જ્યારે ધર્મના ગુરુઓ મળે ત્યારે તે ધર્મોના આશ્રિતો વચ્ચે દ્વેષ ઘટે છે અને સંવાદિતા વધે છે.
આપણે જીવસૃષ્ટિનું મહત્ત્વ અને વિવિધતાને સમજ્યા છીએ અને દરેક પ્રકારની જીવસૃષ્ટિની વિવિધતા જાળવવા પ્રયત્ન કરીએ છીએ, તો પછી ધાર્મિક વિવિધતાનું શું ? દરેક ધર્મને ટકવા દેવો જોઈએ. તેમને પોતપોતાની રીતે વિશ્ર્વની સેવા કરવા દેવી જોઈએ. માનવ ઇતિહાસની આ ઘડીએ ધર્મગુરુઓને એવું ન હોવું જોઈએ કે વિશ્ર્વમાં કેવળ એક પોતાનો ધર્મ હોય, પરંતુ એવું સ્વપ્ન સેવવું જોઈએ કે આ વિશ્ર્વમાં બધા ધર્મો સંપીને રહે. બધા ધર્મોના સંપ અને સુમેળથી આપણું ભવિષ્ય સબળ અને સુરક્ષિત બનશે.’
આટલું કહી પ્રમુખસ્વામી મહારાજે પ્રત્યેક ધર્માચાર્યે પોતાના અનુયાયીઓ સાથે કેળવવા યોગ્ય સંવાદિતાનો સંદેશ આપતાં જણાવેલું કે ધર્મગુરુ જ અનુયાયીઓનું જીવન ઘડી શકે છે. ધર્મનો સાચો વિકાસ આંકડાઓના સરવાળામાં નથી, પણ દરેક અનુયાયીની જીવનશુદ્ધિ અને તેના આધ્યાત્મિક ઉત્કર્ષમાં છે. અનુયાયીઓની માત્ર સંખ્યા વધારવા કરતાં આ ઊંડાણનું મહત્ત્વ વધારે છે, એટલે જ દરેક ધર્મનો અનુયાયી પોતાના ધર્મનો સાચો અનુયાયી બને તો પછી આપણું વિશ્ર્વ એક વધુ સુંદર વિશ્ર્વ બની રહે. આ માટે ધર્મગુરુઓએ અનુયાયીઓને ઝનૂનથી તદ્દન દૂર રાખીને, શ્રદ્ધા અને સદાચાર ઉપર કેન્દ્રિત કરવા જોઈએ.
‘ભગવાન સ્વામિનારાયણે પ્રેમ અને ભક્તિના માધ્યમથી નિ:શસ્ત્ર ક્રાંતિ દ્વારા લોકોનાં જીવન પલટ્યાં હતાં. એ કાર્યની અસર અદ્યાપિ વર્તી રહી છે. આપણા સૌનું કાર્ય પણ આવું થઈ શકે. આપણે સહુ સાથે મળીને કાર્ય કરીશું તો ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન લાવી શકીશું.’
આ સાથે પ્રત્યેક ધર્માચાર્યે પોતાની સાથે સાધવાના સંવાદનો ઉપદેશ આપતાં પ્રમુખસ્વામી મહારાજે કહેલું કે પોતાની જાત સાથેની સંવાદિતા કરતાં વધુ મહત્ત્વનું કાંઈ નથી. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે આપણા ધર્મસ્થાપકોના આદેશોની કેટલા નજીક છીએ. આપણે તેમના તત્ત્વજ્ઞાનને અને તેમના પ્રેમ, સત્ય, દયા, અહિંસા, સુહૃદયતા, શ્રદ્ધા, ભક્તિના આદેશોને આપણા જીવનમાં વધુ ને વધુ ઉતારીએ.
‘ભગવાન સ્વામિનારાયણે સર્વને સ્પર્શતી ધર્મની
વિશાળ વ્યાખ્યા કરી છે કે ‘ઢપર્ળી ઘજ્ઞર્રૂીં લડળખળફ ’
અર્થાત્ સદાચાર એ ધર્મ છે. દરેકના જીવનમાં જો સદાચાર હશે તો જ વિશ્ર્વમાં શાંતિ સ્થપાશે. તેથી આપણા અનુયાયીઓને શીખવીએ કે બીજા પ્રત્યે સહિષ્ણુ
થઈએ અને આદર પણ આપીએ; આપણે જીવીએ
અને બીજાને જીવાડીએ;
સંવાદિતા સાથે શક્તિ પ્રમાણે પરસ્પર સહકાર પણ આપીએ. બીજાના ભોગે આપણે પ્રગતિ
ન કરીએ, કારણ કે બીજાના ભલામાં આપણું જ ભલું છે. બીજાના ઉત્કર્ષમાં આપણો જ ઉત્કર્ષ છે. બીજાના આનંદમાં આપણો જ આનંદ છે.’
પ્રમુખસ્વામી મહારાજના આ વ્યક્તવ્યની ઘણી ઘેરી અને ધારી અસર થયેલી. તે તેઓના પ્રવચન બાદ અભિનંદન આપવા માટે ધસી આવેલા મહાનુભાવોના ઉદ્ગારો પરથી સમજી શકાતી હતી.
પરંતુ ઉપરોક્ત પ્રવચનમાં પ્રમુખસ્વામી મહારાજે વહાવેલી સંવાદિતાની શીખ અને તે અનુસાર રહેલું તેઓનું જીવન પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામને તો એટલું બધું સ્પર્શી ગયેલું કે તેઓએ સ્વ-લિખિત પુસ્તક ટ્રાન્સેન્ડન્સ’માં લખી દીધું છે: ‘માનવતાએ પોતાને સેંકડો દ્વીપોમાં વિભક્ત કરી નાખી છે. આ ટાપુઓ એટલે વિવિધ ધર્મો. પ્રાણી, વનસ્પતિ અને રહેવાસીઓથી ભરચક પ્રત્યેક દ્વીપ સુંદર પ્રદેશ હોવા છતાં એકબીજાથી અલગ-અલગ છે. આ વિખૂટા પડેલા ટાપુઓને પ્રમુખસ્વામીજી પ્રેમ અને કરુણાના સેતુ દ્વારા એકમેક સાથે સાંકળી રહ્યા છે. માનવતાના વિશાળ દ્વીપસમૂહમાં પ્રમુખસ્વામીજી એક મહાન સેતુ સમાન છે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.