(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સેન્સેક્સે બે દિવસની આગેકૂચને બ્રેક મારી હતી, ખાસ કરીને મેટલ, એનર્જી શેરોમાં વેચવાલીનું દબાણ વધુ રહ્યું હતું. વૈશ્ર્વિક ઈક્વિટી બજારોમાં મંદીના વલણ વચ્ચે મેટલ અને એનર્જી શેરોમાં વેચવાલીના દબાણને કારણે ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ શુક્રવારે ૧૨૩ પોઈન્ટ ઘટ્યો હતો. સપ્તાહના છેલ્લા સત્રમાં પેટીએમના શેરમાં નવ ટકા જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર પાંચ ટકાનો કડાકો નોંધાયો હતો.
ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ ચાલુ રહેવાને કારણે બજારના સેન્ટિમેન્ટ પર નકરાત્મક અસર પડી હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું. પોતાની બે દિવસની વૃદ્ધિનો સિલસિલો બંધ કરીને ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૨૩.૫૨ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકા ઘટીને ૬૦,૬૮૨.૭૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. સત્ર દરમિયાન, ઇન્ડેક્સ ૬૦,૭૭૪.૧૪ પોઇન્ટની ઊંચી સપાટી અને ૬૦,૫૦૧.૭૪ પોઇન્ટની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બૃહદ બેઝ ધરાવતો નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૩૬.૯૫ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકા ઘટીને ૧૭,૮૫૬.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સ ચાર્ટ પર એચસીએલ ટેકનોલોજી સૌથી વધુ ૨.૭૯ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યોે હતો, ત્યારબાદ આ ક્રમમાં ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી, વિપ્રો, ઇન્ફોસિસ અને એમએન્ડએમનો સમાવેશ થાય છે. આનાથી વિપરીત, ટાટા મોટર્સ, એલએન્ડટી, ભારતી એરટેલ, એચડીએફસી બેંક અને એસબીઆઈના શેરમાં સારો વધારો થયો હોવાથી તેમનો સમાવેશ ટોપ ગેઇનર્સ શેરોમાં હતો, જે ૨.૦૫ ટકા સુધી આગળ વધ્યા હતા. બ્રોડર માર્કેટમાં, મિડકેપ ગેજ ૦.૦૪ ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૪૮ ટકા વધ્યો હતો.
કોર્પોરેટ પરિણામોને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળે છે. પ્લાસ્ટિક મોલ્ડેડ ટોય્ઝ, સ્કૂલ ફર્નિચર, આઉટડોર પ્લે મટીરિઅલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોટિવ યુનીટ્સ, પોઈન્ટ ઓફ પરચેઝ પ્રોડક્ટ્સ અને ઈ-વાહનોના ઉત્પાદનમાં વ્યસ્ત ઓકે પ્લે ઈન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૪૭ કરોડની કુલ ઓવાક નોંધાવી છે, જે ૨૦૨૨ના સમાન સમયગાળાના રૂ. ૨૭.૨૮ કરોડ સામે ટકાનો વધારો દર્શાવે છે. એ જ રીતે, ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાવેલી રૂ. ૨.૨૬ કરોડની ખોટ સામે રૂ. ૪.૪૮ કરોડનો ચોખ્ખો નપો નોંધાવ્યો છે. એ જ રીતે, નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનામાં ૧૧૩.૬૨ ટકાના વધારા સાથે રૂ. ૧૨૮.૩૨ કરોડની આવક નોંધાવી છે. એબિટા ત્રિમાસિક ધોરણે ૧૯૮.૪૭ ટકાના વધારા સાથે રૂ. ૧૧.૭ કરોડના સ્તરે અને નવ માસિક ધોરણે ૩૨૭.૨૦ ટકાના વધારા સાથે રૂ. ૨૨.૭૭ કરોડના સ્તરે પહોંચ્યો હતો. આ સત્રમાં મેટલ, એનર્જી, ઓઈલ-ગેસ, પાવર આઈટી, ટેકનો શેરોમાં ભારે વેચવાલી જ્યારે ક્ધઝ્યૂમર ડ્યૂરેબલ્સ, કેપિટલ ગૂડ્ઝ, ઓટો અને ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૪ ટકા અને ૦.૪૮ ટકા વધીને બંધ રહ્યા હતા. નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાટા મોટર્સના શેરમાં ૧.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં યૂપીએલ, સિપ્લા, હિરો મોટોકોર્પ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૩.૭૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએસ ટેકનો, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ અને કોલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
એશિયામાં અન્યત્ર, શાંઘાઈ અને હોંગકોંગના બજારો નુકસાની સાથે નેગેટીવ ઝોનમાં સરી પડયા હતા, જ્યારે ટોક્યિો અને સિઓલ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપમાં ઇક્વિટી એક્સચેન્જો બપોરના સત્ર સુધી નેગેટીવ ઝોનમાં રહ્યાં હોવાના અહેવાલ હતા. અમેરિકન બજારો રાતોરાત સત્રમાં નોંધપાત્ર રીતે નીચા સ્તરે ફસડાઇ પડ્યા હતા. ફોરેક્સ માર્કેટમાં શુક્રવારે યુએસ ડોલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને ૮૨.૫૫ પર બંધ થયો હતો.