હોળી પહેલા અને પૂર્વોત્તર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી તરત જ સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. ઘરેલું અને કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી વધારો કરાયો છે અને ઘરેલુ એલપીજી સિલિન્ડર રૂ.50 મોંઘો થશે. દિલ્હીમાં આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવે ઉપલબ્ધ થશે. તેની અગાઉની કિંમત 1053 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એલપીજી સિલેન્ડરનો ભાવ વધીને 1052.50 રુપિયાથી વધીને 1102.50 રુપિયા થયો છે. ત્યારે હોળી પહેલાં દેશના મધ્યમ વર્ગને ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 2119.50 રૂપિયા થઈ ગઈ છે.
એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ગત વખતે 1લી ફેબ્રુઆરીએ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો ન હતો.
8 મહિના પછી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને આ પહેલા 1 જુલાઈના રોજ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો હતો. જોકે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થયો છે પરંતુ ઘરોમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના ભાવમાં 1લી જુલાઈ પછી પહેલી વાર વધારો થયો છે.