Homeઉત્સવસતત ઊકળતા ચરુ જેવા હઝારામાં નલવા માટે મોટો પડકાર

સતત ઊકળતા ચરુ જેવા હઝારામાં નલવા માટે મોટો પડકાર

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

અસાધારણ બુદ્ધિમત્તા, અકલ્પ્ય રણનીતિ, અપ્રતિમ સાહસ અને અખંડ વફાદારીના સ્વામી એવા સરદાર હરિસિંહ નલવાને નામે હાલના પાકિસ્તાનમાં હરિપુર જિલ્લો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એ આગળ જાણીએ.
પાકિસ્તાનમાં ઈસ્લામાબાદની પશ્ર્ચિમે ૬૫ કિલોમીટરે આવેલા પખ્તુન ખ્વાના હઝારામાં હરિપુર જિલ્લો છે. આ હઝારા નામ પાછળ રસપ્રદ ઇતિહાસ છે. ઉઝબેકિસ્તાનમાં જન્મેલો મોંગોલ બાદશાહ તૈમુરે પ્રાચીન ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને હુમલો કર્યો હતો. હકીકતમાં નહોતું એને ભારત જીતવું કે નહોતું એના પર રાજ કરવું. એનો એક માત્ર ઉદ્દેશ ધન-સંપત્તિ લૂંટવાનો હતો. એટલે દિલ્હીની સલ્તનતને જીતીને ખેદાનમેદાન કરીને તેણે મિઝર ખાનને સંભાળવા માટે સોંપી દીધી. પછી એ હિન્દુસ્તાન છોડીને રવાના થઈ ગયો.
એ સમયે ઉર્ગ કુદરતી સૌંદર્યથી છલકાતું હતું. અહીંની સૌમ્યતા, સુંદરતા અને શોભા પર એ મોહિત થઈ ગયો. એને થયું કે આટલું સુંદર સ્થળ જતું ન કરાય. તેણે પોતાના તુર્કી સરદારોને જાગીરમાં ઉર્ગ આપી દીધું. આ સરદારોએ વળી ઉર્ગ પર કબજો ટકાવી રાખવા માટે એક પલટન રાખી, જેમાં એક હજાર સૈનિક હતા. આ સંખ્યાને પગલે ઉર્ગને નવું નામ મળી ગયું: હઝારા.
સમયાંતરે આ હઝારા પર મહારાજા રણજીતસિંહે ખાલસા ધ્વજ ફરકાવી તો દીધો પણ સતત શાંત રહે એ હઝારા નહીં. ત્યાં વિદ્રોહીઓ છાશવારે ઉપાડો લે. ઈ.સ. ૧૮૨૨ના જાન્યુઆરીમાં મુંધેર વિજય બાદ સરદાર હરિસિંહ નલવા લાહોરમાં પહોંચીને થોડો હાશકારો અનુભવે એ અગાઉ માઠા વાવડ આવ્યા કે હઝારામાં બળવો થયો છે. મહારાજા રણજીતસિંહે તાત્કાલિક દીવાનચંદ અને કૃપારામને વિદ્રોહ શાંત પાડવા માટે રવાના કરી દીધા.
મહારાજા રણજીતસિંહ પેશાવરને પોતાની આણમાં લાવવા માગતા હતા, પરંતુ એ પહેલા હઝારાના વિદ્રોહીઓને કાયમ માટે ઠેકાણે પાડી દેવાનું અનિવાર્ય હતું. હઝારાના વિદ્રોહીની એક વિશિષ્ટતા હતી કે મહારાજાની સેના સામે હારીને શાંત પડી જાય, પરંતુ થોડો સમય વીત્યા બાદ ફરી માથું ઊંચકે ને ઊંચકે જ. રણજીતસિંહ ઈચ્છતા હતા કે હઝારા નામનો ચરુ કાયમ માટે ઠંડો પડી જાય પણ એ માટે ત્યાં કુશળ, કાબેલ અને સત્તા શાસકને મોકલવાની જરૂર લાગી. તેની નજર નિવડેલા સરદાર હરિસિંહ નલવા પર પડી. તેમને ગવર્નર બનાવાયા એના તરત જ તેઓ ઈ. સ. ૧૮૨૨ના ફેબ્રુઆરીમાં રવાના થઈ ગયા.
નલવા બરાબર જાણતા હતા કે ઈ.સ. ૧૮૧૮ના વિદ્રોહ વખતે રાવલપિંડીના શાસક સરદાર મકખનસિંહને હઝારા મોકલાયા હતા. તેમણે વિદ્રોહને કચડી નાખ્યા પણ એકાદ વર્ષ બાદ વિદ્રોહીઓએ ફરી માથું ઊંચકયું હતું. આ વખતે વિદ્રોહી તત્ત્વોએ ચડાઈને બદલે નવો દાવપેચ અજમાવ્યો. મક્ખનસિંહની માફી માગી લીધી, ભૂલ કબૂલી લીધી અને ફરી આવું કંઈ ન થવાનું વચન આપી દીધું, પરંતુ મધરાતે પઠાણ સેના એ ઊંઘતા મક્ખનસિંહ પર હુમલો કરી દીધો, પરંતુ ઓચિંતા આક્રમણ છતાં મક્ખનસિંહ બહાદુરીપૂર્વક લડ્યા અને પઠાણોને ભાગવા માટે મજબૂર કરી દીધા, પરંતુ આ દોડભાગમાં કોઈ પઠાણે તેમનો જીવ લઈ લીધો.
આ કોઈ એક સરદારનું મોત નહોતું. મહારાજ રણજીતસિંહને પડકાર હતો. એટલે સરદાર મક્ખનસિંહની મોતના સમાચાર મળતાવેત અટકના કિલ્લેદાર સરદાર હુકમસિંહ ચિમની તાત્કાલિક હઝારા ભણી કૂચ કરી ગયા. તેમણે સુલ્તાનપુર ઉપરાંત મક્ખનસિંહના હત્યારાના કુટુંબીજનો રહેતા હતા અને જ્યાં હત્યારો છુપાયો હતો એ ગામોને ઘેરી લીધા. એટલું જ નહીં સરદાર ચિમનીએ મક્ખનસિંહના હત્યારા સહિત એના બધા સગાની કત્લેઆમ કરી નાખી.
ત્યાર બાદ ફરી ઈ.સ. ૧૮૨૦માં હઝારામાં બળવો થયો. એ વખતે મહારાજા રણજીતસિંહે રાજકુમાર શેરસિંહ સહિતના આગેવાનોને દોડાવ્યા હતા. તેમણે આસાનીથી તળેટીના વિસ્તારો પાછા મેળવી લીધા, પરંતુ પર્વતીય વિસ્તારો જીતવાનું સરળ નહોતું. અંતે ત્યાંય જીત મેળવી પણ એમાં મહારાજાના વિશ્ર્વાસુ નાયક રામદયાલ ખપી ગયા. આટલા મોટા નુકસાન છતાં ખાલસા સેના શાંત થોડી રહે. તેમણે ગંધાગર પર્વત ક્ષેત્ર પઠાણોને વીણીવીણીને ઠાર માર્યા. પઠાણો ફફડવા માંડ્યા. આદત મુજબ ફરી હાથ જોડ્યા, ઘૂંટણ ટેકવ્યા, માફી માગી અને દંડ ચુકવીને જીવ બચાવી લીધા. આ વિદ્રોહીઓનો નેતા હતો હસન અલી ખાન.
હઝારામાં નવા શાસક તરીકે સરદાર અમરસિંહ મજીઠિયાને મુકાયા. મજીઠિયાએ હસનઅલી ખાનને ધૂળ ચાટતા કરી દીધા. પાછા ફરતી વખતે અમરસિંહનું લશ્કર સમુન્દ્રકસી નામના વિસ્તારમાં આરામ કરી રહ્યું હતું ત્યારે છુપાઈને બેઠેલા પઠાણોએ ઓચિંતો હુમલો કરી દીધો. આ આક્રમણનો જડબાતોડ જવાબ અપાયો પણ પકડાયેલા કેદીઓમાંથી એક જણે તક ઝડપીને સરદાર અમરસિંહ પર ખંજરથી હુમલો કરીને એમને મારી નાખ્યા.
આવા હિંસક છમકલા હઝારામાં વારંવાર થતા હતા. એ પ્રાંતમાં કાયમી શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે ઈ.સ. ૧૮૨૨ની ૨૬મી ફેેબ્રુઆરીએ સરદાર હરિસિંહ નલવા હઝારા પહોંચી ગયા. હઝારાનો ભૂતકાળ અને ત્યાંની પ્રજાની પ્રકૃતિમાં શાંત બેસવાનું નહોતું. આ અશક્યને શક્યમાં ફેરવવાનું આહ્વાન નલવા સમક્ષ હતું. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular