છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. આમાં પણ મોટાભાગના યુવાનો એવા હતા કે તેમની ઉંમર ઘણી ઓછી હતી. ગુરુવારે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જીમમાં કસરત કરતી વખતે 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ વ્યક્તિનું નામ વિશાલ જણાવવામાં આવી રહ્યું છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદના આસિફ નગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ વિશાલ તૈનાત હતો. ગુરુવારે સવારે વિશાલ કસરત કરવા માટે જીમ પહોંચ્યો હતો. કસરત કરતી વખતે તે અચાનક જમીન પર પડી ગયો અને ફરી ઊભો થયો નહીં. વિશાલને જમીન પર પડતો જોઈને જીમમાં કસરત કરી રહેલા બાકીના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જાણકારી મુજબ વિશાલને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ગયા મહિને મધ્યપ્રદેશના ઈન્દોરમાં માત્ર 16 વર્ષની એક વિદ્યાર્થીનીનું સ્કૂલમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. 16 વર્ષની વૃંદા ત્રિપાઠી 25 જાન્યુઆરીએ ઉષા નગરની છત્રપતિ શિવાજી સ્કૂલમાં ચાલતી વખતે નીચે પડી ગઈ હતી. પડી ગયા પછી વૃંદાના ચહેરા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો, પરંતુ તે હોશમાં આવી નહોતી. આ પછી, તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તે પહેલા તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. ડોકટરોએ સીપીઆર અને અન્ય ઉપાયો કર્યા પરંતુ વૃંદાને હોશ નહોતા આવ્યા અને અંતે તેને મૃત જાહેર કરવામાં આવી. આજકાલ છાશવારે યુવાનોને હાર્ટએટેક આવીને તેઓ મૃત્યુ પામવાના સમાચાર આવ્યા કરે છે, જે ચિંતાનો વિષય છે.