ભારત સામે સેમિ ફાઇનલમાં કોણ આવી શકે?: અફઘાનિસ્તાન કે પછી બીજું કોઈ?

દુબઈઃ ઇંગ્લૅન્ડ તાજેતરમાં ભારતના પ્રવાસ દરમ્યાન વન-ડે સિરીઝ 0-3થી હાર્યું અને હવે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લૅન્ડનો અફઘાનિસ્તાન સામેના થ્રિલરમાં પરાજય થયો એ પછી હવે ઇંગ્લૅન્ડની એ જ બે વિજેતા હરીફ ટીમો (ભારત-અફઘાનિસ્તાન) વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં ટક્કર થઈ શકે.
તમે વિચારતા હશો કે ભારત સામે અફઘાનિસ્તાન કેવી રીતે સેમિમાં આવી શકશે? એનો અહીં થોડી રસપ્રદ વિગતો સાથે જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: મેઘરાજાને કારણે મૅચ ન રમાતાં પાકિસ્તાનનું નાક કપાઈ ગયું, યજમાન દેશના નામે ઘણા ખરાબ રેકૉર્ડ લખાઈ ગયા
વાત એવી છે કે અફઘાનિસ્તાનની ઑલરાઉન્ડ ટીમ હાલમાં જબરદસ્ત ફૉર્મમાં છે એટલે સેમિ ફાઇનલમાં એ પહોંચશે એ નક્કી જણાય છે. ગ્રૂપ બી’માં ઇંગ્લૅન્ડની ટીમ આઉટ થઈ ગઈ છે, જ્યારે સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા આ ગ્રૂપની બાકીની બે ટીમ છે. શુક્રવાર, 28મી ફેબ્રુઆરીએ લાહોરમાં અફઘાનિસ્તાન જો સ્ટાર ખેલાડીઓ વિનાની ઑસ્ટ્રેલિયાની ટીમને હરાવશે તો એના બેમાંથી ચાર પૉઇન્ટ થઈ જશે. ત્યાર બાદ શનિવારે કરાચીમાં ઇંગ્લૅન્ડ સામે જો સાઉથ આફ્રિકાની જીત થશે તો સાઉથ આફ્રિકા કે જેના હાલમાં ત્રણ પૉઇન્ટ છે એના પાંચ પૉઇન્ટ થઈ જશે અને ગ્રૂપબી’માં નંબર-વન પર રહેશે અને અફઘાનિસ્તાન (જો શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામે જીત્યું હશે તો) બીજા નંબર પર રહેશે.
આ પણ વાંચો: હવે પછી ક્યારેય કોઈ ટીમ અફઘાનિસ્તાનને હળવાશથી લેવાની હિંમત નહીં કરેઃ હેડ-કોચ જોનથન ટ્રૉટ
ગ્રૂપ એ’માં રવિવારે દુબઈમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ટક્કર છે. બન્ને ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ રવિવારે જીતનારી ટીમ કુલ છ પૉઇન્ટ સાથે એના ગ્રૂપમાં નંબર-વન પર રહેશે અને પરાજિત ટીમ ચાર પૉઇન્ટ સાથે નંબર-ટૂ બનશે. આઇસીસીના નિયમ મુજબ સેમિ ફાઇનલમાં બન્ને ગ્રૂપની નંબર-વન ટીમે સામેવાળા ગ્રૂપની નંબર-ટૂ ટીમ સામે સેમિ ફાઇનલ રમવી પડે. જો ગ્રૂપએ’માં ભારત છ પૉઇન્ટ સાથે મોખરે રહ્યું હશે અને સામા ગ્રૂપમાં અફઘાનિસ્તાન બીજા નંબરે હશે તો મંગળવાર, ચોથી માર્ચની દુબઈ ખાતેની સેમિ ફાઇનલ (બપોરે 2.30 વાગ્યાથી)માં ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે. હા, ગ્રૂપ `બી’માં સમીકરણો બદલાયા હશે તો ભારત સામે સેમિમાં સાઉથ આફ્રિકા અથવા ઑસ્ટ્રેલિયા પણ આવી શકે.