પુણેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં મહિલા પર બળાત્કાર: રીઢો આરોપી ફરાર

પુણે: પુણેના સ્વારગેટ વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસમાં 26 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને રીઢા આરોપીની શોધ ચલાવી હતી.
આરોપીની ઓળખ દત્તા ગાડે તરીકે થઇ હતી, જેની વિરુદ્ધ ચોરી અને ચેન સ્નેચિંગના ગુના દાખલ હોવાનું સ્વારગેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
સ્વારગેટ એ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના સૌથી મોટા બસ જંકશનમાંનું એક છે.
મહિલાના જણાવ્યા અનુસાર મંગળવારે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ તે એક પ્લેટફોર્મ પર પૈઠણ માટે બસની રાહ જોતી ઊભી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે બસ બીજા પ્લેટફોર્મ પર આવી ગઇ છે.
આ પણ વાંચો…એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ટિકિટ ચેક કરીને મહિલા ટીસીને ‘રોકસ્ટાર’નું બિરુદ મળ્યું!
તે બાદમાં મહિલાને બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરાયેલી બસ પાસે લઇ ગયો હતો, જ્યાં અંધારું હતું. મહિલા બસમાં ચડી ત્યારે આરોપી પણ તેની પાછળ ગયો હતો અને તેણે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
દરમિયાન બનાવની જાણ થયા બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી આરોપીને ઓળખી કાઢ્યો હતો. આરોપીને પકડી પાડવા માટે પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે. (પીટીઆઇ)