(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોની આગેવાનીમાં લેવાલીનો મજબૂત ટેકો મળતાં શેરબજાર આજે પણ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ સતત પાંચમાં સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો અને ૯૧૦ પોઈન્ટ્સ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૭૮૦૦ પોઇન્ટની ઉપર બંધ રહ્યો હતો. આજે ટાઈટનના શેરમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૯૦૫.૩૪ અને નીચામાં ૬૦,૦૧૩.૦૬ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૯૦૯.૬૪ પોઈન્ટ્સ અથવા ૧.૫૨ ટકા વધીને ૬૦,૮૪૧.૮૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૭૦.૩૦ અને નીચામાં ૧૭,૫૮૪.૨૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૨૧૯.૦૫ પોઈન્ટ્સ અથવા ૧.૨૪ ટકા વધીને ૧૭,૮૨૯.૪૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.