Homeલાડકીધોળાપાણીથી ૯ કિ.મી. આગળ કુંજાપુરી ક્ષેત્રમાં દુર્યોધનનું મંદિર છે

ધોળાપાણીથી ૯ કિ.મી. આગળ કુંજાપુરી ક્ષેત્રમાં દુર્યોધનનું મંદિર છે

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

એક તરફ જંગલ-બીજી તરફ જાનવરનો નકલી ભય. ત્રીજી તરફ આ પત્થર અને માટીનો મહાકાય ઢગલો. સાવ સીધું ચઢાણ અને આગળ ચઢતા મુનિનાં ચરણમાંથી પ્રગટ થતા આ શીલા ખંડોએ વિષમતાને નવો વળાંક આપ્યો. જો કે મારા પગમાંથી છટકેલો પત્થર પાછળ આવતા સ્વર્ણકલશ મ.ને પગમાં ખૂબ જોરથી લાગ્યો. પત્થર ગબડતો દેખાય પણ, ચાર પગે ચઢતા થોડું પણ બેલેંસ ચૂકી જવાય તો પત્થર પહેલા આપણે નીચે પહોંચી જઈએ જો કે સ્વર્ણકલશ મ.સા.ના પગથી છૂટેલા પત્થરો છેક નીચે રોડ સુધી ગબડતા હતા. મુનિ રત્નયશ મહારાજ અને કલ્પ તો ઉપર પહોંચી ગયા, થોડી વારમાં આનંદમંગલ મહારાજ પણ પહોંચી ગયા. રહ્યા અમે બે, હું અને સ્વર્ણકલશ મહારાજ, અમે પહેલાથી જ પાછળ હતા. ઉપર લાભુભાઈ પાછા આવ્યા હતા. પ્લાસ્ટિકની દોરી કાઢીને ઉપરથી લટકાવી બસ દોરી પકડીને અમારું ટ્રેકિંગ ચાલુ થયું. હાથમાં પ્લાસ્ટિકની મજબૂત દોરી પકડી. ઉપર વધારે તો ચઢવાનું ન હતું. ૧૫ ફૂટ લગભગ હશે. પણ પગ જામે તેવી એક પણ જગ્યા નહીં. વિચાર્યું દોરી પકડીને લટકી જઈએ ઉપરથી આપણને ખેંચી લેશે, પણ એ શક્ય નથી આ કંઈ દોરડો નથી દોરી છે. એનો ભરોસો કરાય નહીં. છતાં હિમ્મત કરવી જ રહી. હિમાલયે આજે પહેલા જ દિવસે પ્રભાવ બતાવવાનો પ્રારંભ કરી દીધો. પણ, અમે ડરીએ તેમ હતા જ ક્યાં? સંભાળી સંભાળીને બડી સાવધાનીથી એક એક કદમ મજબૂત રીતે જમાવતા ઉપર ચઢવાનું ચાલુ કર્યું. ચાલવાનું તો ૧૫-૨૦ ડગલા જ હતું. પણ ૧૫-૨૦ કિ.મી. જેટલી હિંમત ભેગી કરીને છેવટે ઉપર પહોંચી જ ગયા. જ્યાં રોડ ઉપર પગ મૂક્યો ત્યાં જીવમાં જીવ આવ્યો. જીવનમાં આવો અનુભવ પણ થશે. એ ક્યાં વિચારેલું? સ્વર્ણકલશ મ. એક તો ભારીમાણસ, દોરી બિચારી શું કરે. છતાં, સ્વર્ણકલશ મ.ની ટ્રેકિંગની પ્રેક્ટિસ સારી છે. હિમ્મત હાર્યા વિના આગળ વધ્યા.
એ ભારી માણસને પગ ક્યાંય જામે નહીં તેથી દોરીમાં જ મોટો પત્થર બાંધીને નીચે પત્થર છોડી દીધો. તે ઉપર પગ ઠેરવ્યો. મુનિશ્રીએ સ્વસ્થતાથી ઊભા બસ થોડીક વધુ સાવચેતી અને મંઝિલસર થશે. હિંમત હારે ચાલે તેમ ન હતું.
નીચે તો જોવાય જ નહિ. નીચે જોઈએ તો આખુ બ્રહ્માંડ ગોળ-ગોળ ફરતું દેખાય. પણ સ્વર્ણકલશ મહારાજ બડી સિફતથી ઉપર ચઢી ગયા સમજાયું નહીં આટલા જલદી કેમ ચઢી ગયા. છેવટે અમે બન્ને સાજા નરવા છેલ્લે છેલ્લે પહોંચી તો ગયા ઉપર. છેલ્લા ૨-૩ ડગલામાં તો જાણે શ્ર્વાસ અધ્ધર થઈ ગયેલો, થાક ઘણો લાગ્યો હતો.
રોડ પર પહોંચીને બેસી જ ગયા. ૧૦-૧૫ મિનિટ વિશ્રામ કર્યો. લાભુભાઈને પુછ્યું હવે કેટલું ચાલવાનું છે? તેમણે કહ્યું નરેન્દ્રનગર દોઢ કિ.મી. છે અમે ૮ કિ.મી. નરેન્દ્રનગરના પથ્થરથી ચઢવાનું ચાલુ કર્યું હતું, હવે દોઢ કિ.મી. ઉપર આવી ગયા એ વાતની ખુશી હતી અને એક નવો અનુભવ પણ થયો તે નફામાં. રીંછ તો કંઈ આવ્યા નહીં. દિવસે એ લોકો કંઈ આવે નહીં. ખાઈ પી ને સૂતા હોય. ઉકાળેલું પાણી ઋષિકેશથી લઈને જ આવ્યા હતા. પોરસી પચ્ચક્ખાણને થોડી વાર હતી.
હજુ ૯ વાગ્યા છે. ૧૫-૨૦ મિનિટમાં પોરસી આવી જશે, અમદાવાદના સમયથી અહિં ૨૨ મિનિટ પહેલા સૂર્યોદય થાય છે. પચ્ચક્ખાણ પણ વહેલું આવે છે. પા કિ.મી. ચાલ્યા ત્યાં એક પહાડી – વળાંક પર બસ સ્ટેશન હતું. બસ સ્ટેન્ડમાંથી નીચે છેક ઋષિકેશ સુધી દેખાતું હતું અને ઉપર છેક પહાડની ટોચ સુધી ઉંચાં વૃક્ષો દેખાતાં હતાં. સ્થાન બધાને ગમી ગયું. બધા સારા એવા થાકેલા હતા. પહેલો દિવસ હતો અહીં બસ સ્ટેન્ડમાં જ રોકાવાનું નક્કી કર્યું. આખો દિવસ ત્યાં જ રહ્યા. ઉપર છત, ચારે બાજુ ભીંત વિનાનું વિશ્રામ સ્થળ અમારે ઉપયોગી થયું. આનંદ આવ્યો. ભોજનમાં તો આજે માત્ર કેળા હતા. કલ્પને આવા ભોજનનો અનુભવ પહેલો હતો પણ છોકરો હિમ્મતબાજ હતો. તેણે પણ ભોજનને ન્યાય આપ્યો. જે મળ્યું તે સ્વીકાર…
સાંજે સાડા ચારે આગળ નીકળ્યા. ક્યાં જવું છે ખબર નથી. લાભભાઈ આગળ જશે, કોઈ રહેવા જેવી જગ્યા હશે ત્યાં રાત્રી વિશ્રામ કરશું. એક સવા કિ.મી. ચાલ્યા ત્યાં નરેન્દ્રનગર આવ્યું.
પહાડી ગામ મોટું છે. લગભગ ૨ કિ.મી. લાંબું ગામ છે. પગથિયા જેવાં ઘરો પહાડના ઢોળાવ પર ગોઠવાયા છે. ધોળાપાણી થઈ રોડ ઉપરને ઉપર આગળ વધતો હતો. ૯ કિ.મી. ચાલ્યા ત્યાં કુંજાપુરીદેવી તરફ જવાનો રોડ આવ્યો ત્યાં જ થોડી દુકાનો હતી. કુંજાપુરી ક્ષેત્રમાં એક દુર્યોધનનું મંદિર છે કદાચ પહેલી વાર આવી વાત સાંભળી. અહીં કેટલાક પહાડી લોકો દુર્યોધનને મહાપુરુષ ગણીને તેની પૂજા અર્ચના કરે છે. હનુમાનજી મંદિર હતું અને આ ક્ષેત્રના ક્ષેત્રપાળ શ્રી જયવીરબાબાસોરિયદેવનું મંદિર હતું. મુખ્ય સ્થાને કોઈ દેવી હતી. એ જ કદાચ અહિંના ક્ષેત્રાધિષ્ઠાતા હશે.
પૂજારીની ગાદી પર લગભગ ૧૫ વર્ષનો છોકરો બેઠેલો એ જ પૂજારી હશે અથવા પૂજારીનો
છોકરો હશે. આવ્યા ગયા દર્શનાર્થીઓની પૂજા એ જ કરાવતો હતો. લાભુભાઈએ તેને જ પૂછ્યું.
અમારે અહીં રાત્રિ વિશ્રામ કરવો છે. તેને તરત જ કહ્યું, ‘મંદિરની બહાર પતરાનો સેડ છે એના નીચે વિશ્રામ કરો.’ બસ બીજું શું જોઈએ? અમે તો તરત ગોઠવાઈ ગયા. ત્યાં જ એક ભગવાધારી ‘બિહારી બાબા’ આવ્યા.
એ પણ મંદિરમાં જ એક નાનકડી કોટડીમાં રહેતા હતા. તેમણે પણ અમારા ખબર અંતર પૂછ્યા. અમે તેમની પાસેથી પણ રાત્રિ વિશ્રામ માટે અનુમતિ
માગી. તેને રજા આપી કહ્યું, ‘રોકાવ પણ અહીં ઠંડી ઘણી લાગશે, સામે કિરાયાથી રૂમ મળે છે ત્યાં ચાલ્યા જાવ.’ પણ અમને તો આ સ્થળ સંયમને અનુકૂળ લાગ્યું.
ઠંડી લાગશે તો એક કામળી વધુ ઓઢી લઈશું પણ સંયમના આચારો સચવાશે. અમે આ જગ્યાની જ પસંદગી બતાવી. બાબા કહે, ‘અચ્છા ઠીક હૈ આપકી જો મરજી એમ કહીને એ તો ચાલ્યા ગયા.’ એક તરફ અમે પ્રતિક્રમણ કરવા બેઠા અને બીજી તરફ તો વીજળીના ચમકારા ચાલુ થયા.
આભના પેટમાં ક્યાંક ઊંડે ઊંડે ગડબડ ચાલુ થઈ. રાત્રે વરસાદ થવાની સંભાવના ખરી. આ પ્રદેશમાં ક્યારે વરસાદ થાય તેનો કોઈ ભરોસો નહીં એવું અમે એકથી વધુ વાર સાંભળેલું. આજે વરસાદ આવશે તો નિશ્ર્ચિત આ સ્થાન પાણીને રોકી શકશે નહીં. અરે એમાંય એક પૂજાપો વેંચનારી
ગઢવાલી બાઈએ તો જાણે ભવિષ્યવાણી કરી દીધી. રાત્રે વરસાદ આવશે જ, તમે ગમે તેમ કરીને સામે ભાડાથી રૂમ લઈ લ્યો. પણ અમે તો આ દાદાના ભરોસે ત્યાં જ રોકાયા. ઠંડો ઠંડો પવન ચાલુ થયો, બધા કામળીઓ ઓઢીને જ બેઠા. અને પવન તો હજુ વધતો જ ગયો. પણ અમે હારીયે તેવા ક્યા હતા? રાત આખી સરસ વીતિ ગઈ. સવારે પોણા પાંચે તો આખા આભમાં અજવાળું થવા લાગ્યું. રાત્રે કંઈ વરસાદ આવ્યો નહીં. એક વાગે ઠંડો પવન બંધ થઈ ગયો હતો. સવારે પાંચ વાગે પૂજારીએ આવીને મંદિરનો
ઘંટ વાગડ્યો અમે તો ક્યારના જાગી ગયા હતા. આ ગઢવાલી પર્વતમાળામાં દિલને ડોલાવનારો અને દિલને ડરાવનારો આજનો પહેલો દિવસ સરસ પૂરો થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular