૯/૧૧નો ઘાતકી હુમલો: અમેરિકાએ ‘ખૂન કા બદલા’ની થીમ અપનાવી

રોજ બરોજ

રોજ બરોજ-અભિમન્યુ મોદી
હુમલો હંમેશા લોકોને હલબલાવી નાંખે છે. પછી તે આસ્થા, અસ્મિતા, પરાક્રમ, પ્રતિષ્ઠા, પ્રોપર્ટી કે પદ કોઈ પણ સ્થાન પર જ્યારે હુમલો થાય ત્યારે માનવીના મસ્તકમાં ભયનું લખલખું પસાર થઈ જાય. આવો જ એક વજ્રઘાત અમેરિકાની અસ્મિતા પર ૨૧ વર્ષ પૂર્વે થયો હતો. એ ઘટનાએ નગરિકોની જીવનશૈલી, રાજકરણ પ્રત્યેનું વલણ અને વૈશ્ર્વિક ક્ષેત્રે અમેરિકાના શાખને ખરડી નાંખી. જે પ્રકારે ભારતના ગુલામીકાળને માનવ ઇતિહાસમાં કલંકિત શાહીથી લખાયા છે. એ જ પ્રકારે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાની કમકમાટીભરી ઘટનાએ દુનિયાને સ્તબ્ધ કરી દીધી. જગત જમાદાર કહેવાતું અમેરિકાએ થોડી ક્ષણો માટે ઓશિયાળું બની ગયું હતું. વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ગગનચુંબી ઇમારતો પરથી નીકળતો ધુમાડો રાખ બનીને વાતાવરણમાં પ્રસરી રહ્યો હતો. બિલ્ડિંગમાં રહેતા લોકોને અચાનક કાળભેંટી ગયો. કોઈ જીવતા ભડથું થઈ ગયા તો કોઈ જીવતા તો રહ્યા પણ તેમના શરીરના અંગો નિષ્પ્રાણ બની ગયા. એ ઘટનાના જે લોકો સાક્ષી બન્યા તેમના કર્ણપલટ પર આજે પણ મરણચીસો ગુંજી ઊઠે છે. આ ઘટનાને હજુ ગઈકાલે ૨૧ વર્ષ પૂરા થઈ ગયા. એ ઘટના સમયે જે કુમળા બાળકો જન્મ્યા હશે તે તો આજે પુખ્ત વયના થઈ ગયા હશે પણ આ ગોઝારો દિવસ આટલા વર્ષો પછી પણ અમેરિકાના નાગરિકોને રડાવી દે છે. પરંતુ અમેરિકા ક્યારેય તેમના દુશ્મનોને ભૂલતું નથી અને માફ પણ નથી કરતું. જે પ્રકારે અમેરિકાએ ઓસામા બિન લાદેન અને અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીને તેમના ઘરમાં ઘુસીને ઠાર કર્યા તેણે ૯/૧૧ના હુમલામાં મૃત્યુ પામેલા લોકોને તર્પણ આપવાનું કાર્ય કર્યું છે.
ખેર! ઓસામાને કાળ કઈ રીતે આંબી ગયો તેના પર તો અઢળક ડોક્યુમેન્ટરી બની ગઈ. એક હોલીવૂડ ફિલ્મ તો ઓસ્કારના પાદરે પણ પહોંચી ગઈ. સામે છેડે જવાહિરીના મોત પર તો નેટિઝન્સએ સોશિયલ મીડિયા પર પાર્ટી ઉજવી લીધી. અમેરિકાના પ્રમુખ જો બાઇડેને જાહેર પણ કરી દીધું કે, ૯/૧૧ની ઘટનામાં ૩ હજાર લોકોના મોત થયા તેનો બદલો અમે જવાહિરીના મોતથી લીધો છે. અમેરિકા તેમને દુશ્મનોને ભોંય તળિયેથી શોધીને ભોંય ભેગા કરી દે છે. લગભગ તમામ મીડિયાએ આ નિવેદનને હેડલાઈન તરીકે ચમકાવ્યું પણ તેનો ગૂઢ અર્થ કોઈ સમજી ન શક્યું. હિન્દી અને સાઉથની ફિલ્મોમાં ‘ખૂન કા બદલા’ ની થીમ વર્ષો જૂની છે. હીરો બાલ્યાવસ્થામાં હોય ત્યારે તેના પરિવારને વિલન મોતને ઘાટ ઉતારી દે. અન્યાય અને બદલાની આગ, આ બળીને હીરો અંતે વિલનનું એ જ હથિયાર કાસળ કાઢે જેનાથી તેનો પરિવાર દિવંગત બન્યો હતો. પ્રેક્ષકો હવે આ બીબાઢાળ કથાબીજથી કંટાળી ગયા છે. પણ અમેરિકાએ તેને આત્મસાત કરી બતાવ્યું.
૯/૧૧ના આતંકી હુમલામાં ત્રણ વિમાનોમાં પાંચ પાંચ આતંકીઓ હતા અને અન્ય વિમાનમાં ચાર આતંકવાદીઓ હતા પ્રત્યેક ગ્રુપમાં અમેરિકામાં તાલીમ પામેલ એક એક પાયલોટ હતો. આ પૈકી ૩ વિમાનોના મુખ્ય આંતંકી મહમ્મદ અત્તા, મારવાન અલ શેહી, ઝિયાદ જર્રાહએ માત્ર ચાકુની ધાર પર પ્લેન હાઇજેક કર્યા હતા. જ્યારે અખબારોમાં આ વાત પ્રકાશિત થઈ ત્યારે ચારેકોરથી અમેરિકા પર અપમાનનો મારો થયો હતો. એ વાતનો બોધપાઠ અમેરિકાએ લીધો. જે હથિયારથી આતંકીઓએ અમેરિકાનું નાક વાઢ્યું. એ જ હથિયારો તેના મૃત્યુ માટે નિમિત્ત બન્યા.
ઓસામા જયારે એબટાબાદમાં મિસિસ ઓસામા સાથે મધુરરજનીઓ માણી રહ્યો હતો. ત્યારે અચાનક તેના નિવાસ સ્થાને એક વિચિત્ર પ્રકારની ગંધ આવવા લાગી. લાદેનની ટુકડી બહાર નીકળીને આ ગંધને પારખે ત્યાં એક બોમ્બ પડ્યો અને બધાના ફુરચે ફરચા ઊડી ગયા. એ સામાન્ય હેન્ડગ્રેનેટ ન હતો. એ તો ‘વેક્યુમ બોમ્બ’ હતો. જે સ્થળે ખાબકે ત્યાંનો ઑક્સિજન ચૂસી લઇને પ્રચંડ તાપમાન ધરાવતા ધડાકાનું મોજું સર્જે…, આ ‘વેક્યુમ બોમ્બ’નો ઉપયોગ આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રતિબંધિત છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી અમલી બનેલી ‘જીનિવા ક્ધવેન્શન ટ્રિટી’ પણ આ પ્રકારના બોમ્બના ઉપયોગને ‘વોર ક્રાઇમ’ની કેટેગરીમાં સમાવેશ થાય છે.
ટૅક્નિકલ ભાષામાં આ પ્રકારના શસ્ત્રને ‘થર્મોબેરિક વેપન’ અથવા તો ‘એરોસોલ બોમ્બ’ કહે છે. ટી-૭૨ પ્રકારની ટેન્કની પીઠ પર લાદીને કોઈપણ સ્થળે સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય એવી ‘મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ’ દ્વારા આ વેક્યુમ બોમ્બનો મારો ચલાવી શકાય છે. અમેરિકાએ આ સિસ્ટમને ‘હેવી ફ્લેમથ્રોઅર’ નામ આપ્યું છે.
કોઈ મિસાઇલની જેમ ત્રાટકતા આ બોમ્બ બે તબક્કામાં કામ કરે છે. લેઝર કેમેરાની મદદથી નક્કી કરેલા લોકેશન પર ખાબકતી વખતે પહેલા ધડાકામાં આ બોમ્બમાંથી કાર્બનબેઝ્ડ અત્યંત જ્વલનશીલ ગેસનો વરસાદ વછૂટે છે. આ ગેસ વાતાવરણના ઑક્સિજન સાથે ભળે છે. બીજા તબક્કામાં આ ગેસને સળગાવવામાં આવે છે. એ સાથે જ ટાર્ગેટ લોકેશન પર એક વિનાશક ફાયરબોલ એટલે કે અગનગોળો સર્જાય છે. આ અગનગોળો પ્રચંડ શોકવેવ સર્જે છે. એ સાથે જ એ વિસ્તારનો ઑક્સિજન ચૂસી લે છે, એટલે વેક્યુમ યાને કે શૂન્યાવકાશ સર્જાય છે.
આ બોમ્બના નિર્માણનો વિચાર ૯/૧૧ના હુમલાના આયોજનના ભાગ રૂપે લાદેન દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલા બાદ તેણે અલ-જઝીરા ચેનલ પર હુમલાના ઓઠા તળે રોફ જમાવતો પોતાનો એક વીડિયો પણ પ્રકશિત કર્યો હતો. જેમાં તેણે અમેરિકાને અનેક અપશબ્દો કહીને કહ્યું હતું કે, ‘હિંમત હોય તો આ બોમ્બનો હુમલો અમારા પર કરી દેખાડો.’ એ વીડિયો રિલીઝ થયાના બીજે જ દિવસે અમેરિકાના એક ચર્ચમાં બોમ્બ બ્લાસ્ટ થયો. ૫૦૦ લોકો મોતને ભેટી ગયા. સીઆઈએ દ્વારા એ હુમલાના માસ્ટર માઈન્ડ અને અલ કાયદાનો મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ મુસાબ અલ ઝરકાવીની હત્યાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો. ઝરકાવી ઇરાકના બાંકુબાહ નામના એક ગામના સેફ હાઉસમાં છુપાયો હતો પણ અમેરિકા સાથે બાથ ભીડનાર કોઈ સુરક્ષિત નથી. ૭ જૂન, ૨૦૦૬ના રોજ અમેરિકા સૈનાના જવાનો સેફ હાઉસમાં ધસી આવ્યા અને ઝરકાવીની ઠંડે કલેજે હત્યા કરી નાખી. એ જ સેફ હાઉસમાંથી અમેરિકાને પેલા વેક્યુમ બોમ્બની ડિઝાઇન મળી આવી. એટલે જ જયારે લાદેન હણાયો ત્યારે તેને એ જ બોમ્બથી ઘાયલ કર્યો જેના ઉપયોગનો લાદેને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
લાદેન બાદ ૯/૧૧ના હુમલાની આગેવાની કરનાર અલ-જવાહિરી પણ અમેરિકાના નિશાને હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ અમેરિકી સૈન્ય તો જતું રહ્યું પણ તેના ગુપ્તચરો આજે પણ તાલિબાની શાસનમાં વસી રહ્યા છે. તેઓ અફઘાનિસ્તાનમાં કેટલા આતંકી આવ્યા અને કેટલા આંતકી ગયા તેની રજેરજ માહિતી સીઆઈએ સુધી પહોંચાડતા હતા. ભારતમાં ગાજેલા બહુચર્ચિત હિજાબ વિવાદમાં જવાહિરીએ ઝંપલાવ્યું એમાં તેનો ઘડો લાડવો થઈ ગયો. હિજાબ વિવાદમાં પ્રતિક્રિયા આપતો તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં જવહિરીએ ૯/૧૧ના હુમલાને ટાંકીને કહ્યું હતું કે, તેની આગવી વ્યવહારરચના થકી માત્ર ૨ ટાવર જ ધ્વસ્ત થયા. ટાવરની નજીક આવેલી કોઈ ઇમારતને નુકસાન ન થયું. આવી કળા અલકાયદા પાસે જ છે. એક તો આ વીડિયો સાથે તેનું લોકેશન છતું થયું. બીજું તેણે અમેરિકાને એવો પડકાર આપ્યો કે તેના આતંકી સંગઠને એવી ટૅક્નોલૉજી બનાવી જે ચોક્કસ ટાર્ગેટ પર ફોક્સ કરે છે.
અમેરિકાએ આ નિવેદનને પણ ધ્યાને રાખ્યું અને જવાહિરી પર હુમલો કર્યો ત્યારે ડ્રોન મારફત તેને જ ટાર્ગેટ કરીને તેની છાતીને ગોળીઓથી વીંધી નાખી. અમેરિકાએ પહેલી વખત વોરહેડ-લેસ હેલફાયર આર ૯ એક્સ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. એ મિસાઈલ વિસ્ફોટ નથી કરતી. તેમાં ફ્યૂઝ લેગમાંથી વિસ્તરતી ૬ રેઝર બ્લેડ હોય છે, જે ટાર્ગેટને કાપી નાખે છે. આ મિસાઈલના ઉપયોગ સાથે જ આતંકવાદવિરોધી લડાઈમાં એક નવો યુગ શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. એ મિસાઇલે ઝવાહિરીને હણી નાખ્યો પણ મકાન કે તેની અંદર રહેલા તેના પરિવારજનોને ઉની આંચ પણ ન આવી. હકીકતમાં તો શું થયું તે જ કોઈને સમજાયું નહીં. પણ શાંત ચિતે અમેરિકાએ વિશ્ર્વના સૌથી વધારે ખતરનાક આતંકવાદીને પળભરમાં રાખ કરી દીધો.
ઓસામા અને જવાહિરીએ ૯/૧૧ના હુમલા ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. બન્નેએ ૩ હજાર જેટલા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા અને આતંકીઓને વૈમનસ્ય ફેલાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. બીજી તરફ અમેરિકા પણ સતત અપગ્રેડ થયું અને તેણે બન્ને આતંકીઓને તેમના જીભના ભાથામાંથી નીકળેલા એ જ હથિયારથી ઠાર કર્યા જેની તેઓ માત્ર કલ્પના કરી શકતા હતા. જયારે અમેરિકાએ તેને વાસ્તવિકતાનું સ્વરૂપ આપીને માનવતાનું હનન કરનારા હત્યારાઓને હણીને ૯/૧૧ની ઘટનાનો બદલો લીધો છે. આજે ૨૧ વર્ષ પછી બન્ને આતંકીઓના મોત બાદ અમેરિકામાં પોતાના સ્વજનોને ગુમાવનાર નાગરિકોમાં હર્ષની હેલી છવાય છે. અમેરિકાએ ૨૦૨૪ સુધીમાં અલ કાયદાનો સફાયો કરવાની જાહેરાત કરી છે ત્યારે જોવાનું રહેશે કે ૯/૧૧ના હુમલાની રજત જ્યંતી પર કેટલા આતંકીઓ ભૂતકાળ બનશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.