ત્રિપુરા-નાગાલૅન્ડમાં ભાજપને લાભ, મેઘાલયમાં ત્રિશંકુની શક્યતા
—
નવી દિલ્હી: સોમવારે યોજાયેલી ઇશાનના ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ત્રિપુરામાં ૮૭.૬ ટકા, નાગાલૅન્ડમાં ૮૧.૯૪ ટકા અને મેઘાલયમાં ૭૪.૩૨ ટકા મતદાન નોંધાયું હતું. આ ત્રણ વિધાનસભાઓની ચૂંટણીના મતદાન અને પરિણામો વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ઇશાનના રાજ્યોમાં વિવિધ પક્ષોની શક્યતાઓનો અંદાજ દર્શાવશે, એમ રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું હતું. બીજી માર્ચે મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે.
ત્રિપુરામાં ૨૮.૧૩ લાખ, નાગાલૅન્ડમાં ૧૩ લાખ અને મેઘાલયમાં ૨૧.૬ લાખ મતદારો છે. સોમવારની ચૂંટણીમાં મેઘાલયમાં ૬૦માંથી ૫૯ બેઠકો પર ૩૬૯ ઉમેદવારો મેદાનમાં છે. નાગાલૅન્ડમાં ૬૦માંથી ૫૯ બેઠકો પર ૧૮૩ ઉમેદવારો મેદાનમાં છે. ત્રિપુરામાં ૨૫૯ ઉમેદવારો મેદાનમાં છે.
સોમવારે યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીના ઍક્ઝિટ પૉલમાં ત્રિપુરા અને નાગાલૅન્ડમાં ભાજપની સરકાર બનવાની અને મેઘાલયમાં ત્રિશંકુ સરકાર બનવાની શક્યતા દર્શાવાઈ છે. ઍક્ઝિટ પૉલમાં નોંધાયા પ્રમાણે ત્રિપુરામાં ભાજપને ૪૫ ટકા, ડાબેરી-કૉંગ્રેસના ગઠબંધનને ૩૨ ટકા અને ટીએમપીને ૨૦ ટકા મત મળવાની શક્યતા દર્શાવાઈ છે. ઍક્સિસ માય ઇન્ડિયા અને આજ તકના એક્ઝિટ પૉલમાં ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર બનવાનો અંદાજ માંડવામાં આવ્યો છે. ત્યાં ભાજપને ૩૬થી ૪૫ બેઠક મળવાનો અંદાજ માંડવામાં આવ્યો છે.
ઍક્ઝિટ પૉલમાં નાગાલૅન્ડમાં ફરી એનડીડીપી અને ભાજપના ગઠબંધનની સરકાર બનવાની શક્યતા દર્શાવાઈ હતી. એ રાજ્યમાં ગઠબંધનને ૩૮થી ૪૮ બેઠકો, કૉંગ્રેસને ૧-૨ અને એપીએફને ૩થી ૮ બેઠકો મળવાની શક્યતા દર્શાવાઈ છે. મેઘાલયના ઓક્ઝિટ પૉલમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને બહુમતી મળવાની શક્યતા દર્શાવાઈ નથી. ત્યાં એનપીપીને ૧૮થી ૨૪, ભાજપને ૪થી ૮ અને કૉંગ્રેસને ૬ થી ૧૨ બેઠકા મળવાનો અંદાજ દર્શાવાયો છે. (એજન્સી)
—
ઍક્ઝિટ પૉલ
ત્રિપુરા
કુલ બેઠક ૬૦
ભાજપ ૩૬-૪૫
ડાબેરી-કૉંગ્રેસ ૬-૧૧
ટીએમપી ૯-૧૬
મેઘાલય
કુલ બેઠક ૬૦
એનપીપી ૧૮-૨૪
કૉંગ્રેસ ૬-૧૨
ભાજપ ૪-૮
અન્ય ૪-૮
નાગાલૅન્ડ
કુલ બેઠક ૬૦
એનડીડીપી ૩૮-૪૮
એનપીએફ ૩-૮
કૉંગ્રેસ ૧-૨
અન્ય ૫-૧૫